ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો માટેના બાય-ઇલેક્શનની જાહેરાત
પ્રતીકાત્મક તસવીર
ચૂંટણીપંચે ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. પેટાચૂંટણી માટે મતદાનની તારીખ ૧૯ જૂન નક્કી કરવામાં આવી છે. પરિણામો ૨૩ જૂને આવશે. ભારતના ચૂંટણીપંચે ગુજરાત, કેરલા, પંજાબ અને પશ્ચિમ બંગાળની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની તારીખ જાહેર કરી છે. રાજીનામાં અથવા અવસાનને કારણે પાંચેય બેઠકો ખાલી પડી હતી. જે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે એમાં ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. એવી જ રીતે કેરલાની નિલામ્બુર, પંજાબની લુધિયાણા અને પશ્ચિમ બંગાળની કાલીગંજ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીઓ યોજાવાની છે.
ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર જે પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે એ માટેનું જાહેરનામું આજે એટલે કે ૨૬ મેએ બહાર પડશે. નામાંકન માટેની છેલ્લી તારીખ બીજી જૂન છે. ત્રીજી જૂને નામાંકન પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારોને પાંચ જૂન સુધી પોતાનાં નામ પાછાં ખેંચવાની તક મળશે. આ બેઠકો પરની તમામ ચૂંટણી-પ્રક્રિયાઓ પચીસ જૂન પહેલાં પૂર્ણ કરવાની રહેશે.


