Amarnath Yatra 2026: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાળુઓના નામે એક ખાસ પત્ર જાહેર કર્યો છે; તેમણે આ પત્રમાં શ્રદ્ધાળુઓને પાંચ સંકલ્પ અપનાવવાની અપીલ કરી છે. ચાલો જાણીએ
નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ અમરનાથ યાત્રાળુઓ (Amarnath Yatra 2026) માટે એક મહત્વપૂર્ણ સંદેશ સાથે પત્ર લખ્યો છે. તેમણે આ પત્રમાં શ્રદ્ધાળુઓને પાંચ સંકલ્પ અપનાવવાની અપીલ કરી છે. પીએમ મોદીએ પોતાના પત્રમાં અમરનાથ યાત્રાનું મહત્વ સમજાવ્યું છે. સાથે જ તેમણે દેશના સૈનિકોના સમર્પણ અને સેવાભાવની પણ પ્રશંસા કરી છે.
અમરનાથ યાત્રાના પ્રારંભના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાળુઓના નામે એક ખાસ પત્ર જાહેર કર્યો છે. તેમણે યાત્રાળુઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પત્રમાં તેમણે લખ્યું છે કે જમ્મુ-કાશ્મીરની પવિત્ર અમરનાથ યાત્રામાં જોડાવું એ ખૂબ મોટું સૌભાગ્ય છે. જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે પ્રથમ પૂજા સાથે જ બાબા બર્ફાનીના દર્શનની શરૂઆત થાય છે. દેશના દરેક ખૂણામાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર યાત્રામાં જોડાવા માટે ઉત્સાહપૂર્વક આવે છે.
અમરનાથ યાત્રાળુઓને PM મોદીનો ખાસ પત્ર
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ X પર એક પત્ર શેર કરીને લખ્યું, "પ્રિય શ્રદ્ધાળુઓ, હર હર મહાદેવ! જય બાબા બર્ફાની!" તેમણે લખ્યું કે, જમ્મુ-કાશ્મીરની પવિત્ર અમરનાથ યાત્રા (Amarnath Yatra 2026)માં જોડાવું એ ખૂબ મોટું સૌભાગ્ય છે. જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે પ્રથમ પૂજા સાથે જ બાબા બર્ફાનીના દર્શનની શરૂઆત થાય છે. દેશના દરેક ખૂણામાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર યાત્રામાં જોડાવા માટે આતુર રહે છે. તેમણે આગળ લખ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં આવેલા પવિત્ર અમરનાથ ધામની યાત્રામાં જોડાવું દરેક શિવભક્ત માટે સૌભાગ્યની વાત છે. બાબા બર્ફાનીના દર્શન લાખો શ્રદ્ધાળુઓના જીવનનો યાદગાર અનુભવ બને છે. પીએમએ કહ્યું કે, અમરનાથ યાત્રા માત્ર ધાર્મિક યાત્રા નથી. તે ભારતની સાંસ્કૃતિક એકતા અને સનાતન પરંપરાનું જીવંત પ્રતિક છે. દેશના અલગ-અલગ રાજ્યો, ભાષાઓ અને પરંપરાના લોકો એક જ શ્રદ્ધા સાથે બાબા અમરનાથના દર્શન કરવા આવે છે. પીએમ મોદીએ યાત્રાના સફળ આયોજન માટે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ, જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓની પ્રશંસા કરી. સાથે જ ભારતીય સેના, CRPF, જમ્મુ-કાશ્મીર પોલીસ, ITBP, BSF, NDRF, ડૉક્ટરો, આરોગ્ય કર્મચારીઓ, વહીવટી અધિકારીઓ, સફાઈ કર્મચારીઓ અને સેવા આપી રહેલા
તમામ સ્વયંસેવકોનો ખાસ આભાર માન્યો
પોતાના પત્રમાં પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરના સ્થાનિક લોકોની મહેમાનનવાજીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે યાત્રા દરમિયાન સ્થાનિક લોકો શ્રદ્ધાળુઓનું દિલથી સ્વાગત કરે છે. જ્યારે દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ (Amarnath Yatra 2026) ભંડારા અને લંગર દ્વારા નિઃસ્વાર્થ સેવા આપે છે. આ ભાવના ભારતીય સંસ્કૃતિના `સર્વે ભવન્તુ સુખિનઃ`ના આદર્શને સાચા અર્થમાં સાકાર કરે છે. PM મોદીએ યાત્રાળુઓને પાંચ સંકલ્પ લેવાની અપીલ કરી
પીએમ મોદીએ લખ્યું કે આ વર્ષે અમરનાથ યાત્રાએ જતાં તમામ શ્રદ્ધાળુઓને હું પાંચ સંકલ્પ લેવાની અપીલ કરું છું.
પ્રથમ સંકલ્પ : અમરનાથ યાત્રા દરમિયાન સ્વચ્છતાના તમામ નિયમોનું પાલન કરીએ. સમગ્ર યાત્રા માર્ગને સ્વચ્છ રાખવામાં પોતાનો ફાળો આપીએ.
બીજો સંકલ્પ : પ્રશાસનના તમામ આદેશો, ટ્રાફિકના નિયમો અને સુરક્ષા સંબંધિત સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરીએ. યાત્રા દરમિયાન વરસાદ, લપસણો રસ્તો અને ઠંડીથી ખાસ સાવચેત રહીએ.
ત્રીજો સંકલ્પ : `વોકલ ફોર લોકલ`ના સંકલ્પ સાથે યાત્રાના કુલ ખર્ચમાંથી ઓછામાં ઓછા ૧૦ ટકા રકમ સ્થાનિક વસ્તુઓ ખરીદવામાં ખર્ચીએ. તેનાથી જમ્મુ-કાશ્મીરના સ્થાનિક લોકો અને યુવાનોને રોજગારમાં મદદ મળશે.
ચોથો સંકલ્પ : અમરનાથ યાત્રાના સમાપન દિવસે એટલે કે રક્ષાબંધનના અવસરે પોતાના ભાઈ અથવા બહેનને એક છોડ ભેટ આપીએ. સાથે જ `એક વૃક્ષ માંના નામે` અભિયાનને આગળ વધારીએ.
પાંચમો સંકલ્પ : `રાષ્ટ્ર પ્રથમ`ની ભાવના સાથે આખું વર્ષ પોતાની ફરજો ઈમાનદારીથી નિભાવીએ. વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપીએ.
પીએમ મોદીએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે બાબા અમરનાથની યાત્રા (Amarnath Yatra 2026) સનાતન ધર્મની આસ્થા, ભારતની સાંસ્કૃતિક એકતા અને સેવાની ભાવનાનો ભવ્ય ઉત્સવ બની રહેશે. હું પ્રાર્થના કરું છું કે બાબા અમરનાથની કૃપા આપણા બધા પર હંમેશા બની રહે. તમારી યાત્રા સુરક્ષિત, સુખદ અને મંગળમય રહે તેવી શુભેચ્છા. બાબા બર્ફાની તમારા જીવનમાં નવી ઊર્જા, નવી ચેતના અને નવી આધ્યાત્મિક શક્તિ આપે. બાબા બર્ફાની આપણને સૌને પોતાની ફરજો પ્રત્યે વધુ સમર્પિત બનવાની શક્તિ આપે. જેથી આપણે સૌ મળીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરી શકીએ. અમરનાથ યાત્રા માટે પીએમ મોદીએ તમામ શ્રદ્ધાળુઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી.
