કેન્દ્રના રક્ષા મંત્રાલયે બે દિવસ માટે MyGov પોર્ટલ પર બે દિવસના ઑનલાઇન વોટિંગ પોલનું આયોજન કર્યું હતું
મિડ-ડેના ૨૫ જાન્યુઆરીના અંકનો રિપોર્ટ, જેમાં લખવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્ર અને ગુજરાતના ટૅબ્લો છવાઈ જશે.
ગણતંત્ર દિવસ ૨૦૨૬ની પરેડમાં રજૂ કરવામાં આવેલી ઝાંખીઓનાં ગઈ કાલે પરિણામો જાહેર કરવામાં આવ્યાં હતાં. એમાં જજોએ ભારતીય નૌસેનાની ટુકડીને બેસ્ટ માર્ચિંગ ટીમ તરીકે પસંદ કરી હતી. રાજ્યોની ઝાંખીઓમાં ગણેશોત્સવનું નિદર્શન કરતા મહારાષ્ટ્રના ટૅબ્લોને પહેલું ઇનામ મળ્યું હતું. મહારાષ્ટ્રની થીમ હતી ‘ગણેશોત્સવ આત્મનિર્ભરતેચે પ્રતીક’. જમ્મુ-કાશ્મીરના ટૅબ્લોને બીજું ઇનામ મળ્યું હતું. એમાં રાજ્યની હૅન્ડિક્રાફ્ટ અને લોકનૃત્યની કલાઓ દર્શાવવામાં આવી હતી. ત્રીજા નંબરે કેરલાનો ટૅબ્લો હતો. કેરલાએ વૉટર મેટ્રો અને ૧૦૦ ટકા ડિજિટલ લિટરસી થીમ દ્વારા આત્મનિર્ભર કેરલાનો કન્સેપ્ટ રજૂ કર્યો હતો. સંસ્કૃતિ મંત્રાલયની વંદે માતરમની ઝાંકી પણ મંત્રાલયોની કૅટેગરીમાં અવ્વલ રહી હતી.
લોકોની પસંદ ગુજરાતનો ટૅબ્લો
બીજી તરફ MyGov પોર્ટલ પર થયેલા ઑનલાઇન પોલમાં પૉપ્યુલર ચૉઇસની શ્રેણીનાં ઇનામો પણ અલગથી જાહેર કરવામાં આવ્યાં હતાં. આસામ રેજિમેન્ટ અને ગુજરાતની ઝાંખીને જનતાએ સૌથી વધુ પસંદ કરી હતી. ગુજરાતના ટૅબ્લોએ લગાતાર ચોથા વર્ષે પૉપ્યુલર ચૉઇસ કૅટેગરીમાં પહેલું ઇનામ મેળવ્યું હતું. ગુજરાતની થીમ હતી ‘સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ્’.
ADVERTISEMENT
કેન્દ્રના રક્ષા મંત્રાલયે બે દિવસ માટે MyGov પોર્ટલ પર બે દિવસના ઑનલાઇન વોટિંગ પોલનું આયોજન કર્યું હતું. એમાં કુલ ૪૩ ટકા વોટ ગુજરાતને મળ્યા હતા. બીજા નંબર પર ઉત્તર પ્રદેશના ટૅબ્લોને ૯ ટકા વોટ મળ્યા હતા, જ્યારે બાકીનાં તમામ રાજ્યોને મળીને ૧૫ ટકા મત મળ્યા હતા.


