Amarnath Yatra 2026 begins: શ્રી અમરનાથ યાત્રા ૨૦૨૬ ની ઔપચારિક શરૂઆત ખૂબ જ ઉત્સાહ અને ભક્તિમય માહોલ વચ્ચે થઈ; જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ગુરૂવારે સવારે જમ્મુથી પવિત્ર તીર્થયાત્રાના પ્રથમ જથ્થાને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પહેલા જથ્થાને બતાવી લીલી ઝંડી (તસવીર સૌજન્યઃ એક્સ)
બાબા બર્ફાનીના દર્શન માટેની બહુપ્રતીક્ષિત શ્રી અમરનાથ યાત્રા ૨૦૨૬ (Amarnath Yatra 2026)નો ગુરૂવારથી વિધિવત પ્રારંભ થઈ ગયો છે. જમ્મુ (Jammu)ના ભગવતી નગર સ્થિત યાત્રી નિવાસ બેઝ કેમ્પથી જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થાને લીલી ઝંડી બતાવીને રવાના કર્યો હતો. `હર-હર મહાદેવ` અને `બમ-બમ ભોલે`ના જયઘોષ વચ્ચે તીર્થયાત્રીઓનો કાફલો ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બાલતાલ અને પહલગામ બેઝ કેમ્પ જવા રવાના થયો હતો.
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પહેલા જથ્થાને બતાવી લીલી ઝંડી
ADVERTISEMENT
ગુરૂવારે સવારે આશરે ૫ વાગ્યે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા (Lieutenant Governor Manoj Sinha)એ પરંપરાગત પૂજા-અર્ચના બાદ અમરનાથ યાત્રીઓના પ્રથમ જથ્થાને લીલી ઝંડી બતાવીને રવાના કર્યો (Amarnath Yatra 2026 begins) હતો. આ પ્રસંગે સમગ્ર વિસ્તાર `બમ-બમ ભોલે` અને `હર-હર મહાદેવ`ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો અને દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓના ચહેરા ખીલી ઉઠ્યા હતા. જમ્મુથી જ્યારે ઉપરાજ્યપાલે આ પ્રથમ જથ્થાને પ્રસ્થાન કરાવ્યું, ત્યારે ભક્તોમાં અદભુત જોશ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
Har Har Mahadev!
— Manoj Sinha (@manojsinha_) July 2, 2026
The sacred journey to the holy abode of Baba Barfani begins! Flagged off the first batch of pilgrims for Shri Amarnath Ji Yatra 2026 from Jammu’s Bhagwati Nagar Base Camp. Shri Amarnath Ji Yatra is a profound spiritual awakening. Every step taken on this holy… pic.twitter.com/E9RC0TldfF
દેશના વિવિધ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા
યાત્રાના પ્રથમ દિવસે દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બેઝ કેમ્પ પહોંચ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા મુસાફરોના રજિસ્ટ્રેશન, સ્વાસ્થ્ય તપાસ અને અન્ય જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને તેમને નિર્ધારિત વાહનો દ્વારા આગળ મોકલવામાં આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓની કડક દેખરેખ હેઠળ સમગ્ર કાફલાની અવરજવર સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
૫૭ દિવસ સુધી ચાલશે પવિત્ર યાત્રા
આ વર્ષે આ પવિત્ર યાત્રા ૫૭ દિવસ સુધી ચાલશે. શ્રદ્ધાળુઓ દરિયાઈ સપાટીથી આશરે ૩,૮૮૦ મીટરની ઊંચાઈએ આવેલી પવિત્ર અમરનાથ ગુફા સુધી પહોંચવા માટે બે માર્ગોનો ઉપયોગ કરશે. જેમાં અનંતનાગ જિલ્લાનો પરંપરાગત ૪૮ કિલોમીટર લાંબો નુનવાન-પહલગામ માર્ગ અને ગંદરબલ જિલ્લાનો ૧૪ કિલોમીટર લાંબો, પરંતુ વધુ સીધા ચઢાણવાળો બાલતાલ માર્ગ સામેલ છે. આ બંને માર્ગો પરથી યાત્રા એકસાથે ચલાવવામાં આવી રહી છે.
જમ્મુ રેલવે સ્ટેશન પર વિશેષ તૈયારીઓ
અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને જમ્મુ રેલવે ડિવિઝન દ્વારા પણ વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની સાથે શ્રદ્ધાળુઓની સુવિધા માટે વધારાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભીડ નિયંત્રણ, ટિકિટ ચેકિંગ અને સુરક્ષા દેખરેખને લઈને વિશેષ પ્લાન અમલી બનાવવામાં આવ્યો છે, જેથી ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે.
જમ્મુના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર ઉચિત સિંઘલે જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રા માત્ર જમ્મુ-કાશ્મીર માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ ધાર્મિક ઉત્સવ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રેલવેએ સુરક્ષા અને યાત્રી સુવિધાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF), ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) અને ટિકિટ ચેકિંગ સ્ટાફ સંયુક્ત રીતે સ્ટેશન પરિસરમાં વ્યવસ્થા સંભાળી રહ્યા છે.
તેમણે વધુમાં માહિતી આપી કે શ્રદ્ધાળુઓ માટે રેલવે સ્ટેશન અને અન્ય મુખ્ય સ્થળો પર પીવાનું પાણી, ભોજન, આરામગૃહ અને સહાયતા કેન્દ્રો જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુસાફરોને સાચી માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પ ડેસ્ક પણ શરૂ કરાયા છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને સમગ્ર માર્ગ પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય સેવાઓ, આપત્તિ વ્યવસ્થાપન અને કટોકટીની સહાય માટે ખાસ ટીમો તૈનાત છે, જેથી આ વર્ષની યાત્રા પણ શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થઈ શકે.
