સદ્ગુરુ જગ્ગી વાસુદેવને મદ્રાસ હાઈ કોર્ટનો સવાલ
સદ્ગુરુ જગ્ગી વાસુદેવ
મદ્રાસ હાઈ કોર્ટે ઈશા ફાઉન્ડેશન સામેના તમામ ક્રિમિનલ કેસની વિગતો પણ માગી
મદ્રાસ હાઈ કોર્ટે સદ્ગુરુ જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશન સામેના તમામ ક્રિમિનલ કેસની વિગતો માગી છે. એક પિતાએ તેની બે દીકરીના સંદર્ભે કરેલી પિટિશન બાબતે કોર્ટે સવાલ કર્યો હતો કે સદ્ગુરુએ તેમની દીકરીનાં તો લગ્ન કરાવી દીધાં છે; પણ બીજાની દીકરીઓના માથે મુંડન કરાવી, સંસારી જીવનનો ત્યાગ કરાવી સંન્યાસી જેવું જીવન જીવવા શા માટે પ્રોત્સાહિત કરે છે?
ADVERTISEMENT
શું છે પિતાનો આરોપ?
કોઇમ્બતુરના રિટાયર્ડ પ્રોફેસર એસ. કામરાજે ઈશા ફાઉન્ડેશન સામે પિટિશન કરી છે અને આરોપ લગાવ્યો છે કે ‘મારી બે દીકરીઓ ૪૨ વર્ષની ગીતા કામરાજ અને ૩૯ વર્ષની લતા કામરાજને ઈશા યોગ સેન્ટરમાં કેદમાં રાખવામાં આવી છે, તેમનું બ્રેઇનવૉશ કરવામાં આવ્યું છે એટલે તેઓ સંન્યાસી બની ગઈ છે, તેમને એવી દવા આપવામાં આવે છે કે તેમની વિચારવાની શક્તિ ખતમ થઈ ગઈ છે. હું તેમને મળી શકતો નથી. ગીતાએ યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑફ ટૅકનોલૉજી (MTech)ની ડિગ્રી મેળવી છે. તેને ૨૦૦૪માં મહિને એક લાખ રૂપિયાના પગારની નોકરી મળી હતી. ૨૦૦૮થી તેણે ઈશા ફાઉન્ડેશનમાં યોગ-ક્લાસ લેવાના શરૂ કર્યા હતા. ત્યાર બાદ લતા પણ ઈશા ફાઉન્ડેશનમાં રહેવા લાગી. જ્યારથી દીકરીઓ મને છોડીને ફાઉન્ડેશનમાં જતી રહી છે ત્યારથી મારું જીવન નરક જેવું બની ગયું છે.’
એસ. કામરાજે આરોપ લગાવ્યો હતો કે ફાઉન્ડેશન સામે ઘણા ક્રિમિનલ કેસ અને જાતીય અત્યાચારના કેસ નોંધાયા છે.
દીકરીઓએ શું કહ્યું?
કોર્ટના આદેશથી સુનાવણી વખતે હાજર રહેલી બન્ને બહેનોએ કહ્યું હતું કે અમે અમારી મરજીથી ઈશા ફાઉન્ડેશનમાં રહીએ છીએ, અમને કેદ રાખવામાં આવી નથી. આ મુદ્દે ઈશા ફાઉન્ડેશને પણ કહ્યું હતું કે ‘પુખ્ત વયના લોકોને પોતાનો રસ્તો પસંદ કરવાની આઝાદી છે. અમે લગ્ન કે સંન્યાસી જીવન માટે દબાણ નથી કરતા, કારણ કે આ તેમનો અંગત મામલો છે.’
કોર્ટે શું કહ્યું?
બન્ને સાઇડ સાંભળ્યા બાદ જસ્ટિસ એસ. એમ. સુબ્રમણ્યમ અને જસ્ટિસ વી. શિવગણનમની બેન્ચને આ કેસમાં શંકા ઉત્પન્ન થઈ હતી. તેમણે ઈશા ફાઉન્ડેશન સામેના તમામ કેસની એક સૂચિ બનાવવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે ‘આ કોર્ટ કોઈના પક્ષમાં નથી કે કોઈના વિરોધમાં નથી, અમે માત્ર અરજદારની સાથે ન્યાય થાય એવું ઇચ્છીએ છીએ.’
આ કેસમાં હવે વધુ સુનાવણી શુક્રવારે થશે.