હવાનું પ્રદૂષણ કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયેલા મુંબઈ અને નવી મુંબઈના કમિશનરો પર બૉમ્બે હાઈ કોર્ટ બરાબરની ભડકી : ઝાટકણી કાઢતાં કહ્યું કે, મ્યુનિસિપલ કૉર્પોરેશન ચલાવવાનું કામ કોર્ટનું નથી
ભૂષણ ગગરાણી - મુંબઈ, ડૉ. કૈલાશ શિંદે - નવી મુંબઈ
બૉમ્બે હાઈ કોર્ટે વાયુપ્રદૂષણ ઘટાડવાના એના આદેશોની અવગણના કરવા બદલ કૉર્પોરેશનના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. હાઈ કોર્ટે ટોચના અધિકારીઓની સૅલેરી રોકી દેવાની ચેતવણી આપતાં કહ્યું હતું કે તમે કોઈ એલિયન વર્લ્ડમાં નથી રહેતા, તમે પણ એ જ અશુદ્ધ હવા શ્વાસમાં લઈ રહ્યા છો.
મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ સુમન શ્યામની બેન્ચે કોર્ટના આદેશોનું પાલન ન કરવા બદલ અને કથળતા ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI)ને સુધારવાનાં પગલાં લેવામાં નિષ્ફળ રહેવા બદલ મુંબઈ અને નવી મુંબઈ બન્ને કૉર્પોરેશનના કમિશનરોનો પગાર રોકવાની ચેતવણી આપી હતી.
ADVERTISEMENT
વાયુપ્રદૂષણ ઘટાડવા પગલાં લેવા માટે કોર્ટે જે નિર્દેશો આપ્યા હતા એની અવગણના થતી હોવાનું કોર્ટે નોંધ્યું હતું. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના વકીલ એસ. યુ. કામદારે કોર્ટને જણાવ્યું હતું કે ‘કૉર્પોરેશને અનેક કન્સ્ટ્રક્શન-સાઇટ્સને સ્ટૉપ વર્કની નોટિસ આપી છે. ૬૦૦ સ્થળોએ જ્યાં ઍર ક્વૉલિટી મૉનિટરની જરૂર હતી એમાંથી લગભગ ૪૦૦ સ્થળોએ મૉનિટરો બેસાડવામાં આવ્યાં છે.’
જોકે હાઈ કોર્ટ આ રજૂઆતથી પ્રભાવિત ન થતાં બેન્ચે પ્રશ્ન કર્યો હતો કે ‘આ તો હાઈ કોર્ટના આદેશને પગલે થયું. તમે આટલાં વર્ષ શું કરતા હતા? મ્યુનિસિપલ કૉર્પોરેશન ચલાવવાનું કોર્ટનું કામ નથી.’
કોર્ટે નોંધ્યું હતું કે BMC અને નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC) બન્ને દ્વારા દાખલ કરાયેલા ઍફિડેવિટમાં વૉર્ડવાર વિગતોનો અભાવ હતો એ સૂચવે છે કે વાયુપ્રદૂષણના મુદ્દાને ઉકેલવા માટે અધિકારીઓ તરફથી કોઈ નિષ્ઠાવાન પ્રયાસો થયા નથી. કોર્ટે આગામી સુનાવણી ૨૭ જાન્યુઆરી પર મુલતવી રાખી છે.


