જોધપુરથી આવી પહોંચ્યાં બાવન ઊંટ : ઊંટની પૂંછડીના વાળ કાપી પૂંછડીને ડિઝાઇન કરીને લાવવામાં આવે છે પરેડમાં
ઊંટ દળે એકતાનગર ખાતે પ્રૅક્ટિસ કરી હતી.
દેશની અખંડિતતા અને એકતા માટે જેમનો સિંહફાળો છે એવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી પ્રસંગે નર્મદા જિલ્લામાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે શુક્રવારે યોજાનારી એકતા પરેડમાં કૅમલ કન્ટિન્જન્ટનાં બાવન ઊંટ ભાગ લેશે. ઊંટ પર સવાર જવાનોની લાંબી મૂછો અને કેસરી સાફા સાથેના ડ્રેસને કારણે અલગ તરી આવતી આ કૅમલ ફોર્સ પરેડમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.
રાજસ્થાનના જોધપુરથી ગુજરાતના એકતાનગર ખાતે બાવન ઊંટોનું દળ આવી પહોંચ્યું છે. ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઑગસ્ટ બાદ હવે ઊંટદળ સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે યોજાનારી એકતા પરેડમાં ભાગ લેશે. આ ઊંટદળનો એક ઇતિહાસ રહ્યો છે. ભારતમાં રાજસ્થાન અને કચ્છ સહિતના રણપ્રદેશમાં સૈનિકો દ્વારા ઊંટનો ઉપયોગ થાય છે. ઊંટોને સેનામાં સામેલ કરવાનું શ્રેય બિકાનેરના રાજવી ગંગાસિંહને જાય છે. તેમણે ૧૯મી સદીમાં પોતાના રાજ્યમાં સેનાનું આધુનિકીકરણ કર્યું હતું અને ઊંટ માટે ખાસ ટુકડીની રચના કરી હતી એટલે એને ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખવામાં આવે છે. આઝાદી બાદ ગંગાસિંહ રિસાલાને ભારતીય સેનામાં ભેળવી દેવામાં આવ્યો હતો. રણપ્રદેશમાં ચાલવાની ફાવટ અને એને અનુકૂળ શરીરરચનાને કારણે ઊંટ-ટુકડી ભારતીય સેનાની કૅમલ કન્ટિન્જન્ટ બની હતી. આ જોડાણ ૧૯૬૫ સુધી રહ્યું અને એ વર્ષમાં સીમા સુરક્ષા દળની સ્થાપના કરવામાં આવતાં કૅમલ રેજિમેન્ટની જવાબદારી બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ને સોંપવામાં આવી. ત્યારથી લઈને આજ સુધી ઊંટ સીમા સુરક્ષા દળનાં મહત્ત્વનાં સભ્યો છે. જેસલમેરી ઊંટ દોડવામાં પાવરધાં હોય છે તો બિકાનેરી ઊંટ વજન ઊંચકવામાં સક્ષમ હોય છે. ઊંટની પસંદગી બાદ ઊંટના સવાર દ્વારા એને તાલીમ આપવામાં આવે છે. ૧૯૮૬માં કૅમલ બૅન્ડની તાલીમ શરૂ થઈ હતી અને ૧૯૯૦ની ૨૬ જાન્યુઆરીએ કૅમલ બૅન્ડ પરેડમાં ભાગ લેતાં થયાં હતાં.
ADVERTISEMENT
સામાન્ય રીતે પ્રતિદિન દસ કિલો ચારો અને બે કિલો ચણા સહિતનું કઠોળમિશ્રિત ખોળ ઊંટને આપવામાં આવે છે. એની પૂંછડીના વાળને સુંદર રીતે કાપીને એની ડિઝાઇન કરવામાં આવે છે અને એ પછી ઊંટને પરેડમાં લઈ જવામાં આવે છે.
ગોપાષ્ટમીમાં વારાણસીમાં થયું ગોપૂજન

ગઈ કાલે કાશીની ગૌશાળાઓમાં ગાયોનું પૂજન કરવામાં આવ્યું હતું. ગોપાષ્ટમીના અવસરે ગંગાતીરી, ગીર, સાહિવાલ જેવી દેશી ગાયોને પંચગવ્ય અને પંચામૃતથી સ્નાન કરાવીને શણગારવામાં આવી હતી અને પછી ગોળધાણાનો વિશેષ ભોગ અર્પિત કરવામાં આવ્યો હતો.


