ભારતીય સેનાએ આધુનિક ટેક્નિક અપનાવીને ટૅન્ક રેજિમેન્ટમાં ડ્રોન ટેક્નૉલૉજી સમાવવાનો નિર્ણય લીધો છે
ભારતીય સેનાએ બખ્તરબંધ રેજિમેન્ટમાં ૬ અલગ ડ્રોન યુનિટ તૈયાર કર્યા છે.
ભારતીય સેનાએ આધુનિક ટેક્નિક અપનાવીને ટૅન્ક રેજિમેન્ટમાં ડ્રોન ટેક્નૉલૉજી સમાવવાનો નિર્ણય લીધો છે. સેનાએ ૬ શૌર્ય સ્ક્વૉડ્રન તૈયાર કરી છે જેમાં હાઈ-ટેક ટૅન્ક તહેનાત કરવામાં આવશે. હાલમાં ઉત્તર પ્રદેશના બબીનામાં આયોજિત અમોઘ જ્વાલા એક્સરસાઇઝ દરમ્યાન આ શૌર્ય સ્ક્વૉડ્રનનું શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ટૅન્કથી સેનાની રણનીતિમાં એક નવી દિશા મળી રહી છે જે ભવિષ્યના યુદ્ધને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
શૌર્ય સ્ક્વૉડ્રનનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધમાં ટૅન્કોની ક્ષમતાને વધારવાનો છે. તાજેતરનું રશિયા-યુક્રેન યુદ્ધ હોય કે અમેરિકા-ઇઝરાયલનું ઈરાન સાથેનું યુદ્ધ, એમાં એ સાબિત થઈ ગયું છે કે હવે માત્ર પરંપરાગત યુદ્ધની સ્ટ્રૅટેજી પર્યાપ્ત નથી. એમાંથી શીખીને બખ્તરબંધ રેજિમેન્ટનો પોતાનો અલગ ડ્રોન યુનિટ બનાવવામાં આવ્યો છે જે શૌર્ય સ્ક્વૉડ્રન કહેવાશે.
ADVERTISEMENT
ડ્રોનનો ઉપયોગ માત્ર હુમલો કરવા માટે જ નહીં; ઇલેક્ટ્રૉનિક વૉરફેર, માઇનની જાળ ગોઠવવા કે હટાવવા તેમ જ જરૂરી સપ્લાય અને મેડિકલ હેલ્પ પૂરી કરવા જેવાં કામોમાં થશે. ડ્રોનને ટૅન્ક સાથે જોડવાથી સેનાને દુશ્મનની સ્થિતિ, હલચલ અને હથિયારોની જાણકારી મેળવવામાં મદદ થશે.
