ગુરુ નાનકની ૫૫૭મી જન્મજયંતી પ્રકાશ પર્વ પર થઈ જાહેરાત : અકાલી દળ મોટા ભાઈની ભૂમિકામાં, સત્તા મળે તો તેમનો મુખ્ય પ્રધાન બનશે.
ગઈ કાલે દિલ્હીમાં અમિત શાહ, નીતિન નબીન અને સુખબીર સિંહ બાદલે પંજાબની આગામી ચૂંટણી માટેનું ગઠબંધન જાહેર કર્યું હતું
પંજાબમાં ૨૦૨૭માં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિરોમણિ અકાલી દળ (SAD) ફરી એક વાર સાથે આવ્યાં છે અને ગઠબંધનની જાહેરાત કરી છે. બન્ને પક્ષો ચૂંટણીમાં સાથે મળીને મેદાનમાં ઊતરશે. આ સાથે જ આ બેઉ પક્ષોએ લગભગ ૨૪ વર્ષ સુધી ચાલેલી રાજકીય ભાગીદારીને પુનર્જીવિત કરી છે. આ જાહેરાત ગુરુ નાનક જયંતી પ્રકાશ પર્વના અવસરે કરવામાં આવી હતી, જે ગુરુ નાનક દેવની ૫૫૭મી જન્મજયંતી છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, BJPના પ્રમુખ નીતિન નબીન અને શિરોમણિ અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે નવી દિલ્હીમાં BJPના મુખ્યાલય ખાતે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. અમિત શાહે જાહેરાત કરી કે અકાલી દળ મોટા ભાઈની ભૂમિકા ભજવશે, પંજાબના આગામી મુખ્ય પ્રધાન અકાલી દળના હશે, આ ગઠબંધનનો ઉદ્દેશ્ય પંજાબને ડ્રગ્સમુક્ત બનાવવાનો છે, આ ગઠબંધનના કારણે પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)નો સફાયો નિશ્ચિત છે.
ADVERTISEMENT
BJP અને SAD વચ્ચે ૧૯૯૬થી ગઠબંધન હતું અને બન્ને પક્ષોએ પંજાબમાં ૨૦૦૭ અને ૨૦૧૨માં સાથે મળીને સરકાર બનાવી હતી, પણ ૨૦૨૦ના સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં SAD નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)માંથી બહાર નીકળ્યા બાદ આ ગઠબંધન તૂટી ગયું હતું. હરસિમરત કૌર બાદલે કૃષિકાયદાના વિરોધમાં કેન્દ્રીય પ્રધાનપદેથી પણ રાજીનામું આપી દીધું હતું. જોકે ફરી ગઠબંધન થતાં ૬ વર્ષના વિરામનો અંત આવ્યો છે.
આ ગઠબંધનનો ઉદ્દેશ્ય પંજાબની શાસક આમ આદમી પાર્ટી (AAP)ને પડકારવાનો છે. બન્ને પક્ષો મુખ્યત્વે ડ્રગ્સનો દુરુપયોગ (ડ્રગ્સ હેરફેર), ભ્રષ્ટાચાર, અધૂરા-ચૂંટણીવચનો અને આર્થિક વિકાસ જેવા મુદ્દાઓ પર ચૂંટણી લડશે. પંજાબના રાજકારણમાં અકાલી દળની ગ્રામીણ અને સિખ મતદારોમાં મજબૂત પકડ છે, જ્યારે BJPનો પરંપરાગત આધાર શહેરી વિસ્તારોમાં રહ્યો છે જેના કારણે બન્ને પક્ષો એકબીજાની વોટ બૅન્ક મેળવવાનો પ્રયાસ કરશે.
2029ના અંત સુધીમાં ડ્રગ્સમુક્ત પંજાબ
અમિત શાહે જાહેરાત કરી હતી કે અમારો ઉદ્દેશ્ય પંજાબને ડ્રગ્સ અને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાનો છે, ૩૧ ડિસેમ્બર ૨૦૨૯ સુધીમાં પંજાબને ડ્રગ્સ મુક્ત બનાવીને રહીશું.
