આ ધ્વજદંડ ૧૬૧ ફુટના શિખર પર લગાડવામાં આવતાં એ જમીનથી ૨૦૧ ફુટની ઊંચાઈએ લહેરાશે.
ધ્વજદંડ
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના મુખ્ય શિખર પર ૩૫૦૦ કિલોગ્રામના કળશ બાદ હવે ૪૨ ફુટ ઊંચો ધ્વજદંડ સ્થાપિત કરવામાં આવ્યો છે. અક્ષયતૃતીયાના એક દિવસ પહેલાં પરશુરામ જયંતીના દિવસે જય શ્રીરામના જયકારા સાથે ભક્તિ અને શ્રદ્ધા સાથે ધ્વજદંડ સ્થાપિત કરવામાં આવ્યો હતો.
આ સંદર્ભે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જાણકારી આપતાં જણાવ્યું હતું કે ‘ધ્વજદંડની સ્થાપનાની પ્રક્રિયા સવારે ૬.૩૦ વાગ્યે શરૂ કરવામાં આવી હતી અને દોઢ કલાકમાં વિધિ સંપન્ન થઈ હતી. રામમંદિરનું નિર્માણકાર્ય ઘણી તેજીથી પૂરું થઈ રહ્યું છે અને ધ્વજદંડની સ્થાપના મંદિરના ભવ્ય સ્વરૂપને વધારે ઓજસ્વી બનાવે છે. ૪૨ ફુટનો આ ધ્વજદંડ મંદિરના મુખ્ય શિખર પર દૂરથી પણ દેખાય છે.’
ADVERTISEMENT
આ ધ્વજદંડ ૧૬૧ ફુટના શિખર પર લગાડવામાં આવતાં એ જમીનથી ૨૦૧ ફુટની ઊંચાઈએ લહેરાશે. આ ધ્વજદંડ પર અયોધ્યાની ગરિમા વધારનારી વિજય-પતાકા લહેરાવવામાં આવશે. ધ્વજદંડ અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યો છે અને એનું વજન ૫.૫ ટન છે. બે ટાવર-ક્રેનની મદદથી એને શિખર પર સ્થાપિત કરવામાં આવ્યો છે.
આજથી ચારધામયાત્રા શરૂ
ઉત્તરાખંડમાં આવેલા ગંગોત્રી અને યમુનોત્રી ધામનાં કપાટ આજથી ખૂલી રહ્યાં છે. ગઈ કાલે ગંગોત્રી ધામ માટે ભક્તોએ મા ગંગાની પાલખી કાઢી હતી તો ભક્તોનું સ્વાગત કરવા માટે યમુનોત્રી ધામને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.

