Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જેમણે લૂંટ્યું છે તેમની પાસેથી વસૂલ કરીશું : વડા પ્રધાન

જેમણે લૂંટ્યું છે તેમની પાસેથી વસૂલ કરીશું : વડા પ્રધાન

Published : 09 February, 2025 12:55 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજકારણમાં શૉર્ટકટ, જુઠ્ઠાણાં અને વિશ્વાસઘાત માટે કોઈ જગ્યા ન હોવાનું કહેવાની સાથે તેમણે યમુના નદીને દિલ્હીની ઓળખ બનાવવાની વાત પણ કરી : દિલ્હીમાં જબરદસ્ત વિજય બાદ ગઈ કાલે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતાં નરેન્દ્ર મોદીએ AAPને લીધી સાણસામાં

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે સાંજે કાર્યકરોને સંબોધવા માટે દિલ્હીમાં આવેલા પાર્ટીના હેડક્વૉર્ટર પહોંચ્યા ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે સાંજે કાર્યકરોને સંબોધવા માટે દિલ્હીમાં આવેલા પાર્ટીના હેડક્વૉર્ટર પહોંચ્યા ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.


દિલ્હીમાં ૨૭ વર્ષ પછી ફરી સત્તા મળ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સાંજે ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિલ્હીના મુખ્યાલયમાં પક્ષના કાર્યકરોને સંબોધન કર્યું હતું. વડા પ્રધાને આ સમયે કહ્યું હતું કે ‘આપ-દાવાળાઓએ તેમના દરેક ઘોટાળાને છુપાવવા માટે રોજ નવાં-નવાં કાવતરાં કર્યાં હતાં. દિલ્હીની જનતાનો ચુકાદો આવી ગયો છે. હું ગૅરન્ટી આપું છું કે વિધાનસભાના કામકાજમાં સૌથી પહેલાં કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટ જનરલ ઑફ ઇન્ડિયા (CAG-કૅગ)નો રિપોર્ટ રજૂ કરીશું. ભ્રષ્ટાચારના દરેક આરોપની તપાસ કરીશું. જેમણે લૂંટ્યું છે, તેમની પાસેથી વસૂલ કરીશું. આજે દિલ્હીની જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે દિલ્હીના અસલી માલિક માત્ર ને માત્ર દિલ્હીની જનતા છે. જેમને દિલ્હીના માલિક હોવાનો ઘમંડ હતો, તેમનો સત્ય સાથે સામનો થઈ ગયો છે. દિલ્હીના આ જનાદેશથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે રાજકારણમાં શૉર્ટકટ, જુઠ્ઠાણાં અને વિશ્વાસઘાત માટે કોઈ જગ્યા નથી. જનતાએ શૉર્ટકટવાળા રાજકારણનું શૉર્ટસર્કિટ કરી નાખ્યું. દિલ્હીમાં ઘરણાં-પ્રદર્શનનું રાજકારણ, ઘર્ષણ અને પ્રશાસનિક અનિશ્ચિતતાએ દિલ્હીના લોકોનું ખૂબ મોટું નુકસાન કર્યું છે. દિલ્હીવાસીઓએ લોકસભાની ચૂંટણીમાં મને ક્યારેય નિરાશ નથી કર્યો. ત્રણ-ત્રણ વખત લોકસભાની તમામ બેઠકમાં વિજય અપાવ્યો છે. જોકે દેશભર અને દિલ્હીના કાર્યકરોના મનમાં દિલ્હીની સેવા ન કરી શકવાનો અફસોસ હતો જે આજે દિલ્હીના મતદારોએ વિજય અપાવીને દૂર કરી દીધો છે. ૨૧મી સદીમાં દિલ્હીના લોકો BJPનું સુશાસન જોશે. ચૂંટણીના પ્રચારમાં મેં યમુના નદીને દિલ્હીની ઓળખ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આ કામ મુશ્કેલ અને લાંબા ગાળાનું છે. સંકલ્પ મજબૂત હોય તો ગમે એટલો સમય અને શક્તિ લાગે, કામ પૂરું થાય છે. યમુનાની સેવા કરવાનો દરેક પ્રયાસ કરીશું.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના મહત્ત્વના અંશ



 ૨૧મી સદીમાં દિલ્હીના લોકો અને યુવા પેઢી અહીં પહેલી વખત BJPની ડબલ એન્જિન સરકારનું શાસન જોશે.


 આજે દિલ્હીના વિકાસને આડે આવતી સૌથી મોટી અડચણ દૂર કરી દીધી છે. આપ-દાવાળાઓએ સ્લમમાં રહેતા લોકોને ઘર આપવાના પ્રયાસને પણ રોક્યો. અમે દિવસ-રાત લોકોની સેવા કરવાવાળા છીએ એટલે હવે દિલ્હીનો ઝડપથી વિકાસ થશે.

 દિલ્હીના લોકોની આસ્થા અને ભાવનાને પગ નીચે કચડવામાં આવી. હરિયાણાના લોકો પર ગંભીર આરોપ કર્યો. જનતાએ તેમને જવાબ આપી દીધો છે.


 જે પાર્ટીનો જન્મ ભ્રષ્ટાચાર દૂર કરવા માટેના આંદોલનથી થયો હતો એ પક્ષ ભ્રષ્ટાચારી બની ગયો. જેઓ પોતાને ઇમાનદારીનું સર્ટિફિકેટ આપતા હતા તેઓ ભ્રષ્ટાચારી નીકળ્યા. દિલ્હીના રહેવાસીઓ સાથે તેમણે વિશ્વાસઘાત કર્યો. દારૂના કૌભાંડમાં દિલ્હીને બદનામ કરી.

 જનતાએ કૉન્ગ્રેસને મોટો મેસેજ આપ્યો છે. ભારતની રાજધાની દિલ્હીમાં કૉન્ગ્રેસે ઝીરોની ડબલ હૅટ-ટ્રિક લગાવી છે. દેશની સૌથી જૂની પાર્ટી વિધાનસભા અને લોકસભા મળીને ગત છ ચૂંટણીમાં ખાતું પણ નથી ખોલાવી શકી. આ લોકો પોતાને પરાજયનો ગોલ્ડ મેડલ આપતા ફરે છે. હકીકત એ છે કે કૉન્ગ્રેસ પર દેશને હવે બિલકુલ ભરોસો નથી રહ્યો. કૉન્ગ્રેસ પરજીવી પાર્ટી બની ગઈ છે, જે પોતે તો ડૂબે છે અને પોતાની સાથેના પક્ષોને પણ ડુબાવે છે.

 કૉન્ગ્રેસના નેતાઓ ૨૦૧૪થી મંદિરમાં જઈને કે માળા પહેરીને હિન્દુ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમને લાગે છે કે આમ કરવાથી તે BJPના થોડા મત મેળવી શકશે. તેમને આમ કરવામાં સફળતા નથી મળી એટલે હવે આ બંધ કરી દીધું છે. આઝાદીના સમયની અને અત્યારની કૉન્ગ્રેસમાં ફરક છે. આજની કૉન્ગ્રેસ દેશહિતની નહીં, પણ અર્બન નક્સલનું રાજકારણ કરે છે. દેશમાં અરાજકતા ફેલાવવાની ભાષા બોલે છે. દિલ્હીમાં આપ-દાવાળા પણ કૉન્ગ્રેસની આ ભાષા બોલવા લાગ્યા હતા જેને જનતાએ રસ્તો દેખાડી દીધો છે.

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2025 12:55 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK