સમગ્ર રાજ્યમાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢે દ્વારા અન્નસુરક્ષાને લઈને કડક કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે
કલ્યાણના કાટેમાનિવલી વિસ્તારના પૂરીના કારખાનામાં જોવા મળેલી ગંદકી.
સમગ્ર રાજ્યમાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢે દ્વારા અન્નસુરક્ષાને લઈને કડક કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેને કારણે ભેળસેળ કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મંગળવારે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)એ પણ કલ્યાણના કાટેમાનિવલી વિસ્તારમાં સેવપૂરી અને પાણીપૂરી માટેની પૂરીઓ બનાવતી એક ફૅક્ટરી પર અચાનક દરોડો પાડીને એને તાત્કાલિક સીલ કરી દીધી છે. KDMCની આ કાર્યવાહીથી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં તત્ત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
KDMCના આરોગ્ય વિભાગના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘કલ્યાણના કાટેમાનિવલી ખાતે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની પાછળના ભાગમાં આ કારખાનું કોઈ પણ પરવાનગી વગર ગેરકાયદે રીતે ધમધમી રહ્યું હતું, જ્યાં ખૂબ જ મોટા પાયે સેવપૂરી તેમ જ પાણીપૂરી માટેની પૂરીઓનું ઉત્પાદન કરવામાં આવતું હતું. મંગળવારે બપોરે આ સ્થળે અમારી ટીમે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન ફૅક્ટરીની અંદર તપાસ કરતાં ત્યાં ઉત્પાદનપ્રક્રિયામાં ભારે અનિયમિતતા અને નાગરિકોના આરોગ્યને જોખમાવતી બાબતો સામે આવી હતી. દરોડા દરમ્યાન જોવા મળ્યું કે જ્યાં ખાદ્ય પદાર્થ તૈયાર થઈ રહ્યો હતો એ જગ્યાએ ભારે અસ્વચ્છતા અને ચારેય તરફ ગંદકીના થર જામ્યા હતા. ફૅક્ટરીમાં કામ કરતા મજૂરો દ્વારા સ્વચ્છતા કે સુરક્ષાના કોઈ જ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નહોતું. આ સિવાય કારખાનામાં ગેરકાયદેસર ભઠ્ઠી સળગાવવામાં આવી રહી હતી જેમાં લાકડાનો ઉપયોગ થતો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે પૂરીઓ તળવા માટે અત્યંત હલકી ગુણવત્તાના અને વારંવાર ઉકાળેલા તથા કાળા પડી ગયેલા ખરાબ તેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ તમામ ગંભીર ખામીઓને ધ્યાનમાં લઈને અમે ફૅક્ટરીને તાત્કાલિક અસરથી સીલ કરી દીધી છે અને જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં ભરવાની તૈયારી શરૂ કરી છે. ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે.’
