ગાયને નવડાવતી વખતે વીજળીનો કરન્ટ લાગવાથી ક્રાઇમ બ્રાન્ચના હેડ કૉન્સ્ટેબલ જવાહરસિંહ યાદવનું અવસાન
જવાહરસિંહ યાદવ
૨૦૨૦માં કોવિડ-19 વખતે ઇન્દોરમાં યમરાજ બનીને સુરક્ષાનો સંદેશ આપતા ક્રાઇમ બ્રાન્ચના હેડ કૉન્સ્ટેબલ જવાહરસિંહ યાદવનું શુક્રવારે ગાયને નવડાવતી વખતે વીજળીનો કરન્ટ લાગવાથી મૃત્યુ થતાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. કરન્ટ લાગવાથી તેની ગાયનું પણ મૃત્યુ થયું હતું. કોવિડ મહામારી વખતે લોકોને ઘરમાં રહેવા અને બહાર ન નીકળવા માટે તે યમરાજનો ડ્રેસ પહેરી પોલીસની જીપના બૉનેટ પર બેસીને નીકળતો હતો. એ સમયથી તેને ખાસી પ્રસિદ્ધિ મળી હતી. તેનો સંદેશ સ્પષ્ટ હતો કે ઘરમાં રહેશો તો બચી જશો, બહાર નીકળશો તો યમરાજનું તેડું આવશે.
શુક્રવારે સવારે તે જૂની ઇન્દોર પોલીસલાઇનમાં આવેલા તેના ઘરે ગાયોના તબેલામાં ગાયને નવડાવી રહ્યો હતો ત્યારે એકાએક કરન્ટ વધી જતાં બેશુદ્ધ થઈને પડી ગયો હતો. ત્યાંથી જતી એક વ્યક્તિએ તેને જોયો હતો અને તાત્કાલિક દવાખાને લઈ ગયો હતો, પણ ડૉક્ટરે તેને હૉસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. હૉસ્પિટલના ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.

