Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝખીલ માટે પણ ગુંદર વપરાય?

20 May, 2024 08:23 AM IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

ગુંદર વૃક્ષમાંથી નીકળતો ચીકણો પદાર્થ હોય છે જે સુકાઈને ગુંદર બની જાય છે. કતીરા ગુંદર અથવા ટ્રેગેકન્થ ગમ એસ્ટ્રાગલસ નામના વૃક્ષના થડમાંથી નીકળતા સ્રાવમાંથી બને છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક બ્યુટિશ્યનની પોસ્ટ વાઇરલ થઈ જેમાં દાવો થયો હતો કે પલાળેલા ગોંદ કતીરાને દહીં સાથે મેળવીને ખાવાથી ખીલ થયા હશે તો મટી જશે. આ ફાયદો ખરેખર થાય? એ સમજવા જાણીએ ઉનાળાનું અનોખું ઔષધ ગણાતું આ કતીરા ગુંદર શું હોય છે. કોઈ સ્વાદ કે સુગંધ ન ધરાવતાે કતીરા ગુંદર તમને હીટ સ્ટ્રોકથી પણ બચાવશે
   
શિયાળામાં ખવાતા ગુંદર વિશે તો બધાને ખબર હોય છે, પણ ઉનાળામાં ઉપયોગમાં લેવાતા કતીરા ગુંદર વિશે ઘણા લોકોને ખબર હોતી નથી. ગુંદર વૃક્ષમાંથી નીકળતો ચીકણો પદાર્થ હોય છે જે સુકાઈને ગુંદર બની જાય છે. કતીરા ગુંદર અથવા ટ્રેગેકન્થ ગમ એસ્ટ્રાગલસ નામના વૃક્ષના થડમાંથી નીકળતા સ્રાવમાંથી બને છે. કતીરા ગુંદર સામાન્ય ગુંદર જેવો જ હોય છે, પણ થોડો મોટો હોય છે એટલે ઘણા લોકો ગુંદરને જ કતીરા ગુંદર સમજી લે છે, પણ બન્ને અલગ-અલગ છે. સામાન્ય રીતે ગુંદરનું સેવન શિયાળામાં કરવામાં આવે છે, કારણ કે એની તાસીર ગરમ હોય છે. પણ કતીરા ગુંદરની તાસીર ઠંડી હોવાથી એનું સેવન ઉનાળામાં કરવામાં આવે છે. કતીરા ગુંદરને તમે ડાયરેક્ટ ન ખાઈ શકો, તમારે એને પહેલાં પાણી કે દૂધમાં ત્રણ-ચાર કલાક માટે ભીંજવવો પડે જેથી એ ફૂલીને જેલ જેવો તૈયાર થઈ જાય. રાત્રે લગભગ દસ ગ્રામ  કતીરા ગુંદર પાણીમાં ભીંજવી દો તો સવારે ફૂલીને લગભગ અઢીસો ગ્રામ થઈ જાય. હલકા સફેદ પીળા રંગમાં આવતો કતીરા ગુંદરના કોઈ સ્વાદ કે સુગંધ હોતા નથી. 

ગરમીમાં શરીરને ઠંડી આપે
શરીરમાં ગરમી વધી ગઈ હોય ત્યારે સામાન્ય રીતે કતીરા ગુંદરનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. કતીરા ગુંદર ગરમીમાં આપણા શરીરને ટાઢક આપવાનું કામ કઈ રીતે કરે છે એ વિશે વાત કરતાં ડાયટિશ્યન બીના છેડા કહે છે, ‘કતીરા ગુંદર કૂલિંગ એજન્ટ તરીકે કામ કરે છે જે તમારા શરીરને અંદરથી કૂલ કરવાનું કામ છે. પરિણામે લૂ  અને હીટ સ્ટ્રોકનું જોખમ ઓછું રહે છે. ઘણી વાર કાળઝાળ ગરમીમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને નસકોરી ફૂટતી (નાકમાંથી લોહી નીકળવું) હોય છે, જેમાં કતીરા ગુંદરની સેવનથી રાહત મળે છે. એ સિવાય ગરમીમાં તમને થાક અને લો એનર્જી ફીલ થતી હોય તો તમે કતીરા ગુંદરનું સેવન કરો તો શરીરને એનર્જી મળે છે. આજકાલ લોકો ગરમીથી બચવા કોલ્ડ ડ્રિન્કનું સેવન કરતા હોય છે, પણ એને બદલે કુદરતી રીતે ઠંડક આપતા પદાર્થોનું તમારે સેવન કરવું જોઈએ.’ ડાઇજેશન સુધારીને વેઇટલૉસ ઝડપી બનાવે  
શરીરનું વજન ઘટાડવા માટે પણ કતીરા ગુંદરનો ઉપયોગ થતો હોય છે એ વિશે બીના છેડા કહે છે, ‘કતીરા ગુંદર તમારા માટે નૅચરલ વેઇટલૉસ સપ્લિમેન્ટની જેમ કામ કરે છે, કારણ કે એ ડાયટરી ફાઇબરથી ભરપૂર હોય છે. કતીરા ગુંદરનું સેવન કર્યા પછી તમને તમારું પેટ ભરેલું લાગશે, જે તમારા ક્રેવિંગ અને ઓવરઈટિંગને કન્ટ્રોલમાં રાખશે. વેઇટલૉસ માટે સંતુલિત આહાર અને લો કૅલેરી સાથે કતીરા ગુંદરનો ડાયટમાં સમાવેશ કરો તો વજન ઘટાડવામાં મદદ મળે. કતીરા ગુંદરમાં રહેલું ડાયટરી ફાઇબર તમારી ડાઇજેસ્ટિવ સિસ્ટમ સારી રાખીને કૉન્સ્ટિપેશન, ડાયેરિયા જેવી પાચનતંત્ર સંબંધિત બીમારીમાંથી રાહત આપે છે. અહીં ખાસ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે કતીરા ગુંદર સાથે ભરપૂર પાણી લેવું ખૂબ જરૂરી છે નહીંતર એ તમારી ડાઇજેસ્ટિવ સિસ્ટમને બ્લૉક કરી શકે છે.’


આ બધા પણ છે ફાયદા
કતીરા ગુંદરના સેવનથી શરીરને બીજા પણ કેટલાક ફાયદા થાય છે એ વિશે જણાવતાં બીના છેડા કહે છે, ‘એમાં કૅલ્શિયમ અને મૅગ્નેશિયમનું પ્રમાણ સારું હોય છે, જે તમારાં હાડકાંને મજબૂત બનાવી તમને જૉઇન્ટ પેઇનમાંથી રાહત આપી શકે છે. સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પણ કતીરા ગુંદરનું સેવન સારું માનવામાં આવે છે, કારણ કે એનાથી બ્રેસ્ટ-મિલ્કમાં વૃદ્ધિ થાય છે. બાળકને જન્મ આપ્યા પછી શરીરમાં ફરીથી સ્ટ્રેંગ્થ મેળવવા માટે સુવાવડી મહિલાઓ પણ એનું સેવન કરી શકે છે. પિરિયડ્સ દરમિયાન હેવી બ્લડ ફ્લોને કન્ટ્રોલ કરવામાં પણ આ મદદરૂપ થાય છે. કતીરા ગુંદરમાં રહેલી હાઇડ્રેટિંગ પ્રૉપર્ટીઝ તમારી સ્કિનને મૉઇશ્ચરાઇઝ્ડ રાખવાનું કામ કરે છે. ઘણા લોકો કતીરા ગુંદરની  જેલીનો ફેસમાસ્ક ચહેરા પર લગાવતા હોય છે. સ્કિન ટાઇટનિંગ માટે એ યુઝ કરતા હોય છે. આની જેલીને ઘણા વાળમાં પણ લગાવે છે, જે નૅચરલ કન્ડિશર તરીકે કામ કરીને તમારા વાળને સિલ્કી બનાવે છે અને એનું વૉલ્યુમ વધારે છે.’ 

કતીરા ગુંદરને આ રીતે વાપરશો તો કાળજે ઠંડક થશે

કતીરા ગુંદરની વિવિધ રેસિપી બનાવીને એનો તમારી ડાયટમાં વિવિધ રીતે સમાવેશ કરી શકો છો એમ જણાવતાં બીના છેડા કહે છે, ‘તમે એક ગ્લાસ પાણીમાં કતીરા ગુંદરની જેલી, ફુદીનાનો રસ, લીંબુનો રસ, કાળું મીઠું, તકમરિયાં મિક્સ કરીને ડ્રિન્ક રેડી કરી પી શકો છો. તમે ઇચ્છો તો ફાલૂદા બનાવીને પણ ખાઈ શકો જેમાં એક બાઉલ કતીરા ગુંદરની જેલી બનાવીને રાખી દો. પછી એમાં તકમરિયાં અને ચિયા સીડ્સ, અમુક ફ્રૂટ્સ ઍડ કરીને એને મિક્સ કરીને ખાઈ શકો છો. તમે સ્મૂધી પણ બનાવી શકો જેમાં એક વાટકી દહીંમાં કતીરા ગુંદરની જેલી, બ્લૅક સૉલ્ટ અને પીસેલો ફુદીનો ઍડ કરીને લઈ શકો છો.’


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2024 08:23 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK