Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ક્રૂ-મેમ્બરો એકાએક સામૂહિક સિક-લીવ પર જતા રહ્યા એટલે...ઍર ઇન્ડિયા એક્સપ્રેસની ૮૬ ફ્લાઇટ્સ કૅન્સલ

ક્રૂ-મેમ્બરો એકાએક સામૂહિક સિક-લીવ પર જતા રહ્યા એટલે...ઍર ઇન્ડિયા એક્સપ્રેસની ૮૬ ફ્લાઇટ્સ કૅન્સલ

09 May, 2024 09:25 AM IST | Mumbai
Prasun Choudhari | feedbackgmd@mid-day.com

કંપનીમાં કહેવાતા ગેરવહીવટનો થઈ રહ્યો છે વિરોધ : જોકે મુંબઈમાં ઝાઝી અસર ન દેખાઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઍર ઇન્ડિયા એક્સપ્રેસે મંગળવાર રાતથી ગઈ કાલે સાંજ સુધીમાં એની ઇન્ટરનૅશનલ અને ડોમેસ્ટિક મળીને ૮૬ ફ્લાઇટ્સ કૅન્સલ કરી દીધી હતી, કારણ કે આ કંપનીના ક્રૂ-મેમ્બરોએ એકાએક સામૂહિક સિક-લીવ લીધી હતી એટલે ઍરલાઇન કંપનીને ફ્લાઇટ્સ કૅન્સલ કરવા સિવાય બીજો કોઈ ઉપાય રહ્યો નહોતો. ક્રૂ-મેમ્બરો ઍરલાઇન કંપનીમાં ગેરવહીવટનો આરોપ લગાવી રહ્યા છે એટલે એના વિરોધમાં સામૂહિક રજા લેવામાં આવી હતી.

આ ઍરલાઇનની મુંબઈથી થોડી જ ફ્લાઇટ્સ ઑપરેટ થાય છે એટલી આ વિરોધની ઝાઝી અસર દેખાઈ નહોતી પણ કોચી, કાલિકટ અને બૅન્ગલોરમાં સંખ્યાબંધ ફ્લાઇટ્સ રદ થવાથી પ્રવાસીઓ ઍરપોર્ટ પર રઝળી પડ્યા હતા. ઘણાએ સોશ્યલ મીડિયામાં તેમને થયેલી હેરાનગતિની જાણકારી આપી હતી. ઘણા પૅસેન્જરોએ આ મામલે કેન્દ્રના સિવિલ એવિયેશન મિનિસ્ટ્રીને દખલ કરવાની માગણી પણ કરી હતી.



અગાઉ ઍર એશિયા ઇન્ડિયા તરીકે ઓળખાતી એએક્સઆઇ કનેક્ટ અને ઍર ઇન્ડિયા એક્સપ્રેસના મર્જરની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે જેને કારણે ક્રૂ-મેમ્બરોમાં અસંતોષની લાગણી ફેલાઈ છે એટલે સોમવાર રાતથી ઘણા ક્રૂ-મેમ્બરો સિવ-લીવ પર ઊતરી ગયા હતા. કૅબિન-ક્રૂ મેમ્બરોની શૉર્ટેજને કારણે સંખ્યાબંધ ફ્લાઇટો રદ કરવાનો વારો આવ્યો હતો. ક્રૂ-મેમ્બરોનો આરોપ છે કે કંપનીમાં ગેરવહીવટ છે અને સ્ટાફ સાથે સમાનતાથી વ્યવહાર કરવામાં આવતો નથી. ઍર ઇન્ડિયા એક્સપ્રેસ એમ્પ્લૉઇઝ યુનિયનના ૩૦૦ ક્રૂ-મેમ્બરોએ ૨૬ એપ્રિલે તાતા ગ્રુપ અને ઍર ઇન્ડિયાના ચૅરમૅન એન. ચંદ્રશેખરનને કાગળ લખીને તેમની માગણીઓ સુપરત કરી હતી.


તાતા ગ્રુપની વિસ્તારા ઍરલાઇન્સમાં પણ ગયા મહિને પાઇલટોની શૉર્ટેજને કારણે સંખ્યાબંધ ફ્લાઇટો રદ કરવાનો વારો આવ્યો હતો. એપ્રિલમાં કંપનીએ રોજ આશરે ૨૫થી ૩૦ ફ્લાઇટો કૅન્સલ કરી હતી. કંપનીએ પાઇલટોના પગારનાં ધોરણોમાં પણ ફેરફાર કર્યો હતો એના પગલે પાઇલટો રજા પર ઊતરી ગયા હતા. જોકે વિસ્તારા અને ઍર ઇન્ડિયાનું મર્જર આ વર્ષના અંતમાં પૂરું થઈ જાય એવી ધારણા છે.

ક્રૂ-મેમ્બરોની સામૂહિક સિક-લીવના મુદ્દે બોલતાં ઍર ઇન્ડિયા એક્સપ્રેસના એક પ્રવક્તાએ કહ્યું હતું કે ‘કૅબિન ક્રૂ-મેમ્બરોએ છેલ્લી મિનિટે સિક-લીવ પર ઊતરી જવાનો નિર્ણય લેતાં મંગળવારની રાતથી અમારા ઑપરેશન્સને અસર પડી હતી. ફ્લાઇટો મોડી પડી હતી અથવા તેમને કૅન્સલ કરવામાં આવી હતી. જોકે ક્રૂ-મેમ્બરોએ આમ કર્યું એ પાછળનાં કારણો જાણવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ જેથી અમારા કસ્ટમરોને સૌથી ઓછી તકલીફ થાય.’


એવિયેશન મિનિસ્ટ્રી અને ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશને પણ આ ઘટનાની ગંભીર નોંધ લઈને કેટલી ફ્લાઇટો કૅન્સલ કરાઈ એનો રિપોર્ટ માગ્યો છે અને નિયમ મુજબ પ્રવાસીઓને સુવિધા મળી રહે એમ કરવા માટે જણાવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 09:25 AM IST | Mumbai | Prasun Choudhari

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK