ઘર માલિકીનું છે કે ભાડાનું; ફ્લોર, દીવાલો અને છત શેનાથી બનેલી છે; ઘરમાં વાહન છે કે નહીં; ઇન્ટરનેટ છે કે નહીં જેવા સવાલો પૂછવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
૨૦૨૭ની વસ્તીગણતરી માટેની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્ર સરકારે ગુરુવારે એક ગૅઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં ૨૦૨૬ની પહેલી એપ્રિલથી શરૂ થતા પ્રથમ તબક્કામાં રહેવાસીઓને પૂછવામાં આવનારા ૩૩ પ્રશ્નોની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી હતી. આ તબક્કામાં હાઉસ-લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસનો સમાવેશ થશે, જેનો અર્થ ઘરોની ગણતરી અને એમની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. ભારતના રજિસ્ટ્રાર જનરલ મૃત્યુંજયકુમાર નારાયણ દ્વારા જાહેર કરાયેલા આ નોટિફિકેશનમાં જણાવાયું છે કે વસ્તીગણતરી કરનારા અધિકારીઓ ઘરની રચનાથી લઈને એના રહેવાસીઓની મૂળભૂત જરૂરિયાતો સુધીની માહિતી એકત્રિત કરશે.
પ્રશ્નો ફક્ત ઘર પાકું છે કે કાચું છે એના પૂરતા મર્યાદિત રહેશે નહીં; એમાં ફ્લોર, દીવાલો અને છત માટે વપરાતી સામગ્રી, ઘરમાં રહેતા લોકોની સંખ્યા, પરિણીત યુગલોની સંખ્યા અને ઘરનો વડો પુરુષ છે કે સ્ત્રી એ પણ સામેલ હશે.
ADVERTISEMENT
સરકારના મતે આ પ્રશ્નોનો હેતુ ફક્ત વસ્તીગણતરી કરવાનો નથી પરંતુ લોકો કયા પ્રકારનાં ઘરોમાં રહે છે, તેમની પાસે કઈ સુવિધાઓ છે અને તેમના જીવનધોરણને સમજવાનો પણ છે. તેથી યાદીમાં એ પણ સામેલ છે કે ઘરમાં પીવાનું પાણી, શૌચાલય, વીજળી અને ઇન્ટરનેટ જેવી મૂળભૂત અને આધુનિક સુવિધાઓ છે કે નહીં? વસ્તીગણતરી અધિકારીઓ એ પણ પૂછશે કે ઘરનો વડો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અથવા અન્ય કોઈ સમુદાયનો છે; ઘર માલિકીનું છે કે ભાડાનું છે અને રહેવાસીઓ કયા પ્રકારના અનાજનો સૌથી વધુ વપરાશ કરે છે. વધુમાં પરિવાર પાસે કયા પ્રકારનાં વાહનો છે - જેમ કે સાઇકલ, મોટરસાઇકલ, કાર અથવા અન્ય વાહનો વિશે માહિતી એકઠી કરવામાં આવશે. આનાથી સરકારને સમજવામાં મદદ મળશે કે કયાં ક્ષેત્રોમાં કયા પ્રકારની સુવિધાઓનો અભાવ છે અને ભવિષ્યની યોજનાઓ કેવી રીતે ઘડવી જોઈએ.


