સનાતન ધર્મ વિશે ઉદયનિધિ સ્ટૅલિનના સ્ટેટમેન્ટને લઈને સર્જાયેલા વિવાદમાં પ્રધાનોને વડા પ્રધાને આપી આવી સલાહ, સાથે જ તેમણે ભારત વર્સસ ઇન્ડિયાના મુદ્દે સંભાળીને બોલવાની પણ સલાહ આપી
ફાઇલ તસવીર
તામિલનાડુના પ્રધાન તેમ જ મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિનના દીકરા ઉદયનિધિ સ્ટૅલિને સનાતન ધર્મની ડેન્ગી અને મલેરિયા જેવી બીમારીઓની સાથે સરખામણી કરીને એને ખલાસ કરવાની વાત કહી હતી. આ મામલે ખૂબ હંગામો થયો છે અને હવે આગામી સમયમાં વધુ વિવાદ થાય એવી શક્યતા જણાઈ રહી છે, કેમ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કૅબિનેટ મીટિંગ દરમ્યાન કેન્દ્રીય પ્રધાનોને મેસેજ આપ્યો હતો કે તેઓ સનાતન ધર્મ પરના આ વિવાદમાં તર્કની સાથે વાત કરે. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે પ્રધાનો ભારત અને ઇન્ડિયાની ચર્ચાના બદલે સનાતન ધર્મવાળા વિવાદ પર વધારે વાત કરે.
તેમણે પ્રધાનોને જણાવ્યું હતું કે સનાતન ધર્મ પર વિરોધ પક્ષો તરફથી કરવામાં આવતા હુમલાનો સંપૂર્ણ તર્કની સાથે જોરદાર જવાબ આપવામાં આવે, જેના માટે રિસર્ચ કરો અને યોગ્ય હકીકતોની સાથે વિરોધ પક્ષોને જડબાતોડ જવાબ આપો.
ADVERTISEMENT
એનો અર્થ સ્પષ્ટ છે કે ઉદયનિધિ સ્ટૅલિનના સ્ટેટમેન્ટ અને એના પછી કૉન્ગ્રેસ, આમ આદમી પાર્ટી, આરજેડી જેવી પાર્ટીઓના લીડર્સનાં સ્ટેટમેન્ટ્સને બીજેપી મુદ્દો બનાવવા માટે તૈયાર છે.
બીજેપીના સોર્સિસે જણાવ્યું છે કે પાર્ટી ૨૦૨૪માં એને મુદ્દો બનાવવાની કોશિશ કરશે. જ્યારે શ્રીરામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે ત્યારે આ પ્રકારનો મુદ્દો બીજેપીને આપી દેવો એ વિરોધ પક્ષોની એક વ્યૂહાત્મક ભૂલ હોઈ શકે છે.
વડા પ્રધાને પ્રધાનોને જણાવ્યું છે કે ‘ઇતિહાસમાં ન જાઓ અને બંધારણની મર્યાદામાં રહીને હકીકતોની વાત કરો. આ મામલે અત્યારની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ બોલવું જોઈએ.’ બંધારણની મર્યાદામાં રહીને બોલવાની તેમની સલાહનો અર્થ એ પણ છે કે બીજા કોઈ ધર્મ વિશે કોઈ કમેન્ટ ન કરો. એના બદલે વિરોધ પક્ષોને સનાતન પર જ જવાબ આપો.
ભારત વર્સસ ઇન્ડિયા વિવાદ માટે પણ સલાહ
પીએમ મોદીએ ભારત વર્સસ ઇન્ડિયાના મુદ્દે પણ સંભાળીને બોલવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું છે કે આ મામલે ઑફિશ્યલ પ્રવક્તા કે પછી પાર્ટી જેમને જવાબદારી આપે તે લોકો જ પોતાની વાત રજૂ કરે. દરેક જણ આ મામલે સમજ્યા વિચાર્યા વિના ન બોલે.
દક્ષિણથી ગાજ્યો મુદ્દો, આખા દેશના રાજકારણની દિશા નક્કી કરશે ?
સનાતનના મુદ્દે બીજેપી વધુ આક્રમક બની શકે છે. સાઉથ ભારતના એક ખૂણામાંથી આ મુદ્દો ઊઠ્યો, પરંતુ આગામી સમયમાં એના દ્વારા સમગ્ર ભારતની રાજકારણની દિશા બદલવા બીજેપી દ્વારા કોશિશ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં બીજેપી પોતાની જાતને સનાતન ધર્મની રક્ષક તરીકે રજૂ કરવાની કોશિશ કરશે.

