ઍન્ગ્ઝાયટી, ડિપ્રેશન, બાયપોલર જેવા મનોરોગીઓએ મૌનનો અભ્યાસ ન કરવો.
પ્રતીકાત્મક તસવીર
આજકાલ દુનિયામાં પૉપ્યુલર થયેલો આ ટ્રેન્ડ આપણે ત્યાં તો સદીઓથી ચાલ્યો આવે છે, જેને આપણે ‘મૌન’ તરીકે ઓળખીએ છીએ. યોગમાં પણ મૌન સાધનાનું અદકેરું મહત્ત્વ છે. તમે મૌનનું અનુસરણ કરતા યોગીઓ વિશે સાંભળ્યું જ હશે. હવે જ્યારે વૈજ્ઞાનિકો ન બોલવાના ગુણો ગણાવી રહ્યા છે ત્યારે આ વિષયને વધુ ઊંડાણપૂર્વક સમજીએ
આધ્યાત્મિક ઉન્નતિ માટે મૌન રહેવું મહત્ત્વનું છે. મૌન અનંત છે અને બ્રહ્માંડ સાથે એકરૂપ થવાની ભાષા છે. જૈન પરંપરામાં ભગવાન મહાવીર પોતાના સાધનાકાળ દરમ્યાન બાર વર્ષ સુધી સંપૂર્ણ મૌન રહ્યા હતાં એવું કહેવાય છે. ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મૌન જબાનની નહીં, પણ તમારા માઇન્ડની ટ્રેઇનિંગ છે. માત્ર જૈન કે હિન્દુ જ નહીં પણ બુદ્ધ પરંપરામાં પણ મૌનનું મહત્ત્વ રહ્યું છે અને એટલે જ વિપશ્યનામાં પણ મૌનનો વિશિષ્ટ મહિમા છે. જેનો સદીઓથી આપણી પરંપરામાં અભ્યાસ થતો આવ્યો છે એ મૌન સાધના હવે ‘સ્પીચ ફાસ્ટિંગ’ના નવા નામ સાથે ટ્રેન્ડરૂપે ઊભરી રહી છે. આ ટ્રેન્ડને હવા ત્યારે મળી જ્યારે સ્કૉટલૅન્ડની જાણીતી સિંગર લુલુએ એવો દાવો કર્યો કે તે બપોર સુધી સંપૂર્ણ સાઇલન્ટ રહેવાનું પસંદ કરે છે. સવારે જાગ્યા પછીના અડધો દિવસ નહીં બોલવાની આદતને કારણે તેની સ્વરપેટીને ખાસ્સો આરામ મળી જાય છે અને સિંગર તરીકે તેને આ આદતે ખૂબ મદદ કરી છે.
હવે મુદ્દો એ છે કે ધારો કે તમે સિંગર નથી છતાં ચૂપ રહો તો લાભ થાય? એનો વૈજ્ઞાનિકોએ પોતાના અભ્યાસ થકી મેળવેલો જવાબ પહેલાં જાણીએ. ૨૦૨૧માં થયેલો એક અભ્યાસ કહે છે કે મૌન રહી શકનારી વ્યક્તિના બ્રેઇનની શાર્પનેસ વધે છે, અનિદ્રાની બીમારી દૂર થાય છે, ફોકસ વધે છે અને સ્ટ્રેસ-હૉર્મોન કૉર્ટિઝોલનું પ્રમાણ ઘટે છે. બીજું એક રિસર્ચ એમ પણ કહે છે કે સ્પીચ-ફાસ્ટિંગથી ઇન્ટરપર્સનલ રિલેશન એટલે કે એકબીજા સાથેના સંબંધો વધુ મજબૂત અને સુદૃઢ બને છે અને બ્લડ-પ્રેશર સંતુલિત થાય છે. આજે જ્યારે ચારેય બાજુ સતત ઘોંઘાટ વધી રહ્યો છે ત્યારે મૌનનો અભ્યાસ કઈ રીતે વ્યક્તિને જીવનને ખીલવવામાં મદદરૂપ થઈ શકે છે એ વિષય પર ચર્ચા કરીએ.
ખૂબ ઉપયોગી
‘સિગ્નિફિકન્સ ઑફ મૌન ઇન યોગિક પ્રૅક્ટિસ’ એટલે કે ‘યોગિક અભ્યાસોમાં મૌનનું મહત્ત્વ’ વિષય પર PhD કરનારાં યોગ-શિક્ષિકા જયશ્રી નાયર અહીં કહે છે, ‘મૌનમાં જેટલું ઊંડાણ છે એટલું એકેય બાબતમાં નથી. તમને અધ્યાત્મની દિશામાં આગળ વધવું હોય તો મૌન જરૂરી છે કે તમારે જીવનના લક્ષ્યને પામવાં હોય તો પણ મૌન જરૂરી છે. એક નાનકડી વાર્તા આવે છે, જેમાં એક સ્કૂલના ક્લાસમાં ઘડિયાળ ખાવાઈ ગઈ. બધા જ છોકરાઓએ ઘડિયાળ શોધવાના ખૂબ પ્રયાસ કર્યા પરંતુ કંઈ ઠેકાણું ન પડ્યું. પછી એક મૅજિકમૅન આવ્યો અને તેણે બધા જ છોકરાઓને બે મિનિટ માટે આંખો બંધ કરીને બેસી જવાનું કહ્યું અને તે જાદુથી બે મિનિટમાં ઘડિયાળ શોધી આપશે પણ જો કોઈ બાળકે અવાજ કર્યો કે આંખ ખોલી તો જાદુ કામ નહીં કરે. વાત સાંભળીને વિદ્યાર્થીઓ તો ચૂપચાપ બેસી ગયા. જેવી શાંતિ થઈ કે જાદુગરે ધીમે-ધીમે ક્લાસની અંદરથી આવી રહેલા ઝીણા અવાજો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ઘડિયાળનો ટિક-ટિક કરતો ઝીણો અવાજ તેના કાને પડ્યો અને તેને તરત જ ઘડિયાળ મળી ગઈ. વિદ્યાર્થીઓ માટે એ મૅજિક હતું પણ મૅજિશ્યન માટે વાસ્તવિક રીતે માત્ર સાઇલન્સને કારણે થયેલી શોધ હતી.’ મૌનની સાધનાનો અનુભવ જેમ-જેમ ઊંડો થતો જાય એમ આપણને આવા જ આપણી અંદર છુપાયેલાં, આપણી આસપાસ રહેલાં અનેક રત્નોનો પરિચય થઈ શકે છે. બિટ્વીન ધ લાઇન્સ સાંભળવાની કળા આપણે મૌનથી હસ્તગત કરી શકીએ છીએ અને એ જો આવડી જાય તો આપણે પણ કોઈ જાદુગરથી ઓછા નથી રહેતા.
ADVERTISEMENT
મનનું સ્થિર થવું
આપણી જબાન જ્યારે બોલવાનું બંધ કરે ત્યારે ધીમે-ધીમે એનો પ્રભાવ આપણા મગજ પર પડે. એક હેલ્ધી વ્યક્તિ માટે મૌનની સાધના માનસિક મૌન તરફ ગતિ કરાવનારી હોય છે. જોકે આ જ વાત માનસિક રોગીઓ પર વિપરીત અસર પણ કરી શકે. મનને સ્થિર કરવું એ સૌથી અઘરી પ્રોસેસ છે. જે લોકો પણ એટલે જ એક વાર એ રસ્તે ચાલ્યા છે એ પછી પાછા ફરી નથી શક્યા. રમણ મહર્ષિ જેવા ઘણા યોગીઓ તમને મળશે જેમણે એક વાર મૌનને આત્મસાત કર્યું એ પછી તેમને ક્યારેય કંઈ કહેવાની જરૂર જ ન પડી અને છતાં બ્રહ્માંડની અમાપ શક્તિઓ સાથે જોડાણ સાધીને તેમણે માનવજાતનું કલ્યાણ કર્યું. ડૉ. જયશ્રી કહે છે, ‘આપણે ત્યાં સ્કૂલ, કૉલેજિસ કે હૉસ્પિટલમાં લાગેલાં સાઇલન્સ પ્લીઝનાં બોર્ડ તમે જોયાં હશે જેમાં મોઢા પર આંગળી મૂકેલી વ્યક્તિનો ફોટો તમને પણ ન બોલવા માટે પ્રેરિત કરતી હોય. આ મૌનની પ્રારંભિક અવસ્થા છે. તમે પણ એનાથી શરૂઆત કરી શકો. સ્ટ્રેસબસ્ટરની સાથે મેન્ટલ ક્લૅરિટી, ન્યુરોલૉજિકલ રિફ્લેક્સિસ અને વોકલ કોર્ડને આરામ જેવા ઘણા લાભ એનાથી થશે.’
કેવી રીતે શરૂ કરવો મૌનનો અભ્યાસ?
ઓમકારના ચારથી પાંચ રાઉન્ડનું ઉચ્ચારણ કર્યા પછી એકથી ત્રણ મિનિટ તમે આસાનીથી મૌન રહી શકશો.
પ્રાણધારણાનો અભ્યાસ : એટલે કે શ્વાસ પર ધ્યાન આપવું. એને પણ તમે ત્રણ ફેઝમાં કરી શકો. સૌથી પહેલાં માત્ર શ્વાસની ગતિ પર ધ્યાન આપો, એ પછી નાસિકાની દીવાલ પર શ્વસન સાથે ઠંડક અને ગરમાટાનો અનુભવ કરતાં અમુક રાઉન્ડ કરો, છેલ્લે ગળાના અગ્ર ભાગમાં શ્વાસ લેવાથી અને છોડવાથી અનુભવાતા સેન્સેશન પર ફોકસ કરીને મૌનને અકબંધ રાખો. ધીમે-ધીમે તમારા શ્વાસ ઘડિયાળના લોલકની જેમ ચાલતાં-ચાલતાં સ્થિર થશે. આ અવસ્થા ડીપ સાઇલન્સની અવસ્થા છે, જે સહજ આવશે અને એના થકી જે આનંદની અનુભૂતિ થશે એનો અંદાજ નહીં લગાવી શકો. આ જ રીતે તમે કપાલભાતિ અને ભસ્ત્રિકા કર્યા પછી પંદર-વીસ-પચીસ સેકન્ડ માટે સંપૂર્ણ સ્થિર રહીને મૌનનો અભ્યાસ કરો એ પણ ધીમે-ધીમે તમારી અંદરની સ્થિરતાને વધારશે.
કોણે ન કરવું?
વોકલ કોર્ડ કે ગળાને લગતી કોઈ સમસ્યા હોય તેમણે પણ સ્પીચ-ફાસ્ટિંગની બાબતમાં સાવધાની રાખવી.
ઍન્ગ્ઝાયટી, ડિપ્રેશન, બાયપોલર જેવા મનોરોગીઓએ મૌનનો અભ્યાસ ન કરવો. તેમનું મગજ સાયલન્સમાં વધુ વિપરીત રીતે રીઍક્ટ કરી શકે. તેમણે પૂરતી ટ્રેઇનિંગ લઈને કોઈક અનુભવીની નિગરાણીમાં જ મૌનનો અભ્યાસ કરવો જોઈએ અને એમાં પણ સમયમર્યાદા ઓછી રાખવી જોઈએ.