Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દેશભરમાં ૮૧ દિવસ રહેશે ઇલેક્શનનો ગરમાટો

દેશભરમાં ૮૧ દિવસ રહેશે ઇલેક્શનનો ગરમાટો

17 March, 2024 08:35 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મતગણતરી પછીના દિવસોમાં સરકાર બનવાની પ્રક્રિયા વખતે આ ધમધમાટ પહોંચશે ચરમસીમાએ : ૧૬ માર્ચે જાહેરાત થઈ અને ૪ જૂને થશે ગણતરી

ગઈ કાલે દિલ્હીમાં લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરતી વખતે ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમાર (વચ્ચે) તથા ઇલેક્શન કમિશનરો જ્ઞાનેશ કુમાર અને એસ. એસ. સંધુ.

ગઈ કાલે દિલ્હીમાં લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરતી વખતે ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમાર (વચ્ચે) તથા ઇલેક્શન કમિશનરો જ્ઞાનેશ કુમાર અને એસ. એસ. સંધુ.


૧૯ એપ્રિલથી ૧ જૂન સુધી દેશભરમાં ૭ તબક્કામાં થશે લોકસભાની ચૂંટણી : ૪ જૂને મતગણતરી  મુંબઈ સર્કલની ૧૦ બેઠકો પર ૨૦ મેએ મતદાન : મહારાષ્ટ્રમાં ૪૮ બેઠકો માટે પાંચ તબક્કામાં થશે વોટિંગ

કેન્દ્રીય ચૂંટણી પંચે ૧૮મી લોકસભાની ચૂંટણી માટેની જાહેરાત ગઈ કાલે કરી દીધી હતી. ચૂંટણીની જાહેરાત કરવાની સાથે જ દેશભરમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.૩૨ રાજ્યો અને ૪ કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૪૩ બેઠકની ચૂંટણી આ વખતે પણ ૭ તબક્કામાં હાથ ધરવામાં આવશે. ૧૯ એપ્રિલે પહેલા તબક્કાનું અને પહેલી જૂને સાતમા તબક્કાનું મતદાન થયા બાદ ૪ જૂને મતગણતરી કરવામાં આવશે. લોકસભાની સાથે ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી તથા ગુજરાત, મહારાષ્ટ્ર સહિતનાં ૧૩ રાજ્યોની વિધાનસભાની ૨૬ બેઠકની પેટાચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે. ૬ જૂને અત્યારની લોકસભાની પાંચ વર્ષની ટર્મ પૂરી થશે. આથી એ પહેલાં ૪ જૂને ચૂંટણીનું રિઝલ્ટ જાહેર કરીને નવી સરકારનું ગઠન કરવામાં આવશે.



મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગઈ કાલે ચૂંટણીની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે ૨૧ કરોડ યુવા મતદારમાંથી ૧.૮૨ કરોડ યુવા પહેલી વખત મતદાન કરશે. ૨૦૧૯માં દેશભરમાં કુલ ૯૧ કરોડ મતદાર હતા. એમાં વધારો થઈને આ વખતે મતદારોની સંખ્યા ૯૬.૮ કરોડ થઈ છે. એમાં ૪૯.૭ કરોડ પુરુષો અને ૪૭.૧ કરોડ મહિલાઓનો સમાવેશ છે.


ચાર રાજ્યની વિધાનસભા

લોકસભાની સાથે આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાશે. આ રાજ્યોની કુલ ૪૧૪ વિધાનસભાનું મતદાન પણ લોકસભાની ચૂંટણી માટેના મતદાનના તબક્કા સમયે હાથ ધરવામાં આવશે.


૧૩ રાજ્યમાં પેટાચૂંટણી

ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશભરનાં ૧૩ રાજ્યોની વિધાનસભાની ૨૬ બેઠકો પર પેટાચૂંટણી માટે પણ મતદાન કરવામાં આવશે.

૨.૧૮ લાખ મતદાર ૧૦૦ પ્લસ

દેશભરના ૯૬.૮ કરોડ મતદારોમાંથી ૨.૧૮ લાખ મતદારો ૧૦૦ વર્ષ કરતાં મોટી વયના છે એટલું જ નહીં,૧૨ રાજ્યોમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધુ હોવાનું ચૂંટણી પંચે જાહેર કર્યું છે.

મહારાષ્ટ્રમાં પાંચ તબક્કા

મહારાષ્ટ્રની લોકસભાની૪૮ બેઠક માટે ૧૯ એપ્રિલથી ૨૫ મે દરમ્યાન પાંચ તબક્કામાં મતદાન થશે. ૧૯ એપ્રિલે પાંચ બેઠક, ૨૬ એપ્રિલે ૮ બેઠક, ૭ મેએ ૧૧ બેઠક, ૧૩ મેએ ૧૧ બેઠક અને ૨૦ મેએ ૧૩ લોકસભા બેઠકમાટે કુલ પાંચ તબક્કામાં મતદાન કરવામાં આવશે.

મુંબઈ મેટ્રોપૉલિટન રીજનની ૧૦ બેઠક

મુંબઈની ૬ સહિત આસપાસની ૪ મળીને કુલ ૧૦ લોકસભા બેઠક માટે ૨૦ મેએ મતદાન થશે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં મુંબઈ સાઉથ, મુંબઈ સાઉથ-સેન્ટ્રલ, મુંબઈ નૉર્થ-સેન્ટ્રલ, મુંબઈ નૉર્થ-ઈસ્ટ, મુંબઈ નૉર્થ-વેસ્ટ, મુંબઈ નૉર્થ, થાણે, કલ્યાણ, ભિવંડી અને પાલઘરની લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકોની ચૂંટણી માટે ૩ મે સુધી ઉમેદવારી નોંધાવવાની રહેશે. ૬ મે સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. એ જ દિવસે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે.

લોકસભાની એક બેઠક વધારવામાં આવી?

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભાની ૫૪૩ને બદલે ૫૪૪ બેઠકનો કાર્યક્રમ જાહેર કર્યો છે એથી લોકસભાની એક બેઠક વધારવામાં આવી હોવાનો સવાલ થયો હતો. આ વિશે રાજીવ કુમારે કહ્યું કે ‘મણિપુરમાં બે લોકસભાની બેઠક માટે ૧૯ અને ૨૬ એપ્રિલે બે તબક્કામાં મતદાન થશે. ગયા વર્ષે મણિપુરમાં બે જાતિહિંસક અથડામણ થઈ હતી એટલે સલામતીના કારણસર ચૂંટણીપંચે અહીંની બેઠક પર બે ટુકડામાં મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે એથી લોકસભાની ચૂંટણીમાં ૫૪૩ બેઠકને બદલે ૫૪૪ બેઠકની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

મુખ્ય ચૂંટણી કમિશનરે શેર-શાયરી સાથે જાહેરાત કરી ચૂંટણીની

કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગઈ કાલે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરતી વખતે જોરદાર શેર-શાયરી કરીને કાયમ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)ના નામે ચૂંટણી પંચની ટીકા કરનારાઓને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘અધૂરી હસરતોં કા ઇલ્ઝામ હર બાર હમ પર લગાના ઠીક નહીં હૈ, વફા ખુદ સે નહીં હોતી; ખતા EVM કી કહતે હો, બાદ મેં ગોયા જબ પરિણામ આતા હૈ તો ઉસ પર કાયમ ભી નહીં રહેતે હો...’ આવો શેર રજૂ કરીને રાજીવ કુમારે કહ્યું હતું કે ‘આ હું નહીં પણ EVM કહી રહ્યું છે. આ શેર મેં ગઈ કાલે રાત્રે જ લખ્યો છે.’ તેમણે રાજકીય પક્ષોને આહવાન કર્યું હતું કે તેમણે શિષ્યાચાર જાળવવો જોઈએ. રાજીવકુમારે બદ્રસાહેબનો એક શેર ટાંક્યો હતો... દુશ્મની જમકર કરો, લેકિન ગુંજાઇશ રહે, જબ કભી હમ દોસ્ત હો જાએં તો શર્મિદા ન હોં... તાજેતરમાં જ મિત્ર અને દુશ્મન બનવાની પ્રક્રિયા શરૂ થઈ છે. બે શેર ટાંક્યા બાદ પણ મુખ્ય ચૂંટણી કમિશનર રોકાયા નહોતા. તેમણે વધુ એક શેર રજૂ કર્યો હતો. જાણે કે આ ચૂંટણી જાહેર કરવાની  પ્રેસ-કૉન્ફરન્સને બદલે મહેફિલ હોય એવું વાતાવરણ તેમણે તૈયાર કરી દીધું હતું. તેમણે એક શેર ટાંકતાં કહ્યું હતું... જૂઠ કે બાઝાર મેં રૌનક બહુત હૈ, પકડ ભી લોગે તો ક્યા મિલ જાએગા ધોખે કે સિવા... આ શેર રજૂ કરીને તેમણે ફેક ન્યુઝ વિશેનો ઈશારો કર્યો હતો.

સાત તબક્કામાં મતદાન

તબક્કો

તારીખ

બેઠક

રિઝલ્ટ

પહેલો

૧૯ એપ્રિલ

૧૦૨

૪ જૂન

બીજો

૨૬ એપ્રિલ

૮૯

૪ જૂન

ત્રીજો

૭ મે

૯૪

૪ જૂન

ચોથો

૧૩ મે

૯૬

૪ જૂન

પાંચમો

૨૦ મે

૪૯

૪ જૂન

છઠ્ઠો

૨૫ મે

૫૭

૪ જૂન

સાતમો

૧ જૂન

૫૭

૪ જૂન

Whatsapp-channel Whatsapp-channel

17 March, 2024 08:35 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK