Somvati Amavasya 2026: જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તો આજના દિવસનું ખૂબ જ મહત્વ છે. કહેવાય છે કે આજે દાન-ધર્મ તેમજ વિશેષ પૂજા કરવામાં આવે તો વ્યક્તિની કુંડળીના દોષોમાંથી મુક્તિ મળે છે.
સોમવતી અમાસ નિમિત્તે મુંબઈના બાણગંગા ખાતે પૂજાવિધિ કરતા શ્રદ્ધાળુઓ (તસવીર - અતુલ કાંબળે)
ભારતીય સંસ્કૃતિમાં સોમવતી અમાસ (Somvati Amavasya 2026)નું અદકેરું મહત્વ છે. આજે ૧૫મી જૂને અધિક જેઠ મહિનો પૂરો થતો હોઇ સોમવતી અમાસનો દુર્લભ સંયોગ થઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તો આજના દિવસનું ખૂબ જ મહત્વ છે. કહેવાય છે કે આજે દાન-ધર્મ તેમજ વિશેષ પૂજા કરવામાં આવે તો વ્યક્તિની કુંડળીના દોષોમાંથી મુક્તિ મળે છે.
ક્યારથી શરૂ થઈ રહી છે સોમવતી અમાસ?
ADVERTISEMENT
હિન્દુ પંચાંગ પ્રમાણે સોમવતી અમાસ (Somvati Amavasya 2026)નો પ્રારંભ ૧૪ જૂને બપોરે ૧૨ વગીને ૨૦ મિનિટે થયો છે, જ્યારે આ તિથિની સમાપ્તિ ૧૫ જૂનના રોજ સવારે ૮ વાગ્યાને ૨૪ મિનિટે પૂર્ણ થશે. જોકે, ઉદય તિથિ અનુસાર સોમવારે આ અમાસ હોવાને કારણે પવિત્ર વ્રત, સ્નાન અને દાન-ધર્મ આજે એટલે કે ૧૫ જૂનના રોજ જ કરવું શાસ્ત્રોક્ત અને ફળદાયી રહેશે.
આજે થઈ રહેલા દુર્લભ સંયોગની વાત કરીએ. સોમવતી અમાસ અને મિથુન સંક્રાંતિ એક સાથે આવ્યા છે. જાણકારો કહે છે કે આજે સોમવાર, અમાસ, સૂર્ય સંક્રાંતિ અને અધિક માસ આ બધુ જ એક સાથે આવ્યું હોઇ અતિ દુર્લભ સંયોગ રચાયો છે. લગભગ 396 વર્ષ પછી આવો યોગ જોવા મળ્યો છે. હવે પછી આવો યોગ વર્ષ 2327માં જોવા મળશે.
હવે વાત કરીએ કે આજના (Somvati Amavasya 2026) દિવસે વ્યક્તિએ કયા ઉપાયો કરવા જોઈએ જેથી તમામ પ્રકારના કુંડળીના દોષો અને પિતૃદોષોમાંથી મુક્તિ મળી શકે.
શિવલિંગ પર અભિષેક: આજે યોગાનુયોગ સોમવાર તેમ જ સોમવતી અમાસ એકસાથે આવ્યા હોઇ શિવજીની પૂજાનું ફળ વિશેષ મળશે. આજના દિવસે શિવલિંગ પર કાચું દૂધ, જળ અને બિલિપત્ર અર્પણ કરીને `ૐ નમઃ શિવાય` મંત્રનો ૧૦૮ વખત જાપ કરવો જોઈએ.
પીપળાની પરિક્રમા: સોમવતી અમાસ (Somvati Amavasya 2026)ને દિવસે પીપળાની પ્રતિક્રમાનું પણ મહત્વ છે. હિન્દુ સંસ્કૃતિમાં પીપળાને પવિત્ર માનવામાં આવે છે. પીપળામાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ હોઇ આજના દિવસે ત્યાં દૂધ-પાણી અર્પણ કરીને પરિક્રમા કરવી જોઈએ.
પાણિયારે દીવો મૂકવો: આજે સોમવતી અમાસને દિવસે પાણિયારે દીવો પ્રગટાવવો જોઈએ. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે પાણિયારે પૂર્વજો અને દેવી લક્ષ્મીનો વાસ હોય છે. માટે જ આજના પવિત્ર દિવસે અહીં દીવો પ્રગટાવવાથી ઘરમાં ધન-ધાન્યનો ભંડાર અખૂટ રહે છે.
પિતૃતર્પણ: જો કુંડળીમાં પિતૃદોષ હોય અથવા હાથમાં લીધેલા કામો પૂરા ન થતાં હોય તો આજના દિવસે પિતૃઓનું સ્મરણ કરીને તર્પણ અથવા તો પિંડદાનની વિધિ કરવાનો શ્રેષ્ઠ સમય છે.
દાન-પુણ્ય: આજના દિવસે (Somvati Amavasya 2026) જરૂરિયાતમંદને અન્ન, વસ્ત્ર, કાળા તલ અથવા છત્રીનું દાન કરવાથી રાહુ-કેતુ અને શનિ ગ્રહનો કોઈ અશુભ પ્રભાવ તમારી કુંડળી પર પડ્યો હોપી તો તે દૂર થશે.
તુલસીના કયારા પાસે દીપપ્રજ્વલન: સોમવતી અમાસે સંધ્યા ટાણે તુલસીના ક્યારા પાસે શુદ્ધ ગાયના છાણનો દીવો કરવો અતિ શુભ માનવામાં આવે છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે.
(ખાસ નોંધઃ આ લેખમાં ઉલ્લેખિત ઉપાયો, ફાયદાઓ, સલાહ અને નિવેદનો ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ અહીં કરવામાં આવેલા દાવાઓને સમર્થન કે માન્યતા આપતું નથી. પ્રસ્તુત માહિતી જ્યોતિષીઓ, પંચાંગો, પ્રવચનો, માન્યતાઓ, ધાર્મિક ગ્રંથો અને લોકવાયકાઓ સહિત વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે. વાચકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ માહિતીને સંપૂર્ણ સત્ય અથવા ચોક્કસ દાવા તરીકે ન ગણે અને પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.)
