૭ કિલોમીટર સુધી કારનો પીછો કરવામાં આવ્યો, પછી એકદમ નજીકથી ગોળી મારવામાં આવી; બે ગોળી છાતીની આરપાર નીકળી ગઈ, એક પેટમાં વાગી
ચંદ્રનાથ રથ.
પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારીના પર્સનલ અસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યા કરનારા ગુનેગારોની કારનો નંબર બનાવટી, બાઇક પર નંબરપ્લેટ જ નહોતી
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી ચાલી રહેલી હિંસાની એક ઘટનામાં BJPના નેતા અને મુખ્ય પ્રધાન મમતા બૅનરજીને તેમના જ ગઢ ભવાનીપુરમાં પરાજિત કરનાર ફાયરબ્રૅન્ડ સુવેન્દુ અધિકારીના પર્સનલ અસિસ્ટન્ટ (PA) ૪૨ વર્ષના ચંદ્રનાથ રથની નૉર્થ ૨૪ પરગણાના મધ્યમગ્રામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બુધવારની રાતે ૧૦.૩૦થી ૧૧ વાગ્યા વચ્ચે આ ઘટના બની હતી અને એ વખતે ચંદ્રનાથ કલકત્તાથી પોતાની સ્કૉર્પિયોમાં ઘરે પાછા જઈ રહ્યા હતા. હુમલાખોરોએ કારનો ૭ કિલોમીટર સુધી પીછો કર્યો હતો અને પછી એકદમ નજીકથી ગોળીઓ છોડી હતી. બે ગોળી છાતીની આરપાર નીકળી ગઈ, એક ગોળી પેટમાં વાગી હતી. તેમને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પણ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ADVERTISEMENT
કેવી રીતે હત્યા કરવામાં આવી?
કલકત્તાથી લગભગ ૨૦ કિલોમીટર દૂર દોલતલા અને મધ્યમગ્રામ વચ્ચે પાછળથી એક કાર આવી અને એણે સ્કૉર્પિયોને અટકાવી હતી. ચંદ્રનાથ રથ ડ્રાઇવરની બાજુમાં બેઠા હતા અને તેમની સાથે ડ્રાઇવર સહિત અન્ય બે જણ પણ હતા. એક હુમલાખોર મોટરસાઇકલ પર આવ્યો હતો અને સ્કૉર્પિયોની ડાબી બાજુએથી છથી ૧૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું. બે ગોળી ચંદ્રનાથની છાતીને વીંધીને નીકળી ગઈ અને બાકીની ગોળી તેમના પેટમાં વાગી હતી. તેમના ડ્રાઇવર બુદ્ધદેવ બેરાને પણ ગોળી વાગી હતી. ઘટના પછી હુમલાખોરો કાર છોડીને બાઇક પર ભાગી ગયા હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ ચંદ્રનાથને મૃત જાહેર કર્યા હતા. ડ્રાઇવરની સારવાર ચાલી રહી છે.
ઑસ્ટ્રિયન પિસ્તોલનો ઉપયોગ
ફૉરેન્સિક તપાસની પ્રારંભિક જાણકારી મુજબ હુમલાખોરોએ ઑસ્ટ્રિયામાં બનેલી ગ્લૉક 47X પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. સામાન્ય ગુનેગારો આવા આધુનિક હથિયારનો ઉપયોગ કરતા નથી. બાઇક પર સવાર હુમલાખોરે હેલ્મેટ પહેરી હતી અને બાઇક પર નંબરપ્લેટ નહોતી. પોલીસે સ્કૉર્પિયોનો રસ્તો રોકનાર કાર ઘટનાસ્થળેથી જપ્ત કરી છે. જોકે એ વાહન પરની નંબરપ્લેટ નકલી હોવાનું બહાર આવ્યું છે.
પાંચ જણની હત્યા
ચંદ્રનાથ રથ પર ગોળીબાર થયાના લગભગ એક કલાક પછી બશીરહાટ જિલ્લામાં રોહિત રૉય નામના BJPના કાર્યકરને રાતે ૧૨.૩૦ વાગ્યે ગોળી મારવામાં આવી હતી. તેની હાલત ગંભીર છે. ચૂંટણીનાં પરિણામ આવ્યા પછી રાજ્યમાં પાંચ જણની હત્યા કરવામાં આવી છે. એમાંથી ત્રણ BJP સાથે અને બે તૃણમૂલ કૉન્ગ્રેસ સાથે સંકળાયેલા હતા.
સુનિયોજિત હત્યાઃ સુવેન્દુ અધિકારી
સુવેન્દુ અધિકારીએ PAની હત્યાને સુનિયોજિત ગણાવી હતી. તેમણે પાર્ટીના કાર્યકરોને શાંતિ જાળવવાની અપીલ કરતાં કહ્યું હતું કે ‘આ હત્યા ૨-૩ દિવસ નજર રાખવામાં આવ્યા પછી થઈ હતી. હિંસામાં સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેટલાંક અસામાજિક તત્ત્વો હજી પણ સક્રિય છે. એક વાર BJP સરકાર બનાવશે પછી BJP બંગાળને ગુંડાઓથી સાફ કરવાનું કામ શરૂ કરશે. પછી ભલે એ કોઈ પણ પક્ષ સાથે જોડાયેલો હોય, દરેક ગુનેગાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ BJPનો નેતા કે કાર્યકર હિંસા ભડકાવતો જોવા મળશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.’
ભવાનીપુરમાં મમતાની હારનો બદલો લેવા માટે મારા દીકરાની હત્યા કરવામાં આવી : ચંદ્રનાથ રથની માતાનો આરોપ
ચંદ્રનાથ રથના મૃત્યુથી તેમનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. તેમનાં માતા હસી રથે કહ્યું હતું કે ‘મારા પુત્રની હત્યા ભવાનીપુરમાં મમતા બૅનરજીની હારને કારણે કરવામાં આવી છે. મારા પુત્રને ભવાનીપુર અને નંદીગ્રામ બેઠકો માટે ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી એથી તેને નિશાન બનાવવામાં આવ્યો હતો. મને ફક્ત ન્યાય જોઈએ છે. હું એક માતા છું એથી હું બીજા કોઈ માટે મૃત્યુદંડ માગતી નથી, પરંતુ આરોપીઓને આજીવન કેદની સજા થવી જોઈએ. અમારા પ્રદેશપ્રમુખ અને અન્ય નેતાઓ સતત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હાકલ કરી રહ્યા છે, પરંતુ તૃણમૂલ કૉન્ગ્રેસના નેતાઓ ભડકાઉ નિવેદન આપી રહ્યા છે. તેઓ કહી રહ્યા હતા કે ૪ મે પછી તમારા દિલ્હીના પિતા પણ તમને બચાવી શકશે નહીં. તેમણે એમ જ કર્યું છે. જો મારા પુત્રનું રોડ-અકસ્માતમાં મૃત્યુ થયું હોત તો મેં એને આ રીતે જોયું ન હોત.’ ચંદ્રનાથ રથના નાના ભાઈ દેવ કુમારે કહ્યું હતું કે ‘અમે છેલ્લે બુધવારે બપોરે અમારા ભાઈને મળ્યા હતા. તેની કોઈ સાથે કોઈ દુશ્મની નહોતી. જેણે પણ આ કાવતરું ઘડ્યું છે તેને કડક સજા થવી જોઈએ.’
ત્રણની અટકાયત
આ કેસમાં પોલીસે ત્રણ શકમંદોને અટકાયતમાં લીધા છે. પોલીસે દાવો કર્યો હતો કે હુમલાખોરોની બાઇક પણ મળી આવી છે.
૨૦૧૩માં પણ સુવેન્દુના પર્સનલ અસિસ્ટન્ટનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું
પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારીના પર્સનલ અસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યા પહેલેથી પ્લાન કરીને કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે આ પહેલાં પણ સુવેન્દુ અધિકારીના પર્સનલ અસિસ્ટન્ટ સાથે આવું થઈ ચૂક્યું છે. ૨૦૧૩માં સુવેન્દુ અધિકારીના પર્સનલ અસિસ્ટન્ટ પ્રદીપ ઝા હતા અને એ વખતે તેમની લાશ કલકત્તાના રોડ પર રઝળતી મળી આવી હતી. બન્નેનાં મૃત્યુ વચ્ચે સમાનતાની કડી છે સુવેન્દુ અધિકારી.
૨૦૧૩ની ૩ ઑગસ્ટે પ્રદીપ ઝા એ સમયે તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્ય સુવેન્દુ અધિકારીના પર્સનલ અસિસ્ટન્ટ અને પૉલિટિકલ સેક્રેટરી હતા. કલકત્તાના સ્ટ્રેન્ડ રોડ પર એક રહસ્યમયી ઘટનામાં તેઓ મૃત્યુ પામ્યા હતા. ૪૨ વર્ષના પ્રદીપ ઝા બારાસાતમાં રહેતા હતા અને સુવેન્દુ અધિકારી સહિત TMCના સંસદસભ્યોના સેક્રેટરી તરીકે કામ કરી ચૂક્યા હતા. તેઓ રોડ પર બેહોશ થઈ ગયા હતા. નવાઈની વાત એ છે કે ફુટપાથ પર રહેતા લોકો પણ એ કહી નહોતા શક્યા કે તેઓ ક્યારે અને કઈ રીતે ફુટપાથ પર પહોંચ્યા હતા. તેમના શરીર પર ઈજાનાં કોઈ નિશાન નહોતાં. ઑટોપ્સીમાં ખબર પડી હતી કે દારૂ પીધા પછી શ્વાસ રૂંધાવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ મૃત્યુની સાચી હકીકત એ પછી કદી બહાર નહોતી આવી.
૨૦૧૮માં પણ સુવેન્દુ અધિકારીના બૉડીગાર્ડ તરીકે ૭ વર્ષથી વધુ સમયથી કામ કરતા સુભવ્રત ચક્રવર્તીનું પણ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. રાજ્યના સશસ્ત્ર પોલીસદળમાં ફરજ બજાવી ચૂકેલા સુભવ્રત કાંથીમાં એક પોલીસની બૅરેકમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ચક્રવર્તીના મોતને શરૂઆતમાં સુસાઇડ ગણવામાં આવ્યું હતું.
ઍરફોર્સમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ સુવેન્દુના સાથી બન્યા
ઇન્ડિયન ઍરફોર્સમાં બે દાયકા સર્વિસ કર્યા બાદ ચંદ્રનાથ રથ સુવેન્દુ અધિકારીના સૌથી વિશ્વસનીય રાજકીય સાથીઓમાંના એક હતા. ચંદ્રનાથ રથ મૂળ પૂર્વ મેદિનીપુર જિલ્લાના ચાંદપુરના વતની હતા. સુવેન્દુ અધિકારીનું આ રાજકીય કાર્યક્ષેત્ર છે. શાંત અને સંયમિત ચંદ્રનાથ રથ વર્ષો સુધી સુવેન્દુ અધિકારીના નજીકના વર્તુળનો ભાગ હોવા છતાં મોટા ભાગે ગ્રાઉન્ડવર્કમાં રોકાયેલા રહ્યા હતા. તેમના વિદ્યાર્થીકાળ દરમ્યાન રામકૃષ્ણ મિશનના સિદ્ધાંતોથી ખૂબ પ્રભાવિત હતા. ઍરફોર્સમાંથી જલદી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી તેમણે કૉર્પોરેટ ક્ષેત્રમાં થોડા સમય માટે કામ કર્યું. ત્યાર બાદ તેઓ રાજકીય સંકલન અને વહીવટી જવાબદારીઓમાં આગળ વધ્યા. ચંદ્રનાથ રથ સત્તાવાર રીતે ૨૦૧૯ની આસપાસ સુવેન્દુ અધિકારીની ટીમમાં જોડાયા હતા, એ વખતે સુવેન્દુ અધિકારી મમતા બૅનરજી સરકારમાં પ્રધાન હતા. સુવેન્દુ અધિકારીના પરિવારની જેમ તેમનો પરિવાર પણ અગાઉ તૃણમૂલ કૉન્ગ્રેસ સાથે સંકળાયેલો હતો. તેમનાં માતા તૃણમૂલ કૉન્ગ્રેસના કાર્યકાળ દરમ્યાન પૂર્વ મેદિનીપુરમાં સ્થાનિક પંચાયત સંસ્થામાં પદ સંભાળતાં હતાં. ત્યાર બાદ તેઓ ૨૦૨૦માં સુવેન્દુ અધિકારી સાથે BJPમાં જોડાયા હતા.
તૃણમૂલ કૉન્ગ્રેસે CBI તપાસની માગણી કરી
તૃણમૂલ કૉન્ગ્રેસે આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસની માગણી કરી હતી. આ હત્યામાં પોતાના પક્ષના કાર્યકરો સંડોવાયેલા હોવાના આરોપોને નકારી કાઢ્યા હતા. પાર્ટીએ બુધવારે મોડી રાતે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે ‘અમે મધ્યમગ્રામમાં ચંદ્રનાથ રથની ક્રૂર હત્યાની નિંદા કરીએ છીએ. અમે કોર્ટની દેખરેખ હેઠળ CBI તપાસ સહિત આ મામલે શક્ય એટલી કડક કાર્યવાહીની માગણી કરીએ છીએ.’
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનાં પરિણામ પછી નૉન-સ્ટૉપ હિંસક તોફાનો ચાલુ- હાવડાના શિવપુરમાં ફાટ્યા ૭ દેશી બૉમ્બ, ૨૪ પરગણા જિલ્લાના પાનીહાટીમાં દેશી બૉમ્બના ધડાકામાં BJPના પાંચ કાર્યકરો ઘાયલ
પશ્ચિમ બંગાળની વિધાનસભાનાં રિઝલ્ટ પછી આખા રાજ્યમાં ઠેર-ઠેર હિંસક ઘટનાઓ બનતી રહી છે. બુધવારે રાતે ૨૪ પરગણા જિલ્લાના પાનીહાટીમાં દેશી બૉમ્બ ફાટ્યો હતો. જ્યાં આ ઘટના બની ત્યાં નવાં ચૂંટાયેલાં BJPનાં વિધાનસભ્ય રત્ના દેવનાથનું ઘર હતું. આ ઘટનામાં BJPના પાંચ કાર્યકરો ઘાયલ થયા હતા.
ગુરુવારે હાવડાના શિવપુરમાં સ્લમ વિસ્તાર પાસે દેશી બૉમ્બના ધડાકા થયા હતા. એક પછી એક થયેલા ૭ બૉમ્બધડાકાને કારણે આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. કહેવાય છે કે આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ધડાકા BJP માઇનૉરિટી સેલના નેતા મનોજ ખાનને નિશાન બનાવવા માટે થયા હતા. આસપાસની દુકાનોમાં પણ કેટલાંક તોફાની તત્ત્વોએ તોડફોડ કરી હતી અને હવામાં ગોળીબાર કર્યો હતો.
