Mahadev Betting App: રવિ ઉપ્પલની ધરપકડથી કેસમાં હવે એક નવો જ વળાંક આવ્યો છે. એક આરોપીએ આરોપ લગાવ્યો છે કે ઓનલાઈન સટ્ટાબાજીની એપના પ્રમોટર્સે કૉન્ગ્રેસના નેતાઓને 500 કરોડ રૂપિયાની લાંચ આપી હતી.
પ્રતિકાત્મક તસવીર
મહાદેવ બેટિંગ એપ કેસ (Mahadev Betting App)માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને મોટી સફળતા મળી છે. દુબઈ પોલીસે બે મુખ્ય આરોપીઓમાંથી એક આરોપી રવિ ઉપ્પલની ધરપકડ (Ravi Uppal Has Been Arrested In Dubai) કરી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેને ટૂંક જ સમયમાં ભારતમાં લાવવામાં આવી શકે છે. રવિ રૂ. 6,000 કરોડના મની લોન્ડરિંગ કેસનો કથિત માસ્ટરમાઇન્ડ છે, જેમાં છત્તીસગઢના આઉટગોઇંગ સીએમ ભૂપેશ બઘેલનું નામ પણ સામે આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ED દ્વારા જારી કરાયેલી રેડ કોર્નર નોટિસના કારણે ઉપ્પલની ધરપકડ કરવામાં આવી હતી.
દુબઈના સત્તાવાળાઓએ ભારતને જાણ કરી છે કે તેઓ રવિને ભારત લાવવા માટે તૈયાર છે. મહાદેવ એપ (Mahadev Betting App)ના બીજા પ્રમોટર સૌરભ ચંદ્રાકર પણ ટૂંક સમયમાં UAEમાં પકડાઈ શકે છે એવી પણ માહિતી સામે આવી છે. ધરપકડ (Ravi Uppal Has Been Arrested In Dubai) બાદ તેને પણ ભારતમાં લાવવામાં આવશે. EDએ રાયપુરની સ્પેશિયલ કોર્ટમાંથી બંને વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ મેળવ્યું હતું. જે બાદ ઓક્ટોબરમાં બંને વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
રવિ ઉપ્પલની ધરપકડથી મહાદેવ એપ (Mahadev Betting App) કેસમાં હવે એક નવો જ વળાંક આવ્યો છે એમ્ કહી શકાય. એક આરોપીએ આરોપ લગાવ્યો છે કે ઓનલાઈન સટ્ટાબાજીની એપના પ્રમોટર્સે કૉન્ગ્રેસના નેતાઓને 500 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. છત્તીસગઢની ચૂંટણીમાં આ એક મોટો મુદ્દો બની ગયો હતો. તેની મદદથી ભાજપે ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવામાં સફળતા મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે `મહાદેવ કો ભી નહીં છોડા` જેવા નારા આપ્યા હતા જે સમગ્ર પ્રચાર દરમિયાન ગુંજ્યા હતા.
મોટી મોટી હસ્તીઓના નામ પણ આવ્યા છે સામે
મહાદેવ બેટિંગ એપ કેસ (Mahadev Betting App)માં બોલિવૂડથી લઈને ટીવી કલાકારો પણ EDના રડાર હેઠળ આવી ગયા હતા. ઇડી પૂરજોશમાં ઓનલાઈન સટ્ટાબાજી કરતી મહાદેવ એપના કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં EDએ દેશના અનેક શહેરોમાં દરોડા પાડીને 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. આ મામલે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નામ પણ સામે આવ્યું હતું.
કથિત ગેરકાયદે રીતે ચાલતી સટ્ટાબાજી સાથે સંબંધિત આ મની લોન્ડરિંગ કેસમાં EDએ ઓક્ટોબરમાં રાયપુર, છત્તીસગઢમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો. ઉપ્પલ અને અન્ય મહાદેવ એપ પ્રમોટર સૌરભ ચંદ્રાકર સામે સ્પેશિયલ કોર્ટમાં મની લોન્ડરિંગની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આખરે, કેવી રીતે મામલો આવ્યો હતો સામે?
જોકે, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દુબઈમાં મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપ (Mahadev Betting App)ના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્ન હતા, જેમાં લગભગ 17 બોલિવૂડ સેલિબ્રિટીઓને ચાર્ટર્ડ પ્લેન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યાં તેઓએ સ્ટેજ પરફોર્મન્સ પણ આપ્યું હતું. ત્યારે એવા આરોપ મૂકવામાં આવ્યા હતા કે આ પરફોર્મન્સના બદલામાં તમામ કલાકારોને તેમના પરફોર્મન્સ માટે કરોડો રૂપિયા આપવામાં આવ્યા હતા.
એટલું જ નહીં રણબીર કપૂર પર મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપની સહાયક એપને પ્રમોટ કરવાનો આરોપ છે. આ જ કારણ છે કે ત્યાંના પરફોર્મન્સમાં સામેલ તમામ કલાકારોને તપાસના દાયરામાં સામેલ કરવામાં આવ્યા છે.


