Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાંથી આપદા ગઈ- કૌન બનેગા દિલ્હી કા મુખ્ય પ્રધાન?

દિલ્હીમાંથી આપદા ગઈ- કૌન બનેગા દિલ્હી કા મુખ્ય પ્રધાન?

Published : 09 February, 2025 07:55 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઐતિહાસિક જીત બાદ હવે પાર્ટી કોને મુખ્ય પ્રધાન બનાવે છે એના પર બધાની નજર છે

નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ

નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ


અરવિંદ કેજરીવાલની પાર્ટી આપને આપદા નામ આપનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીને દેશના પાટનગર દિલ્હીમાં સત્તાસ્થાને લાવવામાં આખરે સફળતા મેળવી : છેલ્લી બે ચૂંટણીમાં વિરોધી પાર્ટીઓનાં સૂપડાં સાફ કરી દેનારી આમ આદમી પાર્ટીનો રથ માત્ર બાવીસ બેઠક પર અટકાવ્યો, ૪૮ સીટ મેળવીને BJPએ ઐતિહાસિક જીત મેળવી : અરવિંદ કેજરીવાલ સહિત આપના ટોચના પાંચ નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો


ઐતિહાસિક જીત બાદ સૌના મોઢે આ સવાલ છે ત્યારે સરપ્રાઇઝ આપવા માટે જાણીતી BJPમાં કોને આ તાજ પહેરાવવામાં આવશે એ કહેવું મુશ્કેલ છે, પણ જે લોકોનાં નામ ચર્ચામાં છે એમાં અરવિંદ કેજરીવાલને હરાવીને જાયન્ટ કિલર બનનારા પ્રવેશ સિંહ વર્માનું નામ સૌથી આગળ છે



દિલ્હી માટે પરસેવો પાડનારામાંથી કોઈને તાજ મળશે કે પછી BJP ફરી આપશે સરપ્રાઇઝ?


દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઐતિહાસિક જીત બાદ હવે પાર્ટી કોને મુખ્ય પ્રધાન બનાવે છે એના પર બધાની નજર છે. આમ તો મહારાષ્ટ્રના અપવાદને બાદ કરતાં મોટા ભાગે BJPની હાઈ કમાન્ડ એવી વ્યકિતને જ CM બનાવતી હોય છે જેના નામની કોઈએ કલ્પના પણ ન કરી હોય. આપણે એનાં ઉદાહરણ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત જેવાં રાજ્યોમાં જોયાં છે. આમ છતાં અત્યારે દિલ્હીમાં મુખ્ય પ્રધાન બનવા માટે પ્રવેશ સિંહ વર્માનું નામ સૌથી આગળ છે. તેઓ નવી દિલ્હી બેઠક પર અરવિંદ કેજરીવાલને હરાવીને જાયન્ટ કિલર બન્યા છે. 
૨૦૨૪માં દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સાહેબ સિંહ વર્માના આ પુત્રને લોકસભાની ટિકિટ નહોતી આપી ત્યારે એવું કહેવાતું હતું કે તેમની પૉલિટિકલ કરીઅર હવે ખતમ થઈ ગઈ છે, પણ પાર્ટીએ વિધાનસભામાં તેમને ચૂંટણી લડવાનું કહ્યું હતું. આ રીતે છેલ્લા બે મહિનામાં જ તેમની પૉલિટિકલ કરીઅરમાં જબરદસ્ત બદલાવ આવ્યો છે.

દિલ્હી BJPના પ્રેસિડન્ટ વીરેન્દ્ર સચદેવા પણ આ રેસમાં છે. તેમણે પાર્ટીને એકજુટ રાખીને ૧૯૯૮ બાદ સત્તા પર લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુષ્મા સ્વરાજનાં દીકરી અને દિલ્હી BJPનાં લીગલ સેલનાં ચીફ તથા સંસદસભ્ય બાંસુરી સ્વરાજનું પણ નામ મુખ્ય પ્રદાનપદ માટે ચર્ચામાં છે. તેમણે પણ દિલ્હી ઇલેક્શનમાં ધુંઆધાર પ્રચાર કરીને પોતાની અલગ છાપ છોડી છે. આ સિવાય એક મહિલા તરીકે પણ પાર્ટી તેમના નામ પર વિચાર કરી શકે છે. જોકે પાર્ટીમાં મહિલા તરીકે સ્મૃતિ ઈરાનીનું પણ નામ બોલાઈ રહ્યું છે. સ્મૃતિ ઈરાની ૨૦૦૪માં ચાંદની ચોકથી લોકસભાની ચૂંટણી લડ્યાં હતાં, પણ કૉન્ગ્રેસના કપિલ સિબલની સામે તેઓ હારી ગયાં હતાં.


ભોજપુરી ઍક્ટર અને સંસદસભ્ય મનોજ તિવારીને પણ ચીફ મિનિસ્ટર બનાવી શકાય છે એવું પાર્ટીના કાર્યકરોનું કહેવું છે. ૨૦૨૪ની ચૂંટણી વખતે પાર્ટીએ દિલ્હીના સાત સંસદસભ્યોમાંથી છની ટિકિટ કાપી હતી, પણ મનોજ તિવારીને જ રિપીટ કર્યા હતા. આમ પણ છેલ્લાં દસ વર્ષથી તેઓ દિલ્હી વિધાનસભામાં BJPની સરકાર બને એ માટે સખત મહેનત કરી રહ્યા છે. દિલ્હીમાં આવીને વસેલા પૂર્વાંચલના લોકોમાં તેઓ ખૂબ જ લોકપ્રિય છે.

રોહિણી બેઠક પરથી સતત જીતતા આવેલા વિજેન્દર ગુપ્તાના નામ પર પણ પાર્ટી મંજૂરીની મહોર મારી શકે છે એવું પાર્ટીના અમુક નેતાનું માનવું છે. ૨૦૧૫ અને ૨૦૨૦માં BJPનાં સૂપડાં સાફ થઈ ગયાં હતાં ત્યારે પણ તેઓ પોતાની આ બેઠક પરથી ચૂંટણી જિત્યા હતા. આ વખતે પણ ૩૭,૮૧૬ મતોથી તેમનો વિજય થયો છે. દિલ્હી BJPના અધ્યક્ષપદે પણ તેઓ રહી ચૂક્યા છે તેમ જ દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની ફરજ પણ તેમણે બજાવી હોવાથી તેમના અનુભવનો પાર્ટીને ફાયદો મળી શકે છે.

જો પાર્ટી દર વખતની જેમ આ વખતે પણ સરપ્રાઇઝ આપવાની હોય તો સતીશ ઉપાધ્યાય, આશિષ સૂદ અને જિતેન્દ્ર મહાજનને પણ રેસમાં ગણી શકાય. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા અને પાર્ટીમાં દિલ્હીના અધ્યક્ષપદે પણ રહી ચૂકેલા સતીશ ઉપાધ્યાય પાર્ટીનો બ્રાહ્મણ ચહેરો છે અને તેમનામાં ઍડ્મિનિસ્ટ્રેશનની બહુ જ સારી આવડત છે. આ સિવાય આશિષ સૂદ પાર્ટીનો પંજાબી ચહેરો છે. તેઓ અત્યારે પાર્ટીના ગોવાના ઇન-ચાર્જ અને જમ્મુ ઍન્ડ કાશ્મીરના કો ઇન-ચાર્જ છે. સેન્ટ્રલ લીડરશિપ સાથે તેમને બહુ જ સારું ટ્યુનિંગ છે, જ્યારે જિતેન્દ્ર મહાજનની ઓળખ RSSના માણસ તરીકેની છે. ત્રીજી વાર વિધાનસભ્ય બનેલા જિતેન્દ્ર મહાજન વૈશ્ય સમાજમાંથી છે.  

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2025 07:55 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK