સાંજ પછી ધોધમાર વરસાદ પડતાં અંધેરી સબવેમાં પાણી, વેસ્ટર્ન એક્સપ્રેસ પર ટ્રાફિક જૅમ
ધારાવીમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડ્યો હતો. તસવીર: અતુલ કાંબળે
રવિવારે રાતથી મુંબઈમાં વરસાદે ફરી જોર પકડ્યું છે. જોકે ૩ રાતથી આખા મુંબઈમાં મન મૂકીને વરસતો વરસાદ દિવસના સમયે છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર હાજરી આપી દે છે. ગઈ કાલે મોડી સાંજથી મુંબઈ, થાણે, વસઈ-વિરાર અને પાલઘર સુધી વરસાદનાં ભારે ઝાપટાં પડ્યાં હતાં. સવારે ૮ વાગ્યાથી રાતે ૯ વાગ્યા સુધીમાં જ મુંબઈ શહેર અને ઉપનગરોમાં સરેરાશ ૭૫ મિલીમીટર વરસાદ પડી ગયો હતો જેને કારણે અંધેરી સબવેમાં ૩ ફુટ જેટલાં પાણી ભરાઈ ગયાં હતાં. બોરીવલી, મલાડ અને ગોરેગામમાં પડેલા વરસાદને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જૅમ થયો હતો. સાંજે ઑફિસ છૂટવાના ટાઇમ પર વરસાદ અને ટ્રાફિકને કારણે લોકોને રિક્ષા મળવામાં મુશ્કેલી પડી હોવાનું અનેક યુઝર્સે સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું.
આવી જ સ્થિતિ મુલુંડ અને વિક્રોલીમાં પણ સર્જાઈ હતી, જ્યાં વરસાદને કારણે વાહનોની ગતિ ધીમી પડી હતી. ધોધમાર વરસાદને કારણે નેરુલ અને સાનપાડા વચ્ચે સાયન-પનવેલ હાઇવે પર પણ ટ્રાફિક જૅમ થયો હતો. સારા વરસાદ છતાં મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીનું સ્તર ઘટતું જાય છે. અત્યારે જળાશયોમાં ૬.૩૫ ટકા પાણીનો જથ્થો બચ્યો હોવાનું BMCએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
હવામાન ખાતાની આગાહી મુજબ સપ્તાહના અંત સુધી મુંબઈ, થાણે, પાલઘર સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે. આશરે ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે મુશળધાર વરસાદ માટે તૈયાર રહેવું પડશે.
થાણેમાં રાહદારી પર વૃક્ષ પડ્યું, ગંભીર ઈજા થઈ, ૧૧ વાહનોનો કચ્ચરઘાણ

વાગળે એસ્ટેટના રોડ-નંબર ૩૧ પર કાર પડેલું વૃક્ષ.
છેલ્લા બે દિવસમાં થાણેના વિવિધ વિસ્તારોમાં ૧૧ વૃક્ષ પડ્યાં છે
થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં ગઈ કાલે સવારે વાગળે એસ્ટેટ પોલીસ-સ્ટેશન નજીક પ્રશાંત કૉર્નરની બાજુમાં આવેલા રોડ-નંબર ૩૧ પર અચાનક એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં રસ્તા પરથી પસાર થઈ રહેલા બાવન વર્ષના પવન ઝા ગંભીર રીતે ઘાયલ થયા હતા. વૃક્ષ પડવાની આ ઘટના એટલી ભયાનક હતી કે રસ્તાના કિનારે પાર્ક કરેલાં કુલ ૧૧ વાહનો એની ઝપટમાં આવી ગયાં હતાં અને ભારે નુકસાન થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ પ્રશાસન તરત ઍક્શનમાં આવ્યું હતું. વાગળે એસ્ટેટ પોલીસ-સ્ટેશનના કર્મચારીઓ, TMCના ગાર્ડન વિભાગના અધિકારીઓ અને થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના અધિકારીઓએ ભેગા મળીને ક્રેન અને કટરની મદદથી રસ્તા પર પડેલા ઝાડને કાપીને બાજુએ હટાવવાની કામગીરી કરી હતી. આશરે બે કલાક બાદ આ વિસ્તારમાં વાહનવ્યવહાર ફરી પૂર્વવત્ કરી શકાયો હતો.થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ૯ વાગ્યે વાગળે એસ્ટેટના રોડ-નંબર ૩૧ પર આવેલું મસમોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. એ સમયે ત્યાંથી ઑફિસ જઈ રહેલા પવન ઝા પર અચાનક આ વૃક્ષ પડ્યું હતું, જેને કારણે તેમના માથા અને છાતીના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ છે. તેમને તાત્કાલિક સારવાર માટે વાગળે એસ્ટેટની પ્રગતિ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વૃક્ષ પડવાની આ ઘટના એટલી ભયાનક હતી કે રસ્તાના કિનારે પાર્ક કરેલાં કુલ ૧૧ વાહનોને ભારે નુકસાન થયું હતું.’
