બાળાસાહેબે પણ ક્યારેક સ્થિતિસ્થાપક વલણ અપનાવવું પડ્યું હતું એમ કહીને રાજ ઠાકરેએ લખ્યું...
રાજ ઠાકરેએ સોશ્યલ મીડિયામાં કરેલી પોસ્ટ સાથે તેમનો બાળ ઠાકરે સાથેનો જૂનો ફોટો અપલોડ કર્યો હતો
શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરેની જન્મશતાબ્દી નિમિત્તે ગઈ કાલે રાજ ઠાકરેએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં તેમણે રાજકારણમાં બાળાસાહેબે પણ સ્થિતિસ્થાપક વલણ અપનાવવું પડ્યું હતું એમ લખ્યું હતું. તેમના આ સ્ટેટમેન્ટને લઈને રાજ્યના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ચૂંટાઈ આવેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પાંચ કૉર્પોરેટરોએ શિવસેનાને સપોર્ટ જાહેર કર્યો છે અને હજી અન્ય પાલિકાઓમાં પણ વાટાઘાટોનો દોર ચાલી રહ્યો છે ત્યારે રાજ ઠાકરેના આ સૂચક સ્ટેટમેન્ટને રાજકીય પંડિતો બહુ ગંભીરતાથી જોઈ રહ્યા છે.
રાજ ઠાકરેએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘રાજકારણમાં ક્યારેક બાળાસાહેબે પણ સ્થિતિસ્થાપક વલણ અપનાવવું પડ્યું હતું. જોકે એને કારણે મરાઠી માણૂસ પરનો તેમનો પ્રેમ તસુભર પણ ઓછો થયો નહોતો, ઊલટાનો એ વધતો ગયો હતો. આ જ સંસ્કાર અમારામાં પણ છે. આજે હું ફરી એક શબ્દ (વચન) આપું છું કે આરપાર બદલી ગયેલા રાજકારણમાં ક્યારેક સ્થિતિસ્થાપક વલણ અપનાવવું પડે તો એ મારા વ્યક્તિગત ફાયદા કે સ્વાર્થ માટે ક્યારેય નહીં હોય. બાળાસાહેબનો મરાઠી ભાષા પરનો, મરાઠી પ્રાંત પરનો અને મરાઠી માણસ પરનો પ્રેમ જોઈને હજારો અને લાખો લોકો તેમની સાથે જોડાતા ગયા જેમાંનો હું એક છું. એથી ‘બાળાસાહેબ’ અને ‘મરાઠી’ આ બે શબ્દો પરની મારી અને મારા મહારાષ્ટ્રના સૈનિકોની શ્રદ્ધા અને પ્રેમ તસુભર પણ ઓછાં નહીં થાય.’


