Mukesh Ambani visits Badrinath-Kedarnath today: આજે સોમવતી અમાસે રિલાયન્સના મુકેશ અંબાણીએ બદરીનાથ અને કેદારનાથ ધામમાં દર્શન કર્યા; આ સાથે જ તેમણે મંદિર સમિતિને ૧૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે
મુકેશ અંબાણીની ફાઇલ તસવીર
આજે અધિક મહિનાના છેલ્લા દિવસ એટલે કે સોમવતી અમાસે દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Relinace Industries)ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) સોમવારે સવારે ભગવાન બદરી વિશાલના દર્શન કરવા માટે બદરીનાથ ધામ (Badarinath Dham) પહોંચ્યા હતા. આ પ્રસંગે મંદિર સમિતિના પદાધિકારીઓ દ્વારા તેમનું ભવ્ય અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે મંદિરમાં વિધિવત પૂજા-અર્ચના કરીને દેશની સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી માટે પ્રાર્થના કરી હતી. મુકેશ અંબાણીએ બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (Shri Badarinath Kedarnath Temple Committee)ને ૧૦ કરોડ રૂપિયાની માતબર રકમનું દાન આપ્યું હતું.
આધ્યાત્મિક યાત્રા પર મુકેશ અંબાણી
ADVERTISEMENT
પોતાની આધ્યાત્મિક યાત્રા અંતર્ગત ઉત્તરાખંડ (Uttarakhand) પહોંચેલા મુકેશ અંબાણી બદરીનાથ ધામમાં દર્શન અને પૂજા કર્યા બાદ કેદારનાથ ધામ (Kedarnath) માટે રવાના થયા હતા. ત્યાં તેમણે બાબા કેદારના દર્શન કરી દેશવાસીઓના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
મુકેશ અંબાણી દર વર્ષે બદરીનાથ અને કેદારનાથ ધામની મુલાકાત લે છે અને મંદિર સમિતિને ઉદાર હાથે આર્થિક સહયોગ પૂરો પાડે છે. ધાર્મિક અને સામાજિક દ્રષ્ટિએ તેમના આ યોગદાનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
બદરીનાથ ધામમાં મંદિર સમિતિના પદાધિકારીઓ દ્વારા મુકેશ અંબાણીનું સ્વાગત
મુકેશ અંબાણીની બદરીનાથ ધામની મુલાકાત દરમિયાન શ્રી બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના ઉપાધ્યક્ષ ઋષિ પ્રસાદ સતી, સભ્ય ધીરજ મૌનુ પંચભૈયા, રજનીશ ભટ્ટ, મુખ્ય કાર્યકારી અધિકારી સોહન સિંહ રાંગડ તથા પ્રભારી અધિકારી ગિરીશ ચૌહાણ, પૂર્વ સભ્ય ભાસ્કર ડિમરી, ધર્માધિકારી સ્વયંબર સેમવાલ, પ્રમોદ નૌટિયાલ, ભૂપેન્દ્ર રાવત સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંદિર સમિતિના આ તમામ પદાધિકારીઓએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને મંદિરના વિકાસ તેમજ વ્યવસ્થાઓમાં તેમના દ્વારા આપવામાં આવતા સતત સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
તીર્થયાત્રીઓની સુવિધાઓ માટે વપરાશે દાનની રકમ
બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સોહન સિંહ રાણાએ જણાવ્યું કે, મુકેશ અંબાણી સવારે આશરે ૯:૧૫ વાગ્યે બદરીનાથ ધામ પહોંચ્યા હતા. તેમની સાથે પરિવારના કેટલાક સભ્યો અને નજીકના સહયોગીઓ પણ હાજર હતા. તેમણે ભગવાન બદરી વિશાલની વિશેષ પૂજા કર્યા બાદ કેદારનાથ જવા પ્રસ્થાન કર્યું હતું. તેમણે મંદિર સમિતિને ૧૦ કરોડ રુપિયાનું દાન આપ્યું છે.
સીઈઓ ના જણાવ્યા અનુસાર, મુકેશ અંબાણી દ્વારા આપવામાં આવેલું આ દાન ધામમાં તીર્થયાત્રીઓની સુવિધાઓ અને મંદિર સમિતિની વિવિધ વ્યવસ્થાઓને વધુ મજબૂત કરવામાં મદદરૂપ થશે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કેદારનાથ અને બદરીનાથ ધામમાં અગાધ શ્રદ્ધા ધરાવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ દર્શન માટે પહોંચ્યા છે. તેમણે પૂજા-અર્ચના કરવાની સાથે જ મંદિર સમિતિના પદાધિકારીઓ સાથે મુલાકાત પણ કરી હતી.
નોંધનીય છે કે, ચારધામ યાત્રા (Char Dham Yatra)માં હાલ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, જેમાં ૧૩ જૂન સુધીમાં કેદારનાથ ધામમાં ૧૨,૨૩,૦૭૪, બદરીનાથ ધામમાં ૧૦,૯૨,૩૬૭, ગંગોત્રી ધામમાં ૫,૯૫,૧૬૬ અને યમુનોત્રી ધામમાં ૫,૫૬,૨૨૭ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે.
