હજારોની સંખ્યામાં સાધુ-સંતો, હાથી-ઘોડા, ઊંટ અને બૅન્ડવાજાં સાથે વાજતેગાજતે તેમણે હનુમાનગઢીથી માત્ર એક જ કિલોમીટર દૂર આવેલા રામ મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા માટે પ્રયાણ કર્યું હતું.
શોભાયાત્રા કાઢીને સરયૂમાં સ્નાન કરવા ગયા અને પછી રામલલાનાં દર્શન કર્યાં.
અયોધ્યાના હનુમાનગઢી મંદિરના મુખ્ય પૂજારી મહંત પ્રેમદાસજીએ ગઈ કાલે સદીઓ જૂની પરંપરા તોડીને પહેલી વાર હનુમાનગઢી મંદિરનો પરિસર છોડ્યો હતો અને નવા બનેલા રામમંદિરમાં રામલલાનાં દર્શન કર્યાં હતાં. પરંપરા અનુસાર હનુમાનજીના પ્રતિનિધિ તરીકે હનુમાનગઢીના મુખ્ય પૂજારી મંદિર પરિસરની બહાર નીકળી નથી શકતા. તેઓ ૫૬ વીઘામાં ફેલાયેલા હનુમાનગઢી મંદિરમાં જ રહે છે. એ નિયમ એટલો કડક છે કે તેઓ કોઈ જ દુન્યવી કારણસર ગઢીની બહાર પગ મૂકી નથી શકતા, સિવાય કે તેમની તબિયત ખરાબ હોય અને તેમને હૉસ્પિટલમાં લઈ જવા પડે. જોકે ગઈ કાલે ૭૦ વર્ષના મહંત પ્રેમદાસજી ભગવાન શ્રીરામનાં દર્શન માટે મંદિરની બહાર નીકળ્યા હતા. હજારોની સંખ્યામાં સાધુ-સંતો, હાથી-ઘોડા, ઊંટ અને બૅન્ડવાજાં સાથે વાજતેગાજતે તેમણે હનુમાનગઢીથી માત્ર એક જ કિલોમીટર દૂર આવેલા રામ મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા માટે પ્રયાણ કર્યું હતું.
જ્યારે ૨૦૦ વર્ષ પહેલાં હનુમાનગઢીનું સંવિધાન બન્યું અને નિર્વાણી અખાડાના મહંત તેમની ગાદી પર બિરાજ્યા ત્યારથી આ નિયમ છે તો પછી સવાલ એ થાય કે એવું તે શું થયું કે સદીઓની પરંપરા તોડીને મહંત પ્રેમદાસ ગઢીની બહાર નીકળ્યા? તો એની પાછળ વાત કંઈક એવી છે કે મહંત પ્રેમદાસજીને છેલ્લા સાત મહિનાથી સપનામાં હનુમાનજી આવીને રામલલાનાં દર્શન કરવા જવાનું કહેતા હતા. સતત આવી રહેલા આ સપનાને ધ્યાનમાં રાખીને નિર્વાણી અખાડાની પંચાયત બોલાવવામાં આવી હતી. ૨૧ એપ્રિલે ૪૦૦ સભ્યોની એ બેઠકમાં મહંતને રામલલાનાં દર્શન કરવા ગઢીની બહાર નીકળવાનું સર્વાનુમતિએ નક્કી થયું હતું. આ વિધિમાં નાગા સાધુઓના નિશાન સમા ઘોડા અને હાથીઓનો સમાવેશ કરવાનું નક્કી થયું હતું. હનુમાન ગઢીથી નીકળીને સાધુઓએ સરયૂ નદીમાં પવિત્ર સ્નાન કરીને રામલલાનાં દર્શન કર્યાં અને તેમને છપ્પનભોગ ધર્યો હતો. આ શોભાયાત્રાનું ૪૦ સ્થળોએ પુષ્પવર્ષાથી સ્વાગત થયું હતું.
ADVERTISEMENT
રામલલાને ૪ થાળમાં કુલ ૫૬ વ્યંજનોનો ભોગ ધરવામાં આવ્યો હતો. હલવા-પૂરી અને પકૌડી હનુમાન ગઢીના ભંડારગૃહના શુદ્ધ દેશી ઘીથી બનાવવામાં આવ્યાં હતાં અને બાકીની મીઠાઈઓ બહાર બ્રાહ્મણો પાસે બનાવડાવવામાં આવી હતી.
રામલલા સામે સનાતન ધર્મના કલ્યાણ માટે તેમણે રામરક્ષા સ્ત્રોતનો પાઠ કર્યો હતો.
ગઈ કાલે સૌપ્રથમ વાર મહંત પ્રેમદાજીએ રામ મંદિરની પરિક્રમા કરી હતી અને હવે એ પરિક્રમા અન્ય ભક્તો પણ કરી શકશે.
સાળંગપુર હનુમાનજી મંદિરમાં યોજાયો ૨૦૦૦ કિલો કેરીનો આમ્રોત્સવ
સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ગઈ કાલે અખાત્રીજ નિમિત્તે આમ્રોત્સવ ઉજવાયો હતો. હનુમાનદાદાને કેરીઓ ધરાવીને દાદાના સિંહાસનનો કેરીઓ દ્વારા શણગાર કરાયો હતો. આ ઉપરાંત ૨૦૦૦ કિલો કેરીઓનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો. હનુમાનદાદા માટે કચ્છ, ગીર, વલસાડ અને સાળંગપુરની વાડીની કેરીઓ લાવવામાં આવી હતી. આ કેરીનો પ્રસાદ સમઢિયાળામાં આવેલા દિવ્યાંગ બાળકોના આશ્રમમાં આપવામાં આવ્યો હતો તેમ જ સાળંગપુરના ભોજનાલયમાં ધાર્મિકજનોને કેરીનો રસ પીરસવામાં આવ્યો હતો.

