News in Shorts: મધ્ય પ્રદેશમાં હવે ઇન્દોર બાદ મહુમાં દૂષિત પાણી પીવાથી ૨૫ જણ બીમાર અને વધુ સમાચાર
તસવીર સૌજન્યઃ એજન્સી
ગઈ કાલે વસંતપંચમીના અવસરે પ્રયાગરાજમાં ચાલતા માઘમેળામાં ૩.૫૬ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી.
નેતાજી સુભાષચંદ્ર બોઝની યાદમાં નવી મુંબઈમાં તિરંગા યાત્રા
ADVERTISEMENT

નવી મુંબઈમાં ગઈ કાલે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં ૧૧૧૧ ફુટ લાંબા તિરંગા સાથે વિવિધ સ્કૂલ-કૉલેજના અનેક વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. નેતાજીના જન્મદિવસને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે.
મધ્ય પ્રદેશમાં હવે ઇન્દોર બાદ મહુમાં દૂષિત પાણી પીવાથી ૨૫ જણ બીમાર
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પીવાના દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી ત્યાં હવે મહુ જિલ્લામાં પણ દૂષિત પાણીની સમસ્યા ઊભી થઈ છે. મહુ કૅન્ટોનમેન્ટ બોર્ડના પટ્ટીબજાર, ચંદર માર્ગ અને મોતી મહલ વિસ્તારમાં પીવાના દૂષિત પાણીને કારણે પચીસથી વધારે લોકો બીમાર થયા છે. ૯ લોકોને હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. બુધવારે સાંજે ઊલટી, પેટમાં દુખાવો અને ઝાડા થવાની ફરિયાદ બાદ દરદીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ જાણકારી પ્રાપ્ત થતાં કલેક્ટર શિવમ વર્મા રાતોરાત મહુ પહોંચ્યા હતા અને હૉસ્પિટલમાં બીમારોના ખબરઅંતર પૂછ્યા બાદ પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત લીધી હતી અને લોકો સાથે વાતચીત કરી હતી. ગઈ કાલે સવારથી જ ડોર-ટુ-ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો હતો અને જે લોકોને બીમારીનાં હળવાં લક્ષણો છે તેમને ઘરે જ દવા આપવામાં આવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે કોઈ પણ દરદીની તબિયત ગંભીર નથી અને હૉસ્પિટલમાં દાખલ લોકોને ટૂંક સમયમાં રજા આપવામાં આવશે.


