લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ૧ આૅક્ટોબર ૨૦૨૬થી; બાકીના દેશમાં ૧ માર્ચ ૨૦૨૭થી
પ્રતીકાત્મક તસવીર
દેશમાં વસ્તીગણતરી ક્યારથી શરૂ થશે એ પ્રતીક્ષા પૂરી થઈ છે અને ગૃહમંત્રાલયે ગઈ કાલે આ મુદ્દે સત્તાવાર જાહેરનામું જાહેર કર્યું છે. આ વખતે દેશમાં બે તબક્કામાં વસ્તીગણતરી હાથ ધરવામાં આવશે. જન સંખ્યા સાથે જાતિગત ગણતરી પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે ઉચ્ચ સ્તરીય બેઠકનું નેતૃત્વ કર્યું હતું, જેમાં ગૃહ સચિવ ગોવિંદ મોહન અને ભારતના રજિસ્ટ્રાર જનરલ મૃત્યુંજય કુમાર નારાયણ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રશાસિત પ્રદેશો લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર તેમ જ બે રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા ઠંડા અને બર્ફીલા વિસ્તારોમાં ૧ ઑક્ટોબર ૨૦૨૬થી વસ્તીગણતરી શરૂ થશે. આ વિસ્તારોમાં વાતાવરણને ધ્યાનમાં લઈને છ મહિના પહેલાં ગણતરી હાથ ધરાશે.
ADVERTISEMENT
દેશના બાકીના ભાગમાં વસ્તીગણતરીની કાર્યવાહી ૧ માર્ચ, ૨૦૨૭થી શરૂ થશે. વસ્તીગણતરીનો પ્રાથમિક ડેટા માર્ચ ૨૦૨૭માં પ્રસિદ્ધ કરવામાં આવશે. સંપૂર્ણ ડેટા પ્રસિદ્ધ થતાં ૨૦૨૭ના અંત સુધી રાહ જોવી પડશે. વસ્તીગણતરીની સંપૂર્ણ કાર્યવાહી ૨૧ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. ૨૦૨૭ની ૧ માર્ચની મધ્યરાત્રિ સુધીની લોકસંખ્યા અને સામાજિક પરિસ્થિતિનો ડેટા એમાં રેકૉર્ડ કરવામાં આવશે.
વસ્તીગણતરીનું જાણવા જેવું
બે તબક્કામાં કામગીરી
વસ્તીગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ ઑપરેશન (HLO) હાથ ધરાશે; જેમાં દરેક ઘરની રહેણાક સ્થિતિ, સંપત્તિ અને સુવિધાઓની વિગતો એકત્રિત કરવામાં આવશે. આ પછી બીજા તબક્કામાં પૉપ્યુલેશન એસ્ટિમેટ (PE)માં દરેક ઘરની દરેક વ્યક્તિની વસ્તીવિષયક, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને અન્ય વિગતો લેવામાં આવશે.
૩૫ લાખ કર્મચારી
આ વસ્તીગણતરીના કાર્ય માટે ૩૪ લાખ કર્મચારીઓ અને સુપરવાઇઝરો તેમ જ ૧.૩૦ લાખ વસ્તીગણતરી અધિકારીઓને તહેનાત કરવામાં આવશે.
મોબાઇલ ઍપ દ્વારા થશે
વસ્તીગણતરી મોબાઇલ ઍપ્લિકેશન વાપરીને ડિજિટલ માધ્યમથી થશે.
૧૬મી વસ્તીગણતરી
ભારતમાં ૧૮૭૨થી વસ્તીગણતરી થાય છે, આ ૧૬મી વસ્તીગણતરી થશે. સ્વતંત્રતા બાદની આ આઠમી વસ્તીગણતરી છે.
પહેલી વાર જાતિગત વસ્તીગણતરી
આપણા દેશમાં પહેલી વાર જાતિગત વસ્તીગણતરી કરવામાં આવશે. આ માટે વસ્તીગણતરી ટેબલમાં જાતિની વિગતોનું નવું ખાનું તૈયાર કરવામાં આવશે.
2011
આ વર્ષમાં છેલ્લી વાર વસ્તીગણ તરી થઈ હતી.
2021
આ વર્ષે વસ્તીગણતરી થવાની હતી, પણ કોવિડ-19ને કારણે એ મોકૂફ રાખવામાં આવી હતી.

