Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પશ્ચિમ બંગાળના નવા અધિકારી સુવેન્દુ

પશ્ચિમ બંગાળના નવા અધિકારી સુવેન્દુ

Published : 10 May, 2026 10:40 AM | Modified : 10 May, 2026 10:45 AM | IST | Kolkata
Sejal Patel | sejal@mid-day.com

મમતા સામે વિદ્રોહ કરીને BJPના વિજયનો મુખ્ય આધારસ્તંભ બનેલા સુવેન્દુ અધિકારીએ કઈ રીતે પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મહત્ત્વનું સ્થાન બનાવ્યું અને મુખ્ય પ્રધાનપદ સુધીની સફર જાતમહેનતે કંડારી એ જાણીએ...

સુવેન્દુ અધિકારી

સુવેન્દુ અધિકારી


૨૦૨૦ના નવેમ્બરમાં એક ન્યુઝ આવ્યા હતા કે પશ્ચિમ બંગાળના એ વખતના ટ્રાન્સપોર્ટ પ્રધાન અને મમતાદીદીના ખાસ સુવેન્દુ અધિકારીએ રાજીનામું આપ્યું છે. વિધાનસભાની ચૂંટણી જસ્ટ પાંચ મહિના પછી હતી અને સુવેન્દુ અધિકારી પાર્ટીમાં ન હોય એ વાત તૃણમૂલ કૉન્ગ્રેસ માટે તો માથે પહાડ તૂટી પડ્યા જેટલો મોટો આઘાત કહેવાય. ઝટપટ ડૅમેજ-કન્ટ્રોલની કવાયત શરૂ થઈ અને કોઈક કારણસર રિસાયેલા નેતાને મનાવવા માટે અનેક વાનાં કરવામાં આવ્યાં. બંધ રૂમમાં કલકત્તામાં સુવેન્દુ અધિકારી, મમતાના ભત્રીજા અભિષેક બૅનરજી અને ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોર તથા તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ના સૌગાત રૉય વચ્ચે કલાકો સુધી માથાપચ્ચીસી ચાલી. બીજા દિવસે સવારે સૌગાત રૉયે જાહેરાત કરી દીધી, ‘બધું ઠીક છે. સુવેન્દુ ક્યાંય નથી જતા. તેઓ આપણી સાથે જ છે.’

નરેન્દ્ર મોદી સાથે સુવેન્દુ અધિકારી, એક સમયે મમતા બૅનરજીનો જમણો હાથ ગણાતા હતા સુવેન્દુ અધિકારી

થોડા સમય માટે તો લાગ્યું કે તોફાન ટળી ગયું, પણ થોડા જ દિવસમાં સુવેન્દુ અધિકારીનો એક વૉટ્સઍપ-મેસેજ ફરતો થયો જેણે ફરી રાજકીય ઘમસાણ મચાવી દીધું. તેમણે સૌગત રૉયને મેસેજ મોકલ્યો હતો, ‘મારી અંદર પીડા આજે પણ છે. તમે મને સમાધાન કાઢ્યા વિના જ બધું મારા પર થોપી દીધું. પ્રેસ-કૉન્ફરન્સમાં મારે મારી વાત કહેવી હતી, પણ તમે પહેલાં જ જાહેરાત કરી દીધી અને મારી તક છીનવી લીધી. હવે સાથે ચાલવાનું શક્ય નથી. મને માફ કરી દો.’

સુવેન્દુ અધિકારીએ પોતાની ઑફિસમાંથી મમતાદીદીનાં પોસ્ટર્સ હટાવવાનું શરૂ કરી દીધું અને ધીમે-ધીમે તેમની અંદર ભગવો રંગ પ્રવેશવા લાગ્યો અને ૧૭ ડિસેમ્બરે તેમણે સત્તાવાર રીતે TMCને બાય-બાય કરી દીધું. પશ્ચિમ બંગાળમાં ગુંડારાજ કેટલું છે એ તો સૌ જાણે જ છે. TMC છોડ્યા પછી એક સમયે નંદીગ્રામના શેર ગણાતા સુવેન્દુ અધિકારી સાથે કંઈ પણ થઈ શકે એમ હતું. જોકે બીજા જ દિવસે દિલ્હીથી ઝેડ કૅટેગરીની સિક્યૉરિટી તેમના ઘર ફરતે ગોઠવાઈ ગઈ. બે દિવસ પછી ગૃહપ્રધાન અમિત શાહે સુવેન્દુને BJPનો ખેસ પહેરાવી દીધો. 
બસ, ત્રણ સીટવાળી BJPને પશ્ચિમ બંગાળમાં તેમના રથનો સારથિ મળી ગયો. TMCને હલબલાવીને એનો પાયો જ તોડી નાખવામાં આવ્યો. BJPએ જેને કારણે ૨૦૨૧ની ચૂંટણીમાં ૭૭ બેઠકો મેળવી અને ૨૦૨૬માં ડબલ સેન્ચુરી મારી એની પાછળનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક ૨૦૨૦ની ૧૭ ડિસેમ્બરે માર્યો હતો.

અગાઉ તૃણમૂલ કૉન્ગ્રેસની રૅલીમાં સુવેન્દુ અધિકારી, RSSના એક કાર્યક્રમમાં સુવેન્દુ અધિકારી

જોકે BJPએ TMCના અનેક નેતાઓમાંથી સુવેન્દુ અધિકારીમાં એવું તે શું જોયું કે તેમના પર આટલો ભરોસો મૂકી દીધો? 
lll
બંગાળની ખાડીના મેદિનીપુરના કરકુલી વિસ્તારમાં ૧૯૭૦ની ૧૫ ડિસેમ્બરે સુવેન્દુ અધિકારીનો જન્મ થયો. એક એવું ઘર જ્યાં તેમને દેશભક્તિ ગળથૂથીમાં મળી અને રાજનીતિના પાઠ પણ શીખવા મળ્યા. દાદા કેનારામ અધિકારી સ્વાતંત્ર્યસેનાની હતા. એટલા મજબૂત હતા કે બ્રિટિશ સરકાર તેમને મોટો ખતરો માનતી હતી. તેમને હતોત્સાહ કરવા માટે કેનારામનું ઘર ત્રણ-ત્રણ વાર સળગાવી દેવામાં આવ્યું, પણ કેનારામ જેનું નામ, હાર માન્યા જ નહીં. પિતા સિસિર અધિકારીએ કાંથી નગરપાલિકાના અધ્યક્ષ તરીકે પચીસ વર્ષ સુધી ફરજ બજાવી હતી અને તેમનો એવો સ્ટ્રૉન્ગહોલ્ડ હતો કે મેદિનીપુરમાં તેમની મરજી વિના એક પાંદડુંય ન હલી શકે. એ પછી તો સિસિર અધિકારી પણ વિધાનસભ્ય બન્યા. એ વખતે સુવેન્દુ માત્ર ૧૨ વર્ષના હતા. એટલી નાની વયે પણ તેમણે પિતાને ચૂંટણીનાં કામમાં ઘણી મદદ કરી. તેમને પણ રસ પડવા લાગ્યો, પરંતુ તેમને વધુ રસ હતો રામકૃષ્ણ મિશનમાં. દર શનિવારે તેઓ રામકૃષ્ણ મિશનમાં જતા. મિશનનાં કામ કરતા અને ધાર્મિક ઝુકાવને કારણે તેમને પારિવારિક અને રાજકીય બાબતોમાં ઓછો રસ પડતો. બાળવયે પણ તેઓ વારંવાર સંન્યાસ લેવાની વાતો કરતા. પરિવારજનોએ વિરોધ કર્યો તો કહી દીધું કે પરવાનગી નહીં આપો તો એક રાતે ઘર છોડીને કહ્યા વિના ચાલ્યો જઈશ, એના કરતાં હસતા મોઢે વિદાય આપો. તેમના ધાર્મિક વલણને કારણે પરિવારને ડર રહેતો કે ખરેખર આ ક્યાંક ચાલ્યો ન જાય એટલે તેમણે કહ્યું કે ૧૮ વર્ષનો થાય ત્યાં સુધી રહે, પછી જોઈશું.

કૉલેજમાં રાજનીતિનો ચસકો લાગ્યો
સુવેન્દુ કાંથીની PK કૉલેજમાં ભણતા હતા ત્યાં CPI-Mના વિદ્યાર્થીસંગઠનનું એકચક્રી શાસન હતું. ઘરમાં રાજનીતિનું બૅકગ્રાઉન્ડ એટલે ક્યાંય પણ અન્યાય થાય એ સહન ન થાય. સુવેન્દુએ ૧૯ વર્ષની વયે કૉલેજમાં કૉન્ગ્રેસના વિદ્યાર્થીસંગઠનને સાથ આપ્યો અને જૂના શાસનને પડકાર ફેંક્યો. ત્યાં જ તેમણે સંગઠન બનાવતાં અને ચલાવતાં શીખવાની શરૂઆત કરી. આ અનુવભથી તેમનું મન બદલાઈ ગયું. તેમણે નિર્ણય લીધો : સંન્યાસ લઈને ઘર નહીં છોડું, પણ લગ્ન કર્યા વિના રાજનીતિ અને સેવાનાં કાર્યો કરીશ. યુથ કૉન્ગ્રેસની સાથે શરૂ થયેલી રાજકીય શરૂઆત તેમને નગરપાલિકાના નગરસેવક બનવા દોરી ગઈ. ૧૯૯૫માં નગરસેવક બન્યા અને ૧૯૯૮માં મમતા બૅનરજીએ તૃણમૂલ કૉન્ગ્રેસની શરૂઆત કરી એના થોડા જ સમયમાં તેઓ મમતા સાથે જોડાઈ ગયા. લગભગ બે દાયકા સુધી તેમણે તૃણમૂલને જ્યારે જ્યાં જરૂર પડી એ કામ કર્યું.

નંદીગ્રામના શેર કઈ રીતે બન્યા?
૨૦૦૬માં બંગાળમાં વામપંથી સરકારે ઇન્ડોનેશિયાના સલીમ ગ્રુપ સાથે મળીને નંદીગ્રામમાં ૨૫,૦૦૦ એકર જમીન પર કેમિકલ હબ બનાવવાનો નિર્ણય લીધો. આ ખબર ફેલાતાં જ સ્થાનિક ખેડૂતોમાં ડર અને ગુસ્સો બન્ને ફાટ્યા. સુવેન્દુ અધિકારીએ ખેડૂતોની લાગણીને વાચા આપવાનું અને સરકાર સામે લડવાનું બીડું ઝડપી લીધું. એક અનાથાલયમાં બેઠક થઈ જેમાં જમીનવેચાણ પર વિરોધ કરવા માટે ભૂમિ ઉચ્છેડ પ્રતિરોધ કમિટી બનાવી. જમીન અધિગ્રહણના વિરોધમાં કન્વીનર બન્યા તેમના પિતા સિસિર અધિકારી અને જમીન પર લોકો સાથે ઊભા રહેવાનું કામ સંભાળ્યું સુવેન્દુ અધિકારીએ. તેમણે નંદીગ્રામમાં વિદ્રોહનો સૈલાબ ઊભો કરી દીધો. વિરોધ-પ્રદર્શનોમાં સ્થાનિક લોકોએ લાકડાના પુલ તોડી નાખ્યા અને બન્યાબનેલા રોડ ખોદી નાખ્યા. જ્યાં પણ એવું લાગે કે જમીન અધિગ્રહણ માટેની તૈયારીઓ થઈ રહી છે ત્યારે ગામમાં શંખ વાગતા. મસ્જિદોના માઇકોમાં જાહેરાત થતી અને જોતજોતાંમાં હજારો લોકો વિરોધ કરવા માટે ભેગા થઈ જતા. આખરે સરકારે નમતું જોખ્યું. તેમણે સરકાર વિરુદ્ધ પોસ્ટરબાજી કરવાને બદલે કાનોકાન સમાચાર ફેલાવવાનો સ્વતંત્રતાસંગ્રામ સમયનો નિયમ અપનાવ્યો. આમ આ વિસ્તાર સુવેન્દુ અધિકારીનો એવો ગઢ બન્યો જ્યાં તેમની ઇચ્છા વિના એક પાંદડુંય ન હલે.

નંદીગ્રામની સફળતા જોયા પછી મમતા બૅનરજીએ સુવેન્દુને પુરુલિયા, બાંકુડા અને પશ્ચિમ મેદિનીપુરના ઇન્ચાર્જ બનાવ્યા. આ વિસ્તારો પણ ડાબેરી પક્ષો અને માઓવાદીઓનો ગઢ હતો. સુવેન્દુની ખાસિયત હતી લોકો સાથે અંગત ઘરોબો બાંધીને કામ કરવાની. ૨૦૦૯માં નંદીગ્રામમાં પેટાચૂંટણી થઈ હતી ત્યારે તેમણે જાતે એ બેઠક પરથી ચૂંટણી લડવાને બદલે નંદીગ્રામના ગોળીકાંડમાં મૃત્યુ પામેલા એક યુવકની મા ફિરોઝાબીબીને ઉમેદવાર બનાવ્યાં અને જિતાડ્યાં. ત્યારથી સુવેન્દુ નંદીગ્રામના લોકોના દિલમાં વસવાટ કરવા લાગ્યા. રસપ્રદ વાત એ છે કે જ્યારે બંગાળમાં પરિવર્તનની લહેર ચાલી રહી હતી ત્યારે જ સુવેન્દુએ તેમનું ભણતર પણ શરૂ કર્યું હતું. એ જ વર્ષે તેમણે રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીમાંથી માસ્ટર ઇન આર્ટ્સની ડિગ્રી મેળવી.
૨૦૧૧ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી ત્યાં સુધીમાં સુવેન્દુ TMCમાં મમતા બૅનરજી પછી બીજા નંબરના નેતા બની ચૂક્યા હતા. ૩૪ વર્ષના ડાબેરી શાસનનો અંત થયો અને ૨૦૧૧માં મમતા બૅનરજી મુખ્ય પ્રધાન બન્યાં. મમતા મુખ્ય પ્રધાન બની શક્યાં એમાં પણ ક્યાંક ને ક્યાંક સુવેન્દુ અધિકારીની રણનીતિઓએ ભાગ ભજવ્યો હતો.

TMC સાથે દરાર ક્યારથી પડી? 
જે રાજ્યોમાં BJPનો પોતાનો બેઝ નબળો હોય ત્યાં BJP હંમેશાં સ્થાનિક પ્રતિભાશાળી નેતાઓને પોતાના ખેમામાં કરવાની વેતરણમાં રહેતી હોય છે. BJPની નજરમાં સુવેન્દુ છેક ૨૦૧૪થી વસ્યા હતા અને ત્યારથી તેઓ BJPના મોટા નેતાઓના સંપર્કમાં હતા. જોકે એ વખતે પણ તેઓ TMCના વફાદાર અને અત્યંત મહત્ત્વનાં પદો સંભાળી રહ્યા હતા. જોકે BJPમાં તેમને માટે નવા રસ્તા ખૂલી રહ્યા છે એ વાત તેમના બૅક ઑફ ધ માઇન્ડમાં રહેતી જ હતી.

૨૦૧૭માં TMCના સ્થાપક સભ્ય મુકુલ રૉય BJPમાં જોડાયા એ પછી મમતા બૅનરજી ભત્રીજા અભિષેક બૅનરજીને વધુ મહત્ત્વ આપવા લાગ્યાં. સુવેન્દુને લાગ્યું કે વર્ષોની મહેનતને નજરઅંદાજ કરવામાં આવી રહી છે, TMCમાં પણ પરિવારવાદ ચાલી રહ્યો છે અને તેઓ કદી આ બાબતે લડી-ઝઘડીને પોતાનો હક મેળવી નહીં શકે. 
આખરે તેમણે BJPના નેતાઓનું આમંત્રણ સ્વીકારી લીધું. એ પછી મમતા બૅનરજી ધૂંઆપૂંઆ થઈ ગયાં. એક સમયના અતિવિશ્વાસુ માણસને તેમણે મીરજાફરનો થપ્પો લગાવીને ગદ્દાર જાહેર કર્યો.

નંદીગ્રામ ફરી બન્યું સમરાંગણ
સુવેન્દુને ગદ્દાર ચીતરીને તેમણે તેમના જ ગઢ નંદીગ્રામમાં તેમને હરાવવાનો પડકાર આપવાનું નક્કી કર્યું. ફરી એક વાર નંદીગ્રામમાં હાઈ-વૉલ્ટેજ ડ્રામા શરૂ થયો. આ વખતે TMC અને મમતાની વિરુદ્ધ સુવેન્દુએ લડવાનું હતું, પણ તેમને નંદીગ્રામના ભૂમિપુત્રો પર વિશ્વાસ હતો. તેમણે પણ ચૅલેન્જ આપી, ‘જો હું મમતાને ૫૦,૦૦૦ વોટથી નહીં હરાવીશ તો રાજનીતિ છોડી દઈશ.’
BJP માટે પણ નંદીગ્રામનો સંગ્રામ એ સુવેન્દુ અધિકારી માટેની લિટમસ ટેસ્ટ હતી. BJPએ કંઈ જ ગુમાવવાનું નહોતું, કેમ કે રાજ્યમાં એમની કોઈ પકડ હતી જ નહીં. સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના લોકોની નાડ પારખતા હતા. ૨૦૨૧ની ચૂંટણી પશ્ચિમ બંગાળની ચૂંટણી કરતાં વધુ નંદીગ્રામનો સંગ્રામ થઈ ગઈ. સુવેન્દુએ ૧૯૫૬ મતોથી મમતા બૅનરજીને હરાવ્યાં. પશ્ચિમ બંગાળના ઇતિહાસમાં પહેલી વાર કોઈ સિટિંગ મુખ્ય પ્રધાન પોતાની જ બેઠક પરથી હારી ગયા હોય અને છતાં તેમની પાર્ટીને રાજ્યમાં પ્રચંડ બહુમત મળ્યો હોય એવું બન્યું. BJP માટે પણ આ બહુ મોટો માઇલસ્ટોન હતો. BJP પહેલી વાર મુખ્ય વિપક્ષ તરીકે વિધાનસભામાં બેઠી. એનો વોટ-શૅર ૧૦ ટકામાંથી સીધો ૩૮ ટકા થઈ ગયો હતો. 

પૉલિટિકલ પરિવાર

 
સુવેન્દુ અધિકારીનાં મમ્મી ગાયત્રી, સુવેન્દુ અધિકારીનાં મમ્મી ગાયત્રી

સુવેન્દુ અધિકારીના પિતા સિસિર અધિકારી ભૂતપૂર્વ સંસદસભ્ય છે. મમ્મી ગાયત્રી અધિકારી સામાજિક કાર્યકર છે. બે ભાઈઓ દિવ્યેન્દુ અને સોમેન્દુ પણ રાજનીતિમાં જોડાયેલા છે. ચૂંટણીના ઍફિડેવિટમાં તેમણે પોતાની સંપત્તિ ૮૫,૮૭,૬૦૦ રૂપિયા જાહેર કરી છે. તેઓ સ્વામી વિવેકાનંદના આદર્શ પર ચાલતા આવ્યા છે અને તેઓ માને છે કે પારિવારિક જવાબદારીઓ રાજનેતાને કામમાં બાધારૂપ બની શકે છે. તેમના આ ત્યાગભાવને કારણે જ મેદિનીપુર અને નંદીગ્રામમાં સુવેન્દુની છબિ દાદા એટલે કે મોટા ભાઈની છે. 


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2026 10:45 AM IST | Kolkata | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK