આ આરોપને ખોટો ગણાવીને ભૂતપૂર્વ અભિનેત્રી કહે છે કે મેં તો ગુરુને દિક્ષણા આપવા માટેના બે લાખ રૂપિયા પણ ઉધાર લીધા હતા
મમતા કુલકર્ણી
૯૦ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી મમતા કુલકર્ણી પોતાની કરીઅરમાં અનેક હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. વર્ષો સુધી લાઇમલાઇટથી દૂર રહ્યા પછી મમતા હાલમાં ભારત પાછી ફરી હતી. ભારત આવીને તેણે મહાકુંભની મુલાકાત લીધી હતી અને પછી તેણે પોતે જ સોશ્યલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે હું હવે કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ગઈ છું. જોકે બૉલીવુડનું બૅકગ્રાઉન્ડ ધરાવતી મમતાને આ પદ માટે પસંદ કરવામાં આવી હોવાનું ઘણા લોકોને ગમ્યું નહોતું.
અનેક સાધુ-સંતોએ મમતાના મહામંડલેશ્વર બનવા સામે વિરોધ નોંધાવ્યો હતો. એ પછી અખાડાના સંસ્થાપકે મમતાને તેના પદ પરથી હટાવી દીધી હતી. મમતા કિન્નર અખાડા સાથે જોડાઈ એ પછી તેના પર અનેક આરોપ લાગ્યા હતા. આ આરોપમાંથી એક આરોપ એ હતો કે તેણે મહામંડલેશ્વર બનવા માટે ૧૦ કરોડ રૂપિયા આપ્યા હતા. હવે આખરે મમતાએ તેના પર લાગેલા આરોપોની સ્પષ્ટતા કરી છે.
ADVERTISEMENT
મમતાએ એક ટીવી-ઇન્ટરવ્યુમાં પોતાના પર લાગેલા આરોપ વિશે જણાવ્યું હતું કે ‘૧૦ કરોડ રૂપિયા તો બહુ મોટી રકમ છે અને મારી પાસે તો એક કરોડ રૂપિયા પણ નથી. સરકારે મારા બૅન્ક-અકાઉન્ટ જપ્ત કરી લીધાં છે. તમને અંદાજ પણ નથી કે હું કઈ હાલતમાં રહું છું. મારી પાસે બિલકુલ પૈસા નથી. મને જ્યારે મહામંડલેશ્વર બનાવવામાં આવી ત્યારે ગુરુને દક્ષિણા આપવા માટે પણ મારી નજીકની એક વ્યક્તિ પાસેથી મેં બે લાખ રૂપિયા ઉધાર લીધા હતા.’
મમતાએ પોતાની સંપત્તિ વિશે પણ માહિતી આપી છે. તેણે કહ્યું હતું કે ‘મારા ત્રણ અપાર્ટમેન્ટ છે પણ એ રહી શકાય એવી હાલતમાં નથી, કારણ કે એ ૨૩ વર્ષ જેટલા લાંબા સમયથી બંધ પડ્યા છે.’

