Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહિલા પ્રવાસીઓની સગવડ માટે પિન્ક પ્લૅટફૉર્મનો અનોખો પ્રસ્તાવ

મહિલા પ્રવાસીઓની સગવડ માટે પિન્ક પ્લૅટફૉર્મનો અનોખો પ્રસ્તાવ

Published : 03 August, 2026 08:23 AM | IST | Mumbai
Rajendra B Aklekar

જ્યાં લેડીઝ ડબ્બો આવતો હોય એટલા ભાગને ગુલાબી રંગથી રંગીને વિશેષ ઝોન ઊભો કરવાની વિચારણા

તસવીર : સતેજ શિંદે

તસવીર : સતેજ શિંદે


મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં મહિલા પ્રવાસીઓની સફર વધુ સુગમ, સંગઠિત અને સુરક્ષિત બનાવવાના હેતુથી એક અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. મુંબઈ રેલ પ્રવાસી સંઘ દ્વારા રેલવે-સ્ટેશનો પર પિન્ક પ્લૅટફૉર્મ બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એ અંતર્ગત લેડીઝ સ્પેશ્યલ ડબ્બા જ્યાં ઊભા રહે છે એ પ્લૅટફૉર્મ પર ચોક્કસ ભાગને ગુલાબી રંગથી માર્ક કરીને મહિલાઓ માટે વિશેષ ઝોન તૈયાર કરવામાં આવશે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર સેન્ટ્રલ રેલવે હેડક્વૉર્ટર ખાતે યોજાયેલી પ્રથમ સબર્બન રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી (SRUCC)ની બેઠકમાં આ પ્રસ્તાવ પર ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ વિચાર આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર મહિલાઓ માટે ઉપલબ્ધ વિશેષ સુવિધાઓથી પ્રેરિત છે.



આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ મહિલા અને દિવ્યાંગ પ્રવાસીઓને ભીડભાડવાળા પ્લૅટફૉર્મ પર સરળતાથી પોતાના ડબ્બા સુધી પહોંચવામાં મદદ કરવાનો છે. પ્લૅટફૉર્મ પર ગુલાબી રંગનું સ્પષ્ટ માર્કિંગ હોવાથી નવી અને નિયમિત મહિલા-પ્રવાસીઓ તરત જ મહિલા કોચનું સ્થાન ઓળખી શકશે, મહિલા કોચ પાસે થતી અસ્તવ્યસ્ત ભીડને દૂર કરીને બોર્ડિંગ-પ્રક્રિયાને વધુ શિસ્તબદ્ધ બનાવી શકાશે તથા ચોક્કસ વેઇટિંગ-એરિયા નક્કી હોવાથી રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ના જવાનોને વધુ અસરકારક રીતે તહેનાત કરી શકાશે. આ સાથે આ વિશિષ્ટ ઝોનમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા દ્વારા ધ્યાન કેન્દ્રિત કરીને ઇમર્જન્સીમાં ઝડપી રિસ્પૉન્સ આપી શકાશે.


લેડીઝ સ્પેશ્યલ કોચમાં પણ ફેરફાર કરવાનો પ્રસ્તાવ
આ બેઠકમાં માત્ર પ્લૅટફૉર્મ જ નહીં, લેડીઝ કોચની આંતરિક રચનામાં પણ ફેરફાર કરવાની ચર્ચા કરવામાં આવી હતી. પ્રવાસી સંસ્થાના જણાવ્યા મુજબ અત્યારના કોચ માત્ર મહિલાઓ માટે અનામત રાખવામાં આવ્યા છે, પરંતુ તેમની શારીરિક બનાવટ અને જરૂરિયાતો મુજબ ડિઝાઇન કરવામાં આવ્યા નથી. ભારતીય મહિલાઓની સરેરાશ ઊંચાઈ અને શારીરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હૅન્ડલ્સ અને સામાન મૂકવાની રૅક નીચા સ્તરે રાખવી જોઈએ જેથી મહિલાઓ એનો સુગમતાથી ઉપયોગ કરી શકે.

રેલવેએ આ વિચારને સકારાત્મક ગણાવ્યો
રેલવેએ પિન્ક પ્લૅટફૉર્મના વિચારને સકારાત્મક ગણાવ્યો છે, પરંતુ એના વ્યાવહારિક અમલીકરણ સામે અસંખ્ય ટેક્નિકલ અડચણો પણ દર્શાવી છે.
એક વરિષ્ઠ રેલવે-અધિકારીએ આ વિશે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ‘આ વિચાર ચોક્કસપણે આવકારદાયક છે, પરંતુ વાસ્તવિકતામાં એનું અમલીકરણ કઠિન છે. મુંબઈ સબર્બનમાં ૧૨ ડબ્બાની, ૧૫ ડબ્બાની અને ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેનો દોડે છે. આ તમામ ટ્રેનોમાં મહિલા કોચનું સ્થાન અને એમની સંરચના અલગ-અલગ હોય છે. તેથી પ્લૅટફૉર્મ પર ચોક્કસ સ્થાન રંગવું વ્યાવહારિક રીતે જટિલ બની શકે છે.’
રેલવે તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે સાર્વજનિક ધોરણે આ યોજના લાગુ કરતાં પહેલાં એની યોગ્યતા ચકાસવા માટે પ્રાથમિક તબક્કે ચોક્કસ સ્ટેશનો પર ફીઝિબિલિટી સ્ટડી હાથ ધરવામાં આવશે અને ત્યાર બાદ જ કોઈ આખરી નિર્ણય લેવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2026 08:23 AM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK