Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું ઍક્ટિંગ એટલે કરું છું કારણ કે ઍક્ટિંગમાં એક મૅજિક છે જે મને ખૂબ ગમે છે

હું ઍક્ટિંગ એટલે કરું છું કારણ કે ઍક્ટિંગમાં એક મૅજિક છે જે મને ખૂબ ગમે છે

Published : 24 January, 2026 02:32 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

કચ્છી ભાટિયા પરિવારના વ્રજેશ હીરજીના દાદાને લાગતું હતું કે વ્રજેશ નાટકોમાં ઍક્ટિંગ કરવાનું કામ છોડી દે, પરંતુ જ્યારે પહેલી વાર તેમણે વ્રજેશ હીરજીનું નાટક જોયું ત્યારે તેમની આંખ ભરાઈ આવી. આ પ્રસંગને વ્રજેશ હીરજી એક મૅજિકની રીતે જુએ છે.

વ્રજેશ હીરજી

વ્રજેશ હીરજી


કચ્છી ભાટિયા પરિવારના વ્રજેશ હીરજીના દાદાને લાગતું હતું કે વ્રજેશ નાટકોમાં ઍક્ટિંગ કરવાનું કામ છોડી દે, પરંતુ જ્યારે પહેલી વાર તેમણે વ્રજેશ હીરજીનું નાટક જોયું ત્યારે તેમની આંખ ભરાઈ આવી. આ પ્રસંગને વ્રજેશ હીરજી એક મૅજિકની રીતે જુએ છે. આજે લગભગ ૩૬ વર્ષોથી નાટક, ટીવી, ફિલ્મોમાં કામ કરનાર વ્રજેશ હીરજી ફક્ત ઍક્ટર નથી; તેઓ માર્કેટિંગ, કૉપીરાઇટર, રેડિયો-જૉકી, કૉમેન્ટેટર, ડબિંગ આર્ટિસ્ટ પણ રહી ચૂક્યા છે

૨૦૦૨-૨૦૦૩ની આસપાસનો સમય. વડોદરાના યુનાઇટેડ વેમાં ‘ઑલ ધ બેસ્ટ’ નામનું હિન્દી નાટક આવેલું જેમાં વ્રજેશ હીરજી કલાકાર તરીકે હતા. તેમનું લગભગ ત્રીજું નાટક હતું અને આ નાટકને ઘણી ખ્યાતિ પ્રાપ્ત થયેલી હતી એટલે ભીડ સારીએવી એકઠી થયેલી. એ દિવસે વ્રજેશના દાદાને પણ પરિવારજનો પરાણે લઈ આવેલા. કચ્છી ભાટિયા કમ્યુનિટીના વડીલ દાદાનો એ સમયે ઘરમાં દબદબો ભરપૂર. તેમને તેમના જીવનના અનુભવોએ શીખવેલું કે ઍક્ટિંગ જેવું કામ સારું નહીં. એટલે તે ઍક્ટિંગ કરવાની એકદમ ખિલાફ હતા. તેમના એક મિત્ર જે પ્રોડ્યુસર તરીકે ઘણો પૈસો ગુમાવી ચૂકેલા તેમની જરાય ઇચ્છા નહોતી કે તેમનો પૌત્ર આ કામ કરે. ગુસ્સા અને નારાજગી સાથે તે થિયેટરમાં બેઠા હતા. નાટક પત્યું પછી તે વ્રજેશને મળવા ગયા. એક વડીલ તરીકે અમુક આમન્યા હોય જેને લીધે વડીલો ભાગ્યે જ પોતાની લાગણી વ્યક્ત કરે, પણ એ દિવસે દાદાની આંખમાં ઝળઝળિયાં હતાં અને તે પૌત્રને ભેટી પડ્યા. વ્રજેશને સમજાયું નહીં કે આ શું થયું. તેણે પૂછ્યું, બધું બરાબર હતું? દાદાએ કહ્યું કે ‘દીકરા! તેં પરિવારનું નામ રોશન કરી દીધું.’ આ કિસ્સાને યાદ કરીને વ્રજેશ હીરજી કહે છે, ‘એ દિવસે દાદાની બાજુમાં બે છોકરાઓ બેઠા હતા અને તે અંદર-અંદર વાત કરતા હતા કે આ હીરજી ખૂબ સારું કામ કરે છે. એટલે દાદાએ તેમને પૂછ્યું કે તમે આના મિત્રો છો? તો તેમણે કહ્યું કે ના, અમે હીરજીનાં નાટકો જોયાં છે. તે અમને ગમે છે, સારું કામ કરે છે. આવું કહ્યું એટલે દાદાએ કીધું, હું તેનો દાદો છું. તો પેલા બે છોકરાઓ ઊભા થઈ ગયા અને દાદાને પગે લાગ્યા. આ વાત પર દાદા પીગળી ગયા. તેમને લાગ્યું કે છોકરો કંઈક તો એવું કરે છે જેને લીધે અજાણ્યા માણસો પણ મને પગે લાગી રહ્યા છે. લોકો માને છે કે ઍક્ટિંગ તમને પૈસો, નામ, ક્રીએટિવ સંતોષ જેવું ઘણું-ઘણું આપે છે પણ મારા માટે આ કળામાં જે મૅજિક છે એ મને ખૂબ આકર્ષે છે. એ મૅજિક પૈસા, નામ, ક્રીએટિવિટી બધાથી ઉપર છે અને એ મૅજિકે જ મને આટલાં વર્ષોથી આ કામ કરતા રહેવાનું પ્રોત્સાહન આપ્યું છે.’ 


બાળપણ 

મૂળ જામનગરના વ્રજેશ હીરજીના પરદાદા મુંબઈ આવીને વસ્યા હતા. જન્મથી કાલબાદેવીમાં ઊછરેલા વ્રજેશ હીરજી નાનપણથી વાંચનમાં રસ ધરાવતા હતા. દાદા-દાદી, કાકા, મમ્મી-પપ્પા અને બહેન સાથે સંયુક્ત પરિવારમાં તેઓ રહેતા. પોતાની સ્કૂલની ઍક્ટિવિટીઝમાં ઘણા આગળ હતા. સ્ટેજ તેમને નાનપણથી જ વહાલું હતું. એ દિવસો યાદ કરતાં વ્રજેશભાઈ કહે છે, ‘મને સ્કૂલના ગ્રાઉન્ડમાં રમવું ખૂબ ગમતું એટલે ટિપિકલી દરરોજ મમ્મી ઉઘાડા પગે ચંપલ લઈને પાછળ પડી હોય કે ઘરે આવવું છે કે નહીં? ત્રીજા ધોરણમાં એક નાટકમાં હું સિંગદાણો બન્યો હતો જેને કોઈએ કચડી નાખ્યો એની ફરિયાદ એ કોર્ટમાં કરી રહ્યો હતો. એનાથી થોડો મોટો થયો ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ બનેલો. હું ડિબેટ, એલોક્યુશન બધામાં ભાગ લેતો. પણ એ સમયે અમે બાળપણ જીવતા. બટાટાની ચિપ્સ ખાવામાં, કોલ્ડ ડ્રિન્ક્સ પીવામાં અને કૉમિક્સ વાંચવામાં રસ હતો મને બસ. જ્યારે લોકો પૂછતા કે શું બનવું છે તો હું બધાને જુદો-જુદો જવાબ આપતો. જે મનમાં આવે એ કહેતો. એક જ વ્યક્તિને પણ થોડા દિવસના અંતરે બીજો જવાબ આપતો, કારણ કે મને એવું કંઈ હતું જ નહીં કે આ બનવું છે કે તે.’ 
રંગમંચ અને શરૂઆત  

સ્કૂલ પત્યા પછી વ્રજેશ હીરજીએ કૉમર્સ લીધું. ૧૮ વર્ષની ઉંમરે તેઓ મમ્મી-પપ્પા સાથે જુહુમાં શિફ્ટ થયા. ત્યાં આવ્યા પછી તેમણે પૃથ્વી થિયેટર જોયું ત્યારે તેઓ થિયેટરથી ખૂબ પ્રભાવિત થયા અને તેમણે વિચાર્યું કે આમાં કામ કરવું જોઈએ. કૉમર્સ ભણ્યા પછી તેમણે લૉમાં ઍડ્‍મિશન લીધું. એ વિશે વાત કરતાં વ્રજેશ હીરજી કહે છે, ‘મારા પરિવારમાં દૂર-દૂર સુધી કોઈ આ ફીલ્ડમાં હતું નહીં. મને એ કામ ગમતું હતું પણ કરવું કઈ રીતે, કોની પાસે કામ માગું મને એ ખબર જ નહોતી. એટલે લૉની ડિગ્રી મારો બૅક-અપ પ્લાન હતો. હું જ્યારે એચ. આર. કૉલેજમાં ભણતો હતો ત્યારે એક દિવસ મારા બધા મિત્રો મને કહેવા લાગ્યા કે ગઈ કાલે તું કેમ નહોતો આવ્યો? એ દિવસે ફિરોઝ અબ્બાસ ખાન એક નાટક લઈને આવેલા. મારી કૉલેજના ચાર-પાંચ મિત્રોએ એ મારી જવાબદારી પોતાના ખભે લઈ લીધી કે આને કોઈ પણ રીતે ફિરોઝ અબ્બાસ ખાન સુધી પહોંચાડીએ. મને લઈને તેઓ કોઈ રીતે પૃથ્વી થિયેટર ગયા અને મારી મુલાકાત ફિરોઝભાઈ સાથે કરાવી. તેમણે મને રીડિંગ કરાવી તરત કૉસ્ચ્યુમ પહેરાવી, માસ્ક લગાવી દરવાજે ઊભો રાખી દીધો. આ નાટક હતું ‘ધ રૉયલ હન્ટ ઑફ ધ સન’. એ સમયે મારે દાદી પાસે વડોદરા જવાનું હતું એટલે હું તેમને કહીને નીકળી ગયો કે દાદીની તબિયત ખરાબ છે. એ પછી ફરી એક ઓળખાણની ચિઠ્ઠી સાથે હું ફિરોઝ ખાન પાસે ગયો. મને લાગ્યું કે તે ભૂલી જ ગયા હશે. આ જ નાટકમાં બીજી વાર કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેઓ ધીમેકથી મારી પાસે આવીને પૂછી ગયા કે દાદી કેમ છે? તેમને યાદ હતું કે આ છોકરો કોઈ બહાને પ્લે છોડીને ભાગી ગયેલો. પણ તે એટલા સારા હતા કે તેમણે ફરી મને કામ આપ્યું. નાટકોમાં ઇકબાલ ખ્વાજા, સત્યદેવ દુબે, અલેક પદમસી અને ફિરોઝ અબ્બાસ ખાન જેવા ગુરુઓ મને મળ્યા. તેમની પાસેથી જ હું થિયેટર અને ઍક્ટિંગ શીખ્યો. મેં ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી બધી જ ભાષામાં થિયેટર કર્યું છે.’
૧૯૯૦માં પહેલું નાટક કર્યા પછી વ્રજેશ હીરજીએ ‘ખજૂર ખજુરાહો’ નામનું નાટક કર્યું અને એ પછી ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’ નાટકે તેમને ખાસ્સી પ્રસિદ્ધિ અપાવડાવી. આજ સુધીમાં વ્રજેશ કેટલાં નાટકો કરી ચૂક્યા છે એની કોઈ ગણતરી તેમણે રાખી નથી. આજે પણ રંગમંચથી વ્રજેશ હીરજી જોડાયેલા છે. તેમનું એક નાટક ‘ચાઇનીઝ કૉફી’ હાલમાં ચાલી રહ્યું છે. આ સિવાય ‘ગાર્ડ્‍સ ઍટ ધ તાજ’ અને ‘વન ઑન વન’ જેવી સ્વતગોક્તિ પણ ચાલી રહી છે. તેમનો પ્રયાસ રહે છે કે વર્ષમાં એક નાટક તો કરવું. એની પાછળનું કારણ જણાવતાં તેઓ કહે છે, ‘સ્ટેજ તમને એક ગજબનો સંતોષ આપે છે. વળી એમાં કામ કરતા રહેવું એ મારો રિયાઝ છે. આ એક જર્ની છે. અહીં સ્ટેજ પર ચડીને અમે એક વિશ્વ બાંધીએ છીએ. એ વિશ્વ બાંધવાની મજા છે. સ્ટેજની મજા એ છે કે અહીં એક્ઝામ આપો કે તરત રિઝલ્ટ સામે મળે છે. આનંદ આવે છે.’   
ટીવી પર શરૂઆત 
નાટકોની સાથે-સાથે કમાવું જરૂરી થઈ પડ્યું ત્યારે ‌તેમની સાથે કામ કરતા આતિશ કાપડિયાની ભલામણથી વ્રજેશ હીરજી ‘ધી ઇન્ડિયન એક્સપ્રેસ’ ન્યુઝપેપરમાં સ્પેસ માર્કેટિંગમાં જોડાઈ ગયા હતા. આ સિવાય તેમણે એક ઍડ-એજન્સીમાં કૉપીરાઇટરની જૉબ પણ લીધી હતી. તેમને એવું હતું કે કોઈ પણ રીતે ઍક્ટિંગમાં કામ મેળવવું છે. મિત્રોની મદદથી તેમણે એક ટીવી-ઑડિશન ક્રૅક કર્યું, જે એ સમયે સિરિયલ ‘શાંતિ’ના ડિરેક્ટર આદિ પોચા કરી રહ્યા હતા. વ્રજેશ હીરજીનું ઑડિશન એ સમયે આદિ પોચાની હેઠળ કામ શીખી રહેલાં ફરહાન અખ્તર અને ઝોયા અખ્તરે લીધું હતું જેમાં પાસ થઈ ૧૯૯૫-૧૯૯૬માં વ્રજેશ હીરજીએ પોતાનો પહેલો ટીવી-શો ગુડ્ડી મારુતિ સાથે શરૂ કર્યો જેનું નામ હતું ‘સૉરી મેરી લૉરી’. વ્રજેશ હીરજીએ ઍક્ટિંગની સાથે-સાથે ડબિંગ, સ્ક્રીન-રાઇટિંગ, કબડ્ડી લીગમાં કૉમેન્ટરી પણ કરી છે. બિગ FM પર તેઓ શો પણ ચલાવે છે. તેમણે ટીવી પર ‘ક્યા બાત હૈ’, ‘ગુબ્બારે’, ‘સ્ટાર બેસ્ટ સેલર્સ’, ‘રિશ્તે’, ‘યે હૈ મુંબઈ મેરી જાન’, ‘જસ્સી જૈસી કોઈ નહીં’, ‘શ્રી આદિમાનવ’, ‘બિગ બીઝ-6’ જેવા ઘણા ટીવી-શોઝમાં કામ કર્યું છે. તેમણે મિસ્ટર બીન બનતા ઍક્ટર રોવન ઍટ્કિન્સનની ફિલ્મ ‘જૉની ઇંગ્લિશ રીબૉર્ન’, ‘પાઇરેટ્સ ઑફ ધ કૅરિબિયન’ના પણ બે ભાગ તથા ‘ઇન્ક્રેડિબલ-2’ પણ ડબ કરી છે. ‘હીરજીની મરજી’ નામનો એક કૉમેડી શો તેમણે બનાવેલો, જે ગુજરાતીમાં હતો. 
ફિલ્મો 
ફિલ્મોમાં વ્રજેશ હીરજીનું એક કૉમેડિયન તરીકે ઘણું નામ થયું છે. ‘સચ અ લૉન્ગ જર્ની’ નામની તેમની પહેલી ફિલ્મ ૧૯૯૮માં આવી હતી. લોકો તેમને ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મથી ઓળખતા થયા હતા. હૃતિક અને તેનાં મમ્મીએ વ્રજેશ હીરજીને એક નાટકમાં સ્ટેજ પર જોયા હતા અને તેમને ફિલ્મ ઑફર થઈ હતી. વ્રજેશ હીરજીએ ‘રહના હૈ તેરે દિલ મેં’, ‘રેફ્યુજી’, ‘અક્સ’, ‘દિલને ફિર યાદ કિયા’, ‘મુઝે કુછ કહના હૈ’, ‘તુમ બિન’ ‘ક્યા યહી પ્યાર હૈ’, ‘તલાશ’, ‘ક્રિષ્ના કૉટેજ’, ‘અપના સપના મની-મની’, ‘સલામે ઇશ્ક’, ‘દિલ બોલે હડીપ્પા’, ‘ક્રિશ 3’ જેવી અઢળક ફિલ્મો કરી છે. ફિલ્મમેકર રોહિત શેટ્ટી સાથે વ્રજેશ હીરજીએ ‘ગોલમાલ’, ‘ગોલમાલ રિટર્ન્સ’, ‘ગોલમાલ 3’, ‘ગોલમાલ અગેઇન’ અને ‘સર્કસ’ જેવી ફિલ્મોમાં કરેલું કામ ઘણું વખણાયું છે. તેમની સાથે કામની શરૂઆતનો કિસ્સો જણાવતાં હીરજી કહે છે, ‘મને રોહિત શેટ્ટીની પહેલી ફિલ્મ ‘ઝમીન’ જેમાં અભિષેક બચ્ચન અને અજય દેવગન હતા એના માટે સાઇન કરવામાં આવેલો, પણ એ પછી રોહિતે મને ફોન કરીને કહ્યું કે હું જેવો રોલ ઇચ્છતો હતો એવો લખાયો નથી, એટલે આઇ ડોન્ટ વૉન્ટ ટુ વેસ્ટ યુ, તું આ કામ નહીં કર. તો પ્રામાણિક બનીને મેં એ સાઇનિંગ અમાઉન્ટ પણ પાછી આપી દીધી. ઘણા દિવસો પછી એક દિવસ હું જુહુની એક DVDની દુકાને ગયેલો ત્યાં તે મને મળી ગયા અને મેં તેમને યાદ દેવડાવ્યું કે એક ઉધાર મારો તમારા પર બાકી છે. તેમણે કહ્યું, હા મને યાદ છે. એના બે કલાકની અંદર મને ફોન આવ્યો કે તમે ગોવા આવી જાઓ, આપણે ‘ગોલમાલ’નું શૂટિંગ ચાલુ કરવાનું છે. એમાં જે નાગનું પાત્ર મને મળેલું એ સાંભળીને મને પણ થયું કે આ કેવી રીતે થશે? પણ કામ તો કરવું જ હતું એટલે હું માની ગયો. અમે ઍક્ટર છીએ અને ડિરેક્ટરના વિઝન સામે અમારે સરેન્ડર કરવું જરૂરી છે. તેના પર વિશ્વાસ કરવો જરૂરી છે. અમે બન્નેએ મળીને પ્રયત્ન કર્યો કે એક ક્યારેય ન વિચારેલું પાત્ર ઊભું કરીએ. અમે બન્ને મનમાં એ નર્વસનેસ રાખીને બેઠા હતા કે ખબર નહીં, ઑડિયન્સને ગમશે કે નહીં. સ્ક્રીનિંગનો પહેલો દિવસ. અમે બન્ને અલગ-અલગ સ્ક્રીનમાં બેઠા હતા અને ઇન્ટરવલમાં જેવા બહાર નીકળ્યા કે એકબીજા તરફ ભાગ્યા. રોહિતે મને ઊંચકી જ લીધો આખો. અમે બન્ને ખુશ હતા કે લોકો ખૂબ હસ્યા અને તેમને ખૂબ મજા આવી. એટલે કે અમે જે વિચારેલું એ વિચાર સફળ રહ્યો.’ 
અંગત જીવન 
વ્રજેશ હીરજીનાં પ્રથમ લગ્ન ૨૦ વર્ષ પહેલાં તૂટી ગયેલાં. પછી તેમના જીવનમાં ઍક્ટ્રેસ રોહિણી બૅનરજી આવી. બન્ને સાથે એક નાટકમાં કામ કરી રહ્યાં હતાં અને પ્રેમ થઈ ગયો. ૨૦૧૪માં તેમનાં લગ્ન થયાં. એનો કિસ્સો જણાવતાં વ્રજેશ હીરજી કહે છે, ‘રોહિણીના ઘરે બંગાળી વિધિથી લગ્ન હતાં. હું જીન્સ અને ટી-શર્ટ પહેરીને ગયો હતો. ત્યાં આવેલા બંગાળી પંડિત ગુસ્સે થઈ ગયા મારા પર. તે ઊભા થઈ ગયા કે હું આ લગ્ન નહીં કરાવું જો આમણે કપડા નહીં બદલ્યાં તો. મને ખબર જ હતી કે કપડાં બદલવાનાં છે જે પહેલેથી ત્યાં સેટ કરીને રાખેલાં, પણ થોડો ડ્રામા તો જીવનમાં જરૂરી છે પળને યાદગાર બનાવવા માટે. અમારો એક ૧૦ વર્ષનો દીકરો છે જેનું નામ અમે અરિત્ર રાખ્યું છે. રોહિણી જ્યારે પ્રેગ્નન્ટ હતી ત્યારે અમને લાગતું હતું કે દીકરી જ આવશે, પણ આવ્યો દીકરો એટલે મને થયું કે આ તો ગુગલી થઈ એટલે તેનું ઘરનું નામ અમે ગુગલી પાડ્યું છે. મારી ઇચ્છા છે કે હું તેને ગુજરાતી બકોર પટેલની વાર્તાઓ વાંચીને સંભળાવું.’

જલદી ફાઇવ
 પહેલો પ્રેમ : પુસ્તકો 
 શોખ : મને સ્કૂબા ડાઇવિંગનો ખૂબ શોખ છે. પૃથ્વી પર નહીં, પાણીમાં ઊંડે જઈને મને જે શાંતિ મળે છે એ બહાર મળતી નથી. મને ખુશી એ વાતની છે કે એક જગ્યા તો છે જ્યાં BMC રસ્તા ખોદી નથી શકતી. આ વાત જોકે તમે BMC સુધી ન પહોંચાડતા, તેમને ખબર પડશે કે કોઈ જગ્યા બાકી રહી ગઈ છે ખોદકામ વગરની તો એ ત્યાં જઈને પણ ખોદી આવશે. 
 અફસોસ : એક ઍક્ટર તરીકે તમે ક્યારેક લીધેલા નિર્ણયો પર તમને અફસોસ થાય જેમ કે ‘દિલ્હી બેલી’માં મને એક સરસ રોલ મળેલો, હું ન કરી શક્યો. એ પછી એ રોલ મારા મિત્ર પરેશ ગણાત્રાએ કર્યો ત્યારે હું પરેશ માટે તો ખુશ જ હતો, પણ ખુદ માટે મને અફસોસ થઈ રહ્યો હતો કે મેં એ કેમ ન કર્યો. 
 ડર : દરેક ઍક્ટરને ડર લાગે છે. કામ મળશે કે નહીં, જેવું કરવું છે એવું કામ થઈ શકશે કે નહીં, મેં જે કર્યું છે એ લોકોને ગમશે કે નહીં આવા કેટલા પ્રકારના ડર એક ઍક્ટરના મનને સતાવતા હોય છે. પણ મેં એ ડર સાથે દોસ્તી કરી લીધી છે એટલે એ મને હેરાન કરતો નથી. 
 બકેટ લિસ્ટ : મારી ઇચ્છાઓ અગણિત છે. દરરોજ ઉત્પન્ન થાય છે. મારે ખૂબ કામ કરવું છે. અલગ-અલગ પાત્રો ભજવવાં છે. મારી અંદરથી એક અવાજ હંમેશાં આવ્યા કરે છે કે મારી પાસે વાર્તા છે, તમે સાંભળશો? અને એના પછીનો પ્રશ્ન એ કે તમને મજા આવી? આ સવાલોના જવાબો મેળવવા માટે હું ઍક્ટર બન્યો છું

Whatsapp-channel Whatsapp-channel

24 January, 2026 02:32 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK