શંખ ઍર, ફ્લાયએક્સપ્રેસ અને અલ હિન્દ ઍરને સિવિલ એવિએશન ખાતા તરફથી મળ્યાં નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ
બે પ્રસ્તાવિત ઍરલાઇન્સને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) જાહેર કર્યાં છે
ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં દેશની સૌથી વ્યસ્ત ગણાતી ઇન્ડિગો ઍરલાઇન્સમાં ઊભી થયેલી અંધાધૂંધી બાદ નાગરી ઉડ્ડયન મંત્રાલયે ભારતીય મુસાફરો પાસે ઍરલાઇન્સ ક્ષેત્રે વધુ વિકલ્પો સુનિશ્ચિત કરવા માટે એના પ્રયાસો ઝડપી બનાવતાં આ અઠવાડિયે બે પ્રસ્તાવિત ઍરલાઇન્સને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) જાહેર કર્યાં છે.
આ સંદર્ભમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનપ્રધાન રામ મોહન નાયડુએ તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટની પોસ્ટમાં જણાવ્યું હતું કે ગયા અઠવાડિયામાં ભારતીય આકાશમાં ઉડાન ભરવાની ઇચ્છા રાખતી નવી ઍરલાઇન્સ શંખ ઍર, અલ હિન્દ ઍર અને ફ્લાય-એક્સપ્રેસની ટીમોને મળ્યો. શંખ ઍરને મંત્રાલય તરફથી NOC મળી ગયું છે ત્યારે અલ હિન્દ ઍર અને ફ્લાયએક્સપ્રેસને આ અઠવાડિયે તેમનાં NOC મળ્યાં છે. મંત્રાલયનો પ્રયાસ ભારતીય ઉડ્ડયનમાં વધુ ઍરલાઇન્સને પ્રોત્સાહન આપવાનો છે જે મોદી સરકારની નીતિઓને કારણે વિશ્વના સૌથી ઝડપથી વિકસતાં ઉડ્ડયન બજારોમાંનું એક છે. ઉડાન જેવી યોજનાઓએ નાના કૅરિયર્સ સ્ટાર ઍર, ઇન્ડિયા વન ઍર, ફ્લાય91 વગેરેને દેશની અંદર પ્રાદેશિક કનેક્ટિવિટીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા સક્ષમ બનાવ્યા છે અને વધુ વિકાસ માટે વધુ તક ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
એવિયેશન ઇન્ડસ્ટ્રી ઇચ્છે છે કે ભારતમાં ઑપરેટિંગનો ખર્ચ અને બળતણના ભાવ ઘટે. ભારત વૈશ્વિક સ્તરે ઍરલાઇન્સ માટે સૌથી વધુ ઑપરેટિંગ કૉસ્ટ, ઊંચા જેટ ઈંધણના ભાવ અને કરવેરા ધરાવતા દેશોમાં સ્થાન ધરાવે છે. આ ઉદ્યોગની એક જૂની વ્યક્તિએ જણાવ્યું હતું કે ભારતીય એવિયેશન ઇન્ડસ્ટ્રી ઇકોસિસ્ટમમાં ઍરલાઇન્સ સિવાય લગભગ તમામ સ્ટેકહોલ્ડરો કમાણી કરે છે એથી ઍરલાઇન્સો બંધ પડે છે.


