અમેરિકાની ફિચ રેટિંગ્સ એજન્સીએ કહ્યું... : GSTમાં સુધારા દ્વારા ભારતે નુકસાન-ભરપાઈની તૈયારી કરી લીધી, વિકાસદર પણ અન્ય દેશો કરતાં ઘણો સારો રહેવાનું અનુમાન
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ભારત પર એક પછી એક ટૅરિફ લાદીને ભારતના અર્થતંત્રને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ દબાણ વધારીને ભારતને ટ્રેડ-ડીલ માટે સંમત કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ તેમના પોતાના દેશની એજન્સી કહી રહી છે કે આ ટૅરિફનો ભારત પર કોઈ ખાસ પ્રભાવ પડવાનો નથી.
વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે એના રિપોર્ટમાં ભારતના મજબૂત અર્થતંત્રમાં વિશ્વાસ દર્શાવ્યો છે. ફિચે ભારતીય અર્થતંત્રનું આરોગ્ય રિપોર્ટ કાર્ડ બહાર પાડ્યું છે અને ભારતના મજબૂત વિકાસમાં વિશ્વાસ દર્શાવ્યો છે. ફિચ રેટિંગ્સના રિપોર્ટ પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડ્યુસ (GDP) વિકાસદર ૬.૫ ટકા અને હાલમાં ભારતનો આર્થિક દેખાવ અન્ય સમકક્ષ દેશો કરતાં વધુ મજબૂત છે.
ADVERTISEMENT
આ રિપોર્ટમાં ટૅરિફ વિશે જે કહેવામાં આવ્યું છે એ સૌથી મહત્ત્વપૂર્ણ છે. ફિચે કહ્યું કે અમેરિકા દ્વારા ભારત પર ૫૦ ટકા ટૅરિફ લાદવાની તૈયારી કરવામાં આવી રહી છે, પરંતુ એની સીધી અસર ભારતના GDP પર નજીવી રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કારણ કે ભારતનો અમેરિકા સાથેનો વેપાર ફક્ત બે ટકાની આસપાસ છે. એ જ સમયે સરકારે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) સુધારા દ્વારા જોખમોની ભરપાઈ કરવાની તૈયારીઓ અગાઉથી જ કરી લીધી છે એથી અમેરિકાની ટૅરિફની GDP પર બહુ અસર થશે નહીં.


