કૅનેડાના વડા પ્રધાનની મોદીએ કરી ટીકા, પ્લેનમાં ખામી સર્જાઈ અને પોતાના દેશમાં પણ થઈ ટીકા

G20 સમિટ અટેન્ડ કર્યા બાદ ગઈ કાલે દિલ્હીથી રવાના થઈ રહેલા કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને વિદાય આપી રહેલા કેન્દ્રીય પ્રધાન રાજીવ ચન્દ્રશેખર (તસવીર : પી.ટી.આઇ.)
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમના પ્રતિનિધિમંડળે ગઈ કાલે બપોરે દિલ્હીમાંથી વિદાય લીધી હતી. ટ્રુડો શુક્રવારે દિલ્હી આવ્યા હતા અને તેઓ રવિવારે જ રવાના થવાના હતા, પરંતુ તેમના ઍરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીના કારણે તેઓ બે દિવસ સુધી અટવાયા હતા. ગઈ કાલે બપોરે ૧.૧૦ વાગ્યે તેમના ઍરક્રાફ્ટે ઉડાન ભરી હતી. કેન્દ્રીય પ્રધાન રાજીવ ચન્દ્રશેખર ટ્રુડોને વિદાય આપવા માટે ઍરપોર્ટ પર હતા.
ટ્રુડો G20 સમિટ માટે જે પ્લેનમાં આવ્યા હતા એમાં ખામી સર્જાતાં તેઓ બે દિવસ સુધી નવી દિલ્હીમાં રોકાયા હતા.
ખાલિસ્તાનીઓની ઍક્ટિવિટીઝ બદલ ટીકા
ટ્રુડો માટે G20 સમિટમાં તેમની ભાગીદારી મુશ્કેલ રહી હતી, કેમ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૅનેડામાં ખાલિસ્તાનીઓની ભારત વિરોધી ઍક્ટિવિટીઝ માટે મોકળું મેદાન આપવા બદલ ટ્રુડોની ટીકા કરી હતી.
કૅનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં અત્યારે તનાવ છે. વળી, કૅનેડાએ રિસન્ટલી ભારત સાથેની વેપાર સંધિ માટેની વાતચીતને અટકાવી દીધી હતી.
મિસ મૅનેજમેન્ટના કારણે ટીકા
એક તરફ મોદીએ ટીકા કરી હતી તો ઘરઆંગણે પણ ટ્રુડો માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ. ટ્રુડોના ટ્રાવેલિંગમાં ડિલે થતાં કૅનેડાના સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને કૅનેડામાં ચર્ચા શરૂ થઈ ગઈ. ટ્રુડો અને સરકારના ટોચના અધિકારીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતાં ઍરબસ A310 પ્લેન્સ ઘણાં જૂનાં છે, જેના લીધે ટ્રુડોની એશિયાની ટ્રિપ માટે તેમણે રીફ્યુલિંગ માટે સ્ટૉપેજ કરવું પડે છે.
ટ્રુડોના મુખ્ય વિરોધી, કન્ઝર્વેટિવ પાર્ટીના લીડર પિર્રે પોઇલવેરેએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું હતું કે ‘ફેડરલ ઍરપોર્ટ પર મિસ મૅનેજમેન્ટના કારણે કૅનેડાના લોકોએ ફ્લાઇટ ડિલેનો જે એક્સપિરિયન્સ કરવો પડે છે હવે એવો જ એક્સપિરિયન્સ ટ્રુડોએ કરવો પડ્યો છે.’