વડા પ્રધાન દુકાનમાં આવીને બન્ને હાથમાં શૉપિંગની થેલીઓ ઉપાડીને લઈ જતા હોય એવો વિડિયો જોઈને લોકો ભડાક્યા
બિઝનેસનો પ્રચાર કરવા દિલ્હીના વેપારીએ નરેન્દ્ર મોદીનો AI વિડિયો બનાવ્યો
દિલ્હીના એક વુમન ફૅશન સ્ટોરે પોતાના બિઝનેસનો પ્રચાર કરવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા વિડિયો તૈયાર કર્યો હતો. આયેશા માયશા નામના આ સ્ટોરે એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરેલા વિડિયોમાં દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે લાજપતનગરની આ દુકાનની મુલાકાત લીધી હતી.
ત્રીજી સપ્ટેમ્બરે પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં વડા પ્રધાન દુકાનમાં પ્રવેશતા, માલિક સાથે હાથ મિલાવતા અને પછી શૉપિંગ બૅગ સાથે બહાર જતા જોવા મળે છે. વિડિયો-કૅપ્શનમાં લખવામાં આવ્યું હતું કે આપણા પ્રિય અને આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીજી આયેશા માયશા દુકાનની મુલાકાતે આવ્યા હતા.
ADVERTISEMENT
આ પોસ્ટ થોડી જ વારમાં વાઇરલ થઈ ગઈ હતી, પરંતુ સોશ્યલ મીડિયા યુઝર્સે એની પ્રામાણિકતા અને કાયદેસરતા પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. ઘણા લોકોએ લખ્યું હતું કે આ વિડિયો વાસ્તવિક નથી, પરંતુ AIની મદદથી બનાવવામાં આવ્યો છે. આ રીતે વેપારના પ્રમોશન માટે કોઈ સેલિબ્રિટીની ઓળખનો ઉપયોગ કરવો નૈતિક રીતે યોગ્ય છે કે નહીં એ અંગે ભારે ચર્ચા પણ ચાલી રહી છે. ઘણા લોકોએ એને વ્યક્તિગત અધિકારો અને ગોપનીયતા કાયદાઓનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. જોકે ડીપફેક પર હજી સુધી કોઈ ચોક્કસ કાયદો નથી, પરંતુ આવા કિસ્સાઓમાં IT ઍક્ટની કલમો હેઠળ કાર્યવાહી કરી શકાય છે. કેટલાક યુઝર્સે સૂચન કર્યું કે AI દ્વારા બનાવેલા દરેક વિડિયો અથવા ફોટો પર વૉટરમાર્ક અથવા ડિસ્ક્લેમર ફરજિયાત હોવું જોઈએ જે સ્પષ્ટપણે દર્શાવે છે કે એ વાસ્તવિક નથી.


