અમિત શાહે કહ્યું કે લગભગ ૧૦૦૦ DNA ટેસ્ટ કરવી પડશે, આ પ્રક્રિયા પછી જ મૃતદેહો સોંપાશે
DNA ટેસ્ટ માટે સ્વજનોનાં બ્લ્ડ-સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં.
ઍરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ પ્લેન ક્રૅશ થતાં બિલ્ડિંગમાં ધડાકા સાથે ટકરાતાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. એમાં મૃત્યુ પામેલા લોકોની બૉડી એ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી કે તેમની ઓળખ માત્ર ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) સૅમ્પલથી થઈ શકે એમ હતું. આથી મોડી સાંજથી DNA સૅમ્પલ લેવાનાં શરૂ કરવામાં આવ્યાં હતાં.
સિવિલ હૉસ્પિટલ કૅમ્પસમાં આવેલા કસોટીભવન ખાતે પરિવારજનોના સભ્યો પૈકી માતા-પિતા, ભાઈ-બહેનનાં લોહીનાં સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં અને એને DNA ટેસ્ટ માટે ગાંધીનગરમાં આવેલી ફૉરેન્સિક લૅબમાં મોકલવામાં આવશે. પ્લેન-ક્રૅશ દુર્ઘટનામાંથી મળી આવેલી ડેડ-બૉડીની પણ DNA ટેસ્ટ કરવામાં આવી રહી છે. ગઈ કાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઘટનાસ્થળની મુલાકાત લીધા પછી કહ્યું હતું કે ‘યાત્રિકોના પરિવારજનોના ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) લેવાની કામગીરી લગભગ પૂરી થઈ ગઈ છે. લગભગ ૧૦૦૦ DNA ટેસ્ટ કરવા પડશે. નૅશનલ ફૉરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મદદથી બહુ ઝડપથી ટેસ્ટની પ્રક્રિયા પૂરી કરાશે. DNA ટેસ્ટ થયા બાદ જ પરિવારજનોને મૃતદેહ આપવામાં આવશે.’ વિજય રુપાણીના DNA ટેસ્ટ માટે તેમનાં અમદાવાદમાં રહેતા બહેનનું તેમના ઘરેથી બ્લડ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યું હતું.

