Haryana Suicide News: એક જ ફેમિલીનાં 7 સભ્યોની સામૂહિક આત્મહત્યા બાદ તે વિસ્તારના લોકો આઘાતમાં સરી પડ્યા છે. પરિવાર દેવામાં ડૂબી ગયો હતો.
પ્રતીકાત્મક તસવીર
હરિયાણાના પંચકૂલામાંથી ચોંકાવનારા સમાચાર (Haryana Suicide News) મળી રહ્યા છે. અહીં એક જ ફેમિલીના સાત લોકોએ ઝેર ગટગટાવીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતકોમાં પતિ-પત્ની, તેમનાં ત્રણ સંતાનો અને બે વૃદ્ધ સભ્યો છે. સોમવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ સેક્ટર 27માં બનેલી આ ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
આ એક જ ફેમિલીના તમામ સભ્યોની ડેડ બૉડી એક કારમાંથી મળી આવી (Haryana Suicide News) હતી એમ પોલીસે જણાવ્યું હતું. આ કારની નંબર પ્લેટ ઉત્તરાખંડના દહેરાદૂનની હોવાનું જાણવા મળ્યું છે. આમ એક જ ફેમિલીનાં 7 સભ્યોની સામૂહિક આત્મહત્યા બાદ તે વિસ્તારના લોકો આઘાતમાં સરી પડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પરિવારના માથે ઘણું જ દેવું થઈ ગયું હતું. આખરે આર્થિક મુશ્કેલીઓનો ભાર વધી જવાને કારણે આ લોકોએ જીવન ટૂંકાવ્યું હોય તેવું લાગી રહ્યું છે.
ADVERTISEMENT
અધિકારીઓએ આ મામલે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે- અમને માહિતી આપવામાં આવી હતી કે છ લોકોને ઓજસ હોસ્પિટલમાં લવાયા છે. ત્યારબાદ અમે ત્યાં પહોંચ્યા હતા. ત્યાં ગયા બાદ જાણવા મળ્યું કે તે આ બધા જ લોકો મૃત છે. અન્ય એક વ્યક્તિને સેક્ટર 6ની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેને પણ મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક અહેવાલો અનુસાર આ આત્મહત્યાનો મામલો (Haryana Suicide News) હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. પંચકૂલા પોલીસના જણાવ્યા અનુસાર, તમામ સાત મૃતદેહોને પંચકૂલાની ખાનગી હોસ્પિટલોના શબગૃહમાં રાખવામાં આવ્યા છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ પરથી નમૂના એકત્રિત કર્યા હતા.
મૃતકો (Haryana Suicide News)માં દેહરાદૂનના રહેવાસી 42 વર્ષીય પ્રવીણ મિત્તલ, તેનાં માતા-પિતા, તેની પત્ની અને 2 પુત્રીઓ તેમ જ એક પુત્ર સહિત ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. પોલીસને ઘટનાસ્થળ પરથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. પંચકૂલાના ડી. સી. પી. હિમાદ્રી કૌશિક અને લૉ-ઓર્ડરના ડી. સી. પી. અમિત દહિયા પણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રવીણ મિત્તલે થોડા સમય પહેલા દેહરાદૂનમાં ટૂર એન્ડ ટ્રાવેલનો વ્યવસાય શરૂ કર્યો હતો. જે સફળ ગયો નહોતો. અને મોટું નુકસાન થયું હતું. આ કારણે પરિવાર આર્થિક મુશ્કેલીમાં સપડાઈ ગયો હતો. આ ફેમિલીની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે ટંકનો રોટલો પણ તેઓને મળતો નહોતો. હાલ પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. પોલીસ તે તપાસ કરી રહી છે કે આ ફેમિલીના ઘરની સામે જે રહી છે કાર પાર્ક કરવામાં આવી હતી તેનો આ કેસ સાથે શું સંબંધ છે.


