Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મોનાંક પટેલને ગર્લફ્રેન્ડે મહાદેવજીના મંદિરમાં લઈ જઈને પ્રપોઝ કર્યું

મોનાંક પટેલને ગર્લફ્રેન્ડે મહાદેવજીના મંદિરમાં લઈ જઈને પ્રપોઝ કર્યું

Published : 07 February, 2026 09:12 PM | IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

અમેરિકન ક્રિકેટ ટીમના ગુજરાતી કૅપ્ટન મોનાંક પટેલને ગર્લફ્રેન્ડે મહાદેવજીના મંદિરમાં લઈ જઈને પ્રપોઝ કર્યું હતું, નવી મુંબઈના ખારઘરમાં રહી ચૂકેલી હિમાની ગોહિલ હવે મોનાંકની પત્ની છે.

અમેરિકામાં આવેલા સોમેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં હિમાનીએ મોનાંક પટેલને પ્રપોઝ કર્યું હતું એ સમયની તસવીર.

અમેરિકામાં આવેલા સોમેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં હિમાનીએ મોનાંક પટેલને પ્રપોઝ કર્યું હતું એ સમયની તસવીર.


નવી મુંબઈના ખારઘરમાં રહી ચૂકેલી હિમાની ગોહિલ હવે મોનાંકની પત્ની છે. હિમાની ૨૦૦૭માં અમેરિકા શિફ્ટ થઈ હતી. અમેરિકાની મેજર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં MI ન્યુ યૉર્કની ટીમમાં મોનાંકની પસંદગી થઈ એનો ફોટો હિમાનીએ લાઇક કર્યો એ પછી શરૂ થઈ હતી તેમની લવસ્ટોરી

આજે T20 વર્લ્ડ કપમાં ભારત અને અમેરિકાની ક્રિકેટ ટીમ તેમની પહેલી મૅચ રમવા વાનખેડે સ્ટેડિયમના મેદાનમાં ઊતરશે. આ ક્ષણ ગુજરાતના દિલીપ પટેલના પરિવાર માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની રહેશે. આ ગૌરવપૂર્ણ ક્ષણમાં સામેલ થવા એક સમયે ખારઘરમાં રહેતી હિમાની પટેલ બહુ ઉત્સુક અને ખુશ છે, કેમ કે તેનો પતિ અને અમેરિકાની ક્રિકેટ ટીમનો ગુજરાતી કૅપ્ટન મોનાંક પટેલ મહેનત કરીને, સંઘર્ષ કરીને આ મુકામે પહોંચ્યો છે જેના પર આજે દેશ અને દુનિયાની નજર મંડાશે.    



દરેક ક્રિકેટક્રેઝી યુવતીઓની જેમ જ પહેલાં ભરૂચમાં અને ત્યાર બાદ ખારઘર, નવી મુંબઈમાં રહેતી હિમાની ગોહિલ પણ ક્રિકેટની દીવાની. રોહિત શર્માની તે ફૅન અને મુંબઈ ઇન્ડિયન્સ ટીમ તેની ફેવરિટ ટીમ. ભારત છોડીને તે અમેરિકા ગઈ. ભારતમાં જેમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમાય છે એમ અમેરિકામાં મેજર લીગ ક્રિકેટ (MLC) રમાય છે. એમાં MI (મુંબઈ ઇન્ડિયન્સ) ન્યુ યૉર્કની ટીમમાં મોનાંક પટેલની પસંદગી થઈ, તેનો ફોટો આવ્યો. હિમાનીએ આ ફોટોને લાઇક કર્યો અને મેસેજ કર્યો. ત્યાંથી શરૂ થઈ હિમાની અને મોનાંકની હૃદયસ્પર્શી કહાણી. શું છે આ કહાણી અને મોનાંકે ક્રિકેટની રમત માટે કેવી મહેનત કરી એ સહિતની વાત જાણીએ.   


મોનાંક સાથે બૉન્ડિંગ 
મોનાંક પટેલની મૅચ જોવા, મોનાંકને સપોર્ટ કરવા અને તેને પ્રોત્સાહિત કરવા ભારત આવેલી મોનાંકની પત્ની હિમાની પટેલ તેમની વચ્ચેના બૉન્ડિંગ વિશે વાત કરતાં ‘મિડ-ડે’ને કહે છે, ‘મને પહેલાંથી જ ક્રિકેટમાં રસ છે. મને ક્રિકેટનો ક્રેઝ. મારું અને મોનાંકનું બૉન્ડિંગ પણ ક્રિકેટ દ્વારા થયું. ભારતમાં રહેતી હતી ત્યારે રોહિત શર્માની હું ફૅન અને મુંબઈ ઇન્ડિયન્સ મારી ફેવરિટ ટીમ. અમેરિકામાં MLC રમાય છે. ૨૦૨૩માં MLCમાં MI ન્યુ યૉર્કની ટીમ માટે મોનાંક પસંદ થયો હતો. એ સમયે મોનાંકનો ફોટો સોશ્યલ મીડિયામાં પોસ્ટ થયો હતો. આ ફોટોને મેં લાઇક કર્યો હતો અને મેસેજ પણ કર્યો હતો. એ સમયથી મારા અને મોનાંક વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને અમારા વચ્ચે બૉન્ડિંગ થયું હતું. હું અમેરિકા રહેતી એટલે મોનાંક ક્રિકેટ રમે છે એની મને ખબર હતી. તે લીગ રમવા ઍટ્લાન્ટા આવતો હતો એટલે મને ખબર હતી કે તે કોણ છે પણ શરૂઆતમાં અમે વાતચીત નહોતાં કરી શકતાં, પણ પછી અમારી વાતચીત વધી હતી અને ધીરે-ધીરે અમારી વચ્ચે બૉન્ડિંગ વધ્યું હતું.’       

મહાદેવ મંદિરે લઈ જઈ કર્યું પ્રપોઝ  
મોનાંક પટેલ અને હિમાની ભલે અમેરિકામાં રહે પરંતુ તેઓ બન્ને દેવાધિદેવ મહાદેવનાં ભક્ત. એથી હિમાનીએ મોનાંકને એક દિવસ અમેરિકામાં આવેલા મહાદેવજીના મંદિરે લઈ ગઈ. હિમાની પટેલ કહે છે, ‘મોનાંક મહાદેવજીમાં બહુ માને છે. હું પણ મહાદેવજીની ભક્ત છું, પરંતુ મારા કરતાં વધુ મોનાંક મહાદેવજીનો મોટો ભક્ત છે. એટલે ટેનેસી સિટીમાં આવેલા સોમેશ્વર મહાદેવ મંદિરમાં હું તેને લઈ ગઈ હતી અને ત્યાં જઈને મોનાંકને મેં પ્રપોઝ કર્યું હતું. તેણે મારી પ્રપોઝલ ઍક્સેપ્ટ કરી હતી. મોનાંક વિશે કહું તો તે જાણે કે મારા માટે ઉપરથી એન્જલ આવ્યો હોય એવું મને લાગ્યું. મોનાંક ફૅમિલી-ઓરિએન્ટેડ છે. બહુ કૅરિંગ છે. તે ક્રિકેટ માટે પૅશનેટ અને ડેડિકેટેડ છે. એ બધું મને ઍટ્રૅક્ટ કરી ગયું કે મારા માટે આ પર્ફેક્ટ મૅચ છે અને મેં તેને પ્રપોઝ કરી દીધું. જ્યારે અમે મળ્યાં ત્યારે તેણે સીધી જ વાત કરી દીધી કે ક્યારે લગ્ન કરવાં છે, પણ દિલીપડૅડ ઇન્ડિયામાં હતા. અમે તેમની રાહ જોઈ અને ફૅમિલીએ વાત કરી અને લગ્ન થયાં. અમે પહેલાં ૨૦૨૪ના ઑક્ટોબરમાં ઍટ્લાન્ટામાં શક્તિ મંદિરમાં લગ્ન કર્યાં હતાં. એ સમયે મારાં મમ્મી-પપ્પા તેમ જ મોનાંકના પપ્પા સહિત ઓછા લોકો હતા. એ પછી ૨૦૨૫ના ડિસેમ્બરમાં ભારત આવીને વિધિવત્ લગ્ન કર્યાં હતાં.’  


મોનાંકની મહેનત 
એક સમયે જે શહેરમાં હિમાની રહેતી હતી એ મુંબઈ શહેરના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં બેસીને પોતાના પતિ મોનાંક પટેલને રમતો જોશે એ વિશે અને મોનાંકની મહેનત વિશે વાત કરતાં હિમાની કહે છે, ‘ભારતમાં ભારતીય ક્રિકેટ ટીમ સામે મોનાંક રમતો હોય એવું પહેલી વાર બનશે. હું અને અમારો પરિવાર આ મૅચ જોવા આવ્યાં છીએ. અમેરિકામાં મોનાંકને ક્રિકેટ રમતો જોયો છે, પરંતુ ભારતમાં તેને પહેલી વાર રમતો જોઈશું. ભારતમાં મોનાંક અમેરિકાની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. આ વાતને લઈને હું બહુ ખુશ છું કેમ કે મેં જોયું છે કે આ લેવલે આવવા માટે મોનાંકે કેટલી મહેનત કરી છે, તેણે કેટલું સૅક્રિફાઇસ કર્યું છે. ભારત ક્રિકેટ માટે જાણીતું છે. ભારતનું ક્રાઉડ કેટલું બધા હોય છે અને લોકો ક્રિકેટને ચાહે છે ત્યારે મુંબઈના મેદાનમાં મોનાંક ભારત સામે અમેરિકાની ટીમના કૅપ્ટન તરીકે મેદાનમાં ઊતરશે એ મારા સહિત અમારી ફૅમિલી માટે પ્રાઉડ મોમેન્ટ બની રહેશે. અમે બધા ગૌરવ અનુભવીએ છીએ. મારા માટે ગૌરવની વાત છે કે મોનાંકે કેટલું સમર્પણ કર્યું છે ત્યારે તે આ જગ્યાએ પહોંચ્યો છે. તે ક્રિકેટમાં બિઝી હોય છે. મીટિંગમાં હોય, પ્રૅક્ટિસમાં હોય, ટૂર પર હોય એટલે ફૅમિલીથી દૂર હોય છે. આજે હું તેની વાઇફ તરીકે ગૌરવ અનુભવું છું.’

મહાદેવજીને કરી પ્રાર્થના 
સ્વભાવિક છે કે કોઈ પણ મૅચ હોય તો ખેલાડીઓની પત્ની એવું ઇચ્છે કે તેમના હસબન્ડ મેદાન પર સારું પ્રદર્શન કરે. હિમાનીની પણ આવી ઇચ્છા હોય એ સ્વાભાવિક છે. હિમાની કહે છે, ‘આમ તો હું ડેઇલી ભગવાનને પ્રાર્થના કરતી હોઉં છું. દર સોમવારે મહાદેવના મંદિરે જાઉં છું. મારી પ્રાર્થના એવી છે કે ભગવાન મોનાંકને હેલ્ધી રાખે, ખુશ રાખે, તે સારું રમે, તેનો ગોલ અચીવ કરી શકે એવી ભગવાનને પ્રાર્થના છે. ભગવાન તેને આશીર્વાદ આપે. ભારત સામેની મૅચ માટે મોનાંકને કહીશ કે ઑલ ધ બેસ્ટ. બધું ટેન્શન સાઇડમાં મૂકી દો અને ખાલી મૅચ પર ફોકસ કરો અને મૅચને એન્જૉય કરો. રિઝલ્ટ જે પણ આવે પણ ક્રિકેટ રમો. મેં તેને કહ્યું છે કે વર્લ્ડ કપની મૅચ છે એટલે ત્રણ-ચાર વીક ચાલશે એટલે હેલ્થનું ધ્યાન રાખજો અને રમતને એન્જૉય કરજો.’  

મોનાંક ભારત સામે રમવા એક્સાઇટેડ
કોઈ પણ દેશ સામે ભારતની મૅચ હોય એટલે ભારતીય ક્રિકેટ-ફૅન્સમાં ઉત્સાહ સમાતો નથી હોતો એવું જોવા મળતું હોય છે. આવો જ કંઈક ઉત્સાહ ખુદ અમેરિકાની ટીમના કૅપ્ટન મોનાંક પટેલમાં પણ છે. હિમાની કહે છે, ‘છેલ્લા T20 વર્લ્ડ કપ વખતે મોનાંક ભારત સામેની મૅચ રમી શક્યો નહોતો, પરંતુ આ વખતે ભારત સામેની મૅચમાં મોનાંકને રમવાની તક મળી છે એટલે તે ઉત્સાહિત છે. મોનાંક અંદરથી બહુ હૅપી છે કે તે ભારત સામે ભારતમાં મૅચ રમશે. આ માટે તે એક્સાઇટેડ છે. આ બહુ મોટી વાત છે કે મોનાંક તેની પહેલી મૅચ ઇન્ડિયા સામે રમશે. પહેલી મૅચ વાનખેડે સ્ટેડિયમમાં છે એટલે મારા સહિત ફૅમિલી અને ફ્રેન્ડ્સ સુપર એક્સાઇટેડ છીએ. અમે બધા મોનાંકને ભારત સામે ભારતની ધરતી પર રમતો જોવા આતુર છીએ.’

ખારઘરમાં રહેતી હતી  હિમાની ગોહિલ
હિમાની ગુજરાતની છે અને નવી મુંબઈમાં ફૅમિલી સાથે રહી છે એ વિશે વાત કરતાં તે કહે છે, ‘હું અમેરિકા ૨૦૦૭માં આવી હતી. એ પહેલાં હું મમ્મી-પપ્પા સાથે ભરૂચ રહેતી હતી. મારા પપ્પા લુણાવાડા પાસે આવેલા ખલાસપુર ગામના, પરંતુ જૉબના કારણે અમે ભરૂચ રહેતાં હતાં. એ પછી પપ્પાની જૉબના કારણે અમે મુંબઈ મૂવ થયાં હતાં. નવી મુંબઈના ખારઘરમાં અમે રહેતાં હતાં. મેં હેલ્થ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીમાં માસ્ટર્સ કર્યું છે. હાલ હું અને મોનાંક ઍટ્લાન્ટા, જ્યૉર્જિયામાં રહીએ છીએ અને હું બાયોટેક કંપનીમાં જૉબ કરું છું.’

Whatsapp-channel Whatsapp-channel

07 February, 2026 09:12 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK