Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સતત દસમા દિવસે સરહદ પર રાઇફલો ધણધણી ઊઠી

સતત દસમા દિવસે સરહદ પર રાઇફલો ધણધણી ઊઠી

Published : 05 May, 2025 12:07 PM | IST | Punjab
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજસ્થાનમાં પાકિસ્તાની રેન્જરની અટકાયત બાદ સૌથી મોટો યુદ્ધવિરામ ભંગ

પાકિસ્તાનને આર્મીની માહિતી આપનારા બેની ધરપકડ કરવામાં આવી

પાકિસ્તાનને આર્મીની માહિતી આપનારા બેની ધરપકડ કરવામાં આવી


ભારતની સીમાની સુરક્ષા કરતી બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)એ શનિવારે રાજસ્થાનમાં આંતરરાષ્ટ્રીય સરહદ પરથી એક પાકિસ્તાની રેન્જરને કસ્ટડીમાં લીધો હતો. પાકિસ્તાન રેન્જર્સે ભારતના BSFના કૉન્સ્ટેબલ પૂર્ણમ કુમાર સાહુને ૨૩ એપ્રિલે અટકાયતમાં લીધો હતો. સાહુ પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં ખેડૂતોને એસ્કોર્ટ કરતી વખતે અજાણતાં સરહદ પાર કરી જતાં પાકિસ્તાની રેન્જર્સે તેની ધરપકડ કરી હતી. પકડાયેલો પાકિસ્તાની રેન્જર હાલમાં BSFના રાજસ્થાન ફ્રન્ટિયરની કસ્ટડીમાં છે.


પાકિસ્તાની રેન્જરની અટકાયતના કલાકો પછી પાકિસ્તાની સૈન્ય ચોકીઓએ ત્રીજી અને ચોથી મેની મધ્ય રાત્રિએ લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) પર અનેક સેક્ટરોમાં નાનાં હથિયારોથી ગોળીબાર કર્યો; જેમાં કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અને અખનૂરનો સમાવેશ થાય છે. લશ્કરી સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સૈન્ય એકમોએ તાત્કાલિક વળતો જવાબ આપ્યો હતો. તાજેતરના દિવસોમાં આ સૌથી વ્યાપક યુદ્ધવિરામ ઉલ્લંઘન હતું જેમાં એકસાથે સૌથી વધુ પાકિસ્તાની ચોકીઓએ ભાગ લીધો હતો. અત્યાર સુધી કોઈ મૃત્યુના અહેવાલ નથી.



પાકિસ્તાને સાહુને છોડ્યો નથી


ભારત અને પાકિસ્તાન વચ્ચે ભૂલથી સરહદ પાર કરનારા જવાનોને પરત મોકલવાની એક સ્થાપિત પ્રક્રિયા છે, પરંતુ વધતા તનાવને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને સાહુને છોડ્યો નથી અને તેથી ભારત એના તાબામાં આવેલા પાકિસ્તાની રેન્જર સાથે શું કરશે એ હજી સ્પષ્ટ નથી. સાહુને છોડાવવા માટે ઘણી બેઠકો યોજાઈ છે, પરંતુ પાકિસ્તાની પક્ષે સમયરેખા નક્કી કરી નથી.

સાહુ ખેડૂતોનું રક્ષણ કરતો હતો


૧૮૨મી BSF બટૅલ્યનમાં તહેનાત પૂર્ણમ કુમાર સાહુ કિસાન ગાર્ડનો ભાગ હતો, જે LoC નજીક ખેતી કરતા ભારતીય ખેડૂતોનું રક્ષણ કરવા માટે નિયુક્ત એકમ છે. તેણે સરહદનો ખોટો અંદાજ લગાવ્યો અને એક ઝાડ નીચે આરામ કરવા માટે પાકિસ્તાની ક્ષેત્રમાં પગ મૂક્યો ત્યારે પાકિસ્તાની રેન્જર્સ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો હતો. આવી રીતે અજાણતાં થતા ક્રૉસિંગનો બેઉ દેશોની સેનાએ દ્વારા ઝડપથી ઉકેલ લાવવામાં આવે છે. જોકે આ વખતે પાકિસ્તાની પક્ષે સાહુને પાછા આપવાની કોઈ તૈયારી દર્શાવી નથી. સાહુને લાહોર પાસેની પાકિસ્તાન રેન્જર્સની છાવણીમાં ખસેડવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

સાહુની પત્ની ગર્ભવતી

સાહુની પત્ની રજની ગર્ભવતી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના રિશ્રાથી તે પંજાબ ગઈ હતી. તે ફિરોઝપુરમાં સાહુના યુનિટના વરિષ્ઠ અધિકારીઓને મળી હતી. તેને પાછી તેના વતનમાં મોકલી દેવામાં આવી છે.

BSF કંપની મુખ્યાલય પાસેથી પકડાયેલો પાકિસ્તાની રેન્જર સૈનિકોની ગતિવિધિઓ પર નજર રાખતો હતો
ભારત દ્વારા પકડવામાં આવેલો સિપાહી રેન્જનો પાકિસ્તાની રેન્જર મોહમ્મદ અબદુલ્લા રાજસ્થાનના બિકાનેરમાં BSF કંપની મુખ્યાલય નજીકથી મળી આવ્યો હતો. BSF ગાર્ડે મુખ્યાલયની આસપાસ તેની શંકાસ્પદ ગતિવિધિ નોંધ્યા બાદ તેને રોકીને પૂછપરછ કરી હતી. અબદુલ્લા કથિત રીતે મુખ્યાલયના કોઑર્ડિનેટ્સ એકત્રિત કરવાનો અને સૈનિકોની ગતિવિધિ પર નજર રાખવા માટે ફોટો પાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

પાકિસ્તાનને આર્મીની માહિતી આપનારા બેની ધરપકડ કરવામાં આવી

પંજાબના અમ્રિતસરમાં આવેલા આર્મીના કૅન્ટોનમેન્ટ વિસ્તારમાં આર્મી અને ઍરબેઝની માહિતી પાકિસ્તાનની જાસૂસી સંસ્થાને પહોંચાડવાના આરોપસર પોલીસે પલક શેર મસીહ અને સૂરજ મસીહ નામની બે વ્યક્તિની ગઈ કાલે ધરપકડ કરી હતી. ત્યાર બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓના એક સાથી હરપ્રીતને પોલીસ શોધી રહી છે. 

Whatsapp-channel Whatsapp-channel

05 May, 2025 12:07 PM IST | Punjab | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK