કર્ણાટકનું સીએમ પદ કૉન્ગ્રેસ માટે કોયડો બન્યું છે, વાસ્તવમાં બંને દાવેદાર શિવકુમાર અને સિદ્ધારમૈયા સીએમ પદ વહેંચવા માટે તૈયાર છે, પરંતુ બંને એના માટે રાહ જોવા માટે તૈયાર નથી; બંનેને હમણાં જ સીએમ પદે બેસવું છે
નવી દિલ્હીમાં ગઈ કાલે કર્ણાટક કૉન્ગ્રેસના અધ્યક્ષ ડી. કે. શિવકુમાર સાથે રાહુલ ગાંધી. તસવીર પી.ટી.આઇ.
કર્ણાટકના આગામી મુખ્ય પ્રધાનની પસંદગી કરવા માટે કૉન્ગ્રેસમાં સતત ચર્ચા અને મીટિંગ ચાલી રહી છે. કર્ણાટક કૉન્ગ્રેસના અધ્યક્ષ ડી. કે. શિવકુમાર સિનિયર લીડર સિદ્ધારમૈયાની સાથે સત્તા વહેંચણી માટે તૈયાર થયા છે, પરંતુ પાંચ વર્ષની મુદતમાં સૌથી પહેલાં તેઓ આ ટૉપ પોસ્ટ ઇચ્છે છે.
કર્ણાટકના લોકો આગામી મુખ્ય પ્રધાન કોણ બનશે એ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે, જેની ટૂંક સમયમાં જ કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા જાહેરાત કરવામાં આવે એવી શક્યતા છે. બે મુખ્ય દાવેદારો કર્ણાટક પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીના અધ્યક્ષ ડી. કે. શિવકુમાર અને ભૂતપૂર્વ સીએમ સિદ્ધારમૈયામાંથી કોઈ ટસનું મસ થવા માટે તૈયાર નથી.
ADVERTISEMENT
સોર્સિસ અનુસાર ખડગે અને રાહુલ ગાંધીએ ડી. કે. શિવકુમારને ગઈ કાલે દિલ્હીમાં એક મીટિંગમાં બે ઑફર આપી હતી. જોકે આ બે કલાકની મીટિંગમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વાસ્તવમાં શિવકુમારે બંને ઑફર ફગાવી દીધી છે.
શિવકુમારને પહેલી ઑફરમાં રાજ્યના ડેપ્યુટી મુખ્ય પ્રધાનની પોસ્ટની સાથે તેમની અત્યારની કામગીરી-રાજ્યના પ્રદેશ અધ્યક્ષના પદની વાત છે. તેમને તેમની પસંદગીનાં છ મંત્રાલય પણ ઑફર કરવામાં આવ્યાં છે.

નવી દિલ્હીમાં ગઈ કાલે કૉન્ગ્રેસના સિનિયર નેતા સિદ્ધારમૈયાની સાથે પાર્ટીના નેતા રાહુલ ગાંધી. તસવીર પી.ટી.આઇ.
બીજી ઑફરમાં શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે સત્તાની વહેંચણી, જેમાં પહેલાં સિદ્ધારમૈયાને બે વર્ષ માટે સીએમ પદ મળે; જ્યારે શિવકુમારને એના પછીનાં ત્રણ વર્ષ માટે સીએમ પદ મળે.
જોકે આ ઑપ્શન બંનેને દાવેદારોને પસંદ નથી. નોંધપાત્ર વાત એ છે કે શિવકુમાર અને સિદ્ધારમૈયા બંને હમણાંને હમણાં જ સીએમ બનવા માગે છે. તેઓ બીજાં બે વર્ષ રાહ જોવા માટે તૈયાર નથી.
સોર્સિસે જણાવ્યું છે કે શિવકુમારે કૉન્ગ્રેસના નેતાઓને સવાલ કર્યો છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં સિદ્ધારમૈયાએ પાર્ટી માટે શું કર્યું છે. સિદ્ધારમૈયાને વધુ વિધાનસભ્યોનો સપોર્ટ હોવાના કારણે પણ પાર્ટી માટે મૂંઝવણ છે.
આ પહેલાં જણાવવામાં આવ્યું હતું કે સિદ્ધારમૈયા કર્ણાટકના આગામી મુખ્ય પ્રધાન રહેશે અને આજે તેઓ શપથગ્રહણ કરે એવી શક્યતા છે. જોકે કૉન્ગ્રેસે આ રિપોર્ટ્સને ફગાવી દીધા હતા.


