હેલિકૉપ્ટર સર્વિસ બંધ થઈ ગઈ એને પગલે અમદાવાદના સંદીપ દવેનો કેદારનાથ, બદરીનાથ જવાનો પ્લાન કૅન્સલ થઈ ગયો, તેઓ કહે છે...
કેદારનાથ અને બદરીનાથ યાત્રા પર ગયેલાં સંદીપ દવે (જમણેથી પહેલા) અને નેહા દવે (જમણેથી બીજાં) સાથે સરલા દવે અને પરેશ દવે.
પર્વતીય પ્રદેશોનું હવામાન ક્યારેય કળી ન શકાય. અમે દેહરાદૂન પહોંચ્યા ત્યારે બિલકુલ વરસાદ નહોતો અને બીજા દિવસે વાતાવરણ ખરાબ થઈ ગયું. દેહરાદૂનમાં જ બહુ પવન અને વરસાદ છે તો કેદારનાથમાં તો પરિસ્થિતિ વધારે ખરાબ હશે. અહીં ગમે ત્યારે વાતાવરણમાં પલટો આવી શકે એટલે આવા અકસ્માતો થાય છે. આપણે નાગરિક તરીકેની આપણી ફરજો પણ ન ભૂલવી જોઈએ. અમુક લોકોને વાતાવરણ સારું ન હોય તો પણ રિક્વેસ્ટ કરતા જોયા છે કે તેમને હેલિકૉપ્ટરમાં જ લઈ જવામાં આવે, પરંતુ આપણે એ યાદ રાખવું જોઈએ કે આપણે આપણી જ સેફ્ટી દાવ પર લગાવતા હોઈએ છીએ.
આ શબ્દો છે અમદાવાદના બિઝનેસમૅન સંદીપ દવેના, જે ગઈ કાલે બપોરે હેરિટેજ ચૉપર સર્વિસ નામની કંપનીના હેલિકૉપ્ટરમાં કેદારનાથની યાત્રા કરવાના હતા. જોકે ગઈ કાલની દુર્ઘટના પછી હેલિકૉપ્ટર સર્વિસ બંધ થઈ ગઈ એને પગલે સંદીપભાઈએ પોતાનો પ્લાન પડતો મૂકીને દેહરાદૂનથી જ પાછા ફરવું પડ્યું હતું. તેમણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ત્યાં હાજર યાત્રાળુઓમાં ભય તો હતો જ, સાથે અમુક યાત્રાળુઓ ફરી સર્વિસ ચાલુ કરવાનો આગ્રહ પણ રાખતા હતા. માનું છું કે ટૂરનું આખું પ્લાનિંગ ફેરવાઈ જતાં મુસાફરોને અગવડ પડે છે, પણ આપણે આપણું વર્તન સુધારવું જોઈએ અને અકસ્માત કે આફતના સમયમાં ધીરજ રાખવી જોઈએ.’
ADVERTISEMENT
સંદીપભાઈ તેમનાં પત્ની નેહા દવે અને અન્ય બે પરિવારજનો સાથે ૪ દિવસના કેદારનાથ અને બદરીનાથ ધામના પ્રવાસે નીકળ્યા હતા. તેમણે દેહરાદૂનથી જ પાછા ફરવું પડ્યું હતું. તેમનાં પત્ની નેહાબહેન બે વાર ચારધામની આખી યાત્રા કરી ચૂક્યાં છે. આ વખતે કેદારનાથ ચોથી વખત અને બદરીનાથ પાંચમી વાર જતાં હતાં. અગાઉ પણ હેલિકૉપ્ટર-સર્વિસનો લાભ લીધો હોવાથી નેહા દવેએ ફીડબૅક આપતાં જણાવ્યું હતું કે ‘હેલિકૉપ્ટર-સર્વિસ તો સેફ હોય છે. વજન મુજબ જ એ લોકો લઈ જતા હોય છે. જોકે આજનો બનાવ બન્યો તો પણ કેદારનાથમાં ઉપર ફસાયેલા અનેક યાત્રીઓ હેલિકૉપ્ટરમાં જ નીચે આવવા માગે છે. તેઓ ફ્લાઇટ-સર્વિસને દબાણ કરે છે કે અન્ય કોઈ રીતે નહીં પણ ફ્લાઇટમાં જ આવીશું. આટલા ખરાબ વાતાવરણ અને પવનમાં આ જીદ તેમના જીવનું જોખમ બની શકે છે એ સમજવું જોઈએ.’
-શ્રુતિ ગોર

