દિવાળી જેવી ઉજવણી કરવાનું આયોજન, ચાર તબક્કામાં સમગ્ર કાર્યક્રમ પાર પાડવામાં આવશે

રામમંદિરનું પુરજોશમાં ચાલી રહેલું નિર્માણકાર્ય
આગામી ૨૦૨૪ની બાવીસમી જાન્યુઆરીએ બપોરે ૧૨.૨૦ વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે. આ સમગ્ર કાર્યક્રમ પવિત્ર અભિજિત મુહૂર્તમાં પાર પાડવામાં આવશે. ભક્તોને ત્યાર બાદ મંદિરમાં પ્રવેશ અપાશે. રવિવારે સાકેત નીલયમમાં સંઘ પરિવાર દ્વારા તૈયારીની એક સમીક્ષા-બેઠક દરમ્યાન આ નિર્ણય લેવાયો હતો, જેમાં ચાર તબક્કામાં વિવિધ ઉજવણીનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. પહેલા તબક્કામાં ૨૦ ડિસેમ્બર સુધી પ્રચાર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ બીજા તબક્કો પહેલી જાન્યુઆરીથી શરૂ થશે, જેમાં ભગવાન શ્રીરામની મૂર્તિનો ફોટો ૧૦ કરોડ પરિવારને વહેંચવામાં આવશે.
પ્રાણપતિષ્ઠા કાર્યક્રમની ઉજવણી દિવાળીની જેમ કરવાની અપીલ કરવામાં આવશે. ત્રીજો તબક્કો ૨૨ જાન્યુઆરીએ હશે ત્યારે સમગ્ર દેશમાં દરેક ઘરમાં ઉજવણી થશે. ૨૬ જાન્યુઆરથી ૨૨ ફેબ્રુઆરી વચ્ચે ભક્તો મંદિરમાં શ્રીરામનાં દર્શન કરી શકશે.
ADVERTISEMENT
અભિજીત મુહૂર્ત શું હોય છે?
બપોરના સમયનું આ સૌથી શુભ મુહૂર્ત છે, જે ૪૮ મિનિટ સુધી ચાલે છે. તમામ પ્રકારનાં શુભ કાર્યો માટે આ શ્રેષ્ઠ મુહૂર્ત છે.
પૂજારી બનવા માટે ૩૦૦૦ લોકોએ કરી અરજી
અયોધ્યાના શ્રીરામ મંદિરમાં પૂજારીઓની ભરતી માટે રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પેપરમાં જાહેરાત આપી હતી, જેમાં પૂજારી તરીકે કામ કરવા માટે કુલ ૩૦૦૦ લોકોએ અરજી કરી છે. આ અરજીમાંથી અયોધ્યાના વિશ્વ હિન્દુ પરિષદના કારસેવકપુરમમાં ૨૦૦ ઉમેદવારોના ઇન્ટરવ્યુ થશે. ત્રણ સભ્યોની પૅનલ ઇન્ટરવ્યુ લેશે. ટ્રસ્ટ કુલ ૨૦ ઉમેદવારોને પસંદ કરશે અને તેમને પૂજારી તરીકે ૬ મહિનાની તાલીમ આપવામાં આવશે. જેમની પસંદગી નહીં થાય તેમને સર્ટિફિકેટ આપવામાં આવશે અને જેઓ પસંદ થયા હશે તેમને ભવિષ્યમાં પૂજારી તરીકે જોડાવાની તક મળશે.

