આંદોલનકારીઓ સામે કોઈ પણ પ્રકારની પોલીસ-કાર્યવાહી નહીં થાય એવા વચનનો સરકાર ભંગ કરી રહી છે એમ કહીને કૉક્રૉચ જનતા પાર્ટીની ચેતવણી
ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં (ડાબેથી) કપિલ સિબલ તથા કૉક્રૉચ જનતા પાર્ટીના સૌરવ દાસ અને આશુતોષ રાંકા.
વિદ્યાર્થી આંદોલનકારીઓ સામે થઈ રહેલી પોલીસ-કાર્યવાહીને પગલે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) અને સરકાર વચ્ચેનો વિવાદ ફરી વકર્યો છે. CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ સરકાર પર અગાઉ થયેલી સમજૂતીનો ભંગ કરવાનો ગંભીર આરોપ મૂકતાં ચીમકી આપી છે કે જો ધરપકડ કરાયેલા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે અને કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો તેઓ ફરી ધરણાં અને વિરોધ-પ્રદર્શન કરવા મજબૂર બનશે.
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર કેન્દ્રીય પ્રધાનોને ટૅગ કરીને લખેલી એક પોસ્ટમાં આશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે ‘આંદોલનકારીઓ સામે કોઈ પણ પ્રકારની પોલીસ-કાર્યવાહી ન કરવા વિશે સરકાર સાથે જે સમંતિ થઈ હતી એનો સંપૂર્ણપણે ભંગ થઈ રહ્યો છે. બિહાર અને પશ્ચિમ બંગાળમાં સેંકડો વિદ્યાર્થીઓની અટકાયત અને ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવી રહી છે અને તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પ્રદર્શનકારીઓને તબીબી કે લૉજિસ્ટિક્સ સેવાઓ પૂરી પાડતા સ્વયંસેવકોની પણ દિલ્હીમાં અટકાયત કરવામાં આવી રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે.’
ADVERTISEMENT
પાર્ટી તરફથી સરકાર સમક્ષ સ્પષ્ટ માગણી મૂકવામાં આવી છે કે દિલ્હી પોલીસ કેન્દ્રીય તપાસ એજન્સીઓ તથા BJPશાસિત રાજ્યોની પોલીસ દ્વારા નોંધાયેલા તમામ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) તરત રદ કરવામાં આવે અને ભવિષ્યમાં પણ આવી કોઈ કાર્યવાહી ન થાય. CJPએ એવી પણ માગણી કરી છે કે આ કાનૂની બાબતો વિશે થયેલી લેખિત સમજૂતી અને એની નિર્ધારિત સમયમર્યાદા વિશેની વિગતો આવતી કાલ (આજ) સુધીમાં તેમની સાથે શૅર કરવામાં આવે. જો સરકાર પોતાની વાત પર અમલ કરવામાં નિષ્ફળ જશે તો દેશવ્યાપી વિરોધ-પ્રદર્શન ફરી શરૂ કરવાની ચેતવણી આપવામાં આવી છે.
આંદોલનકારીઓના લીગલ ફન્ડમાં એક કરોડ રૂપિયા આપશે કપિલ સિબલ : દેશભરના વકીલોનું નેટવર્ક ઊભું કરવામાં આવશે
રાજ્યસભાના અપક્ષ સંસદસભ્ય અને દેશના વરિષ્ઠ ઍડ્વોકેટ કપિલ સિબલે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે તેઓ કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) દ્વારા સ્થાપવામાં આવી રહેલા કાયદાકીય સંરક્ષણ ભંડોળ (લીગલ ડિફેન્સ ફન્ડ)માં વ્યક્તિગત રીતે એક કરોડ રૂપિયાનું યોગદાન આપશે. આ ભંડોળનો ઉપયોગ વિરોધ-પ્રદર્શનો દરમ્યાન પોલીસ-કાર્યવાહી અને ખોટા કાનૂની કેસોનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ તથા આંદોલનકારીઓને મફત કાયદાકીય સહાય પૂરી પાડવા માટે કરવામાં આવશે.
CJP દ્વારા યોજાયેલી એક પત્રકાર-પરિષદને સંબોધતાં કપિલ સિબલે સ્પષ્ટ કર્યું હતું કે ‘આ ફન્ડ અને એમાં એકઠો થનારો એક-એક રૂપિયો માત્ર ને માત્ર આંદોલનકારીઓના રક્ષણ માટે જ વપરાશે. એનો ઉપયોગ કઈ રીતે કરવો એ સંપૂર્ણપણે CJPની જવાબદારી રહેશે. મની-મૅનેજમેન્ટમાં મારી કોઈ સીધી ભૂમિકા રહેશે નહીં.’
કપિલ સિબલે દેશના અન્ય વકીલો અને નાગરિકોને પણ આ લીગલ ફન્ડમાં પોતપોતાનું યોગદાન આપવાની અપીલ કરી હતી.
આ કાયદાકીય પહેલ વિશે વધુ વિગતો આપતાં કપિલ સિબલે જણાવ્યું હતું કે ‘CJP એક સમર્પિત પોર્ટલ/વેબસાઇટ લૉન્ચ કરવા જઈ રહી છે. આ ડિજિટલ પ્લૅટફૉર્મ પર દેશભરમાંથી કાનૂની મુશ્કેલીઓ કે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)નો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ મદદ માગી શકશે. સાથોસાથ દેશના કોઈ પણ ખૂણેથી પ્રદર્શનકારીઓનો કેસ લડવા ઇચ્છતા વકીલો પણ આ પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે.’
ઉલ્લેખનીય છે કે NEET-UG પેપર-લીક મામલે દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં થયેલાં પ્રદર્શનો દરમ્યાન વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા અતિશય બળપ્રયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કપિલ સિબલે અગાઉ પણ પોલીસની આ કાર્યવાહીની આકરી ટીકા કરી હતી અને બંધારણીય મર્યાદામાં રહીને શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારા દરેક નાગરિકને કાયદાકીય રક્ષણ મળવું જોઈએ એવી રજૂઆત કરી હતી. આ પોર્ટલ ક્યારથી સક્રિય થશે એની અધિકૃત તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
