કુલ ૨૫ કરોડ રૂપિયાના ખર્ચે બની રહી છે અત્યાધુનિક લૅબોરેટરી
પ્રતીકાત્મક તસવીર
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં ભેળસેળયુક્ત લાડુનો પ્રસાદ મળી આવ્યા બાદ મંદિરમાં પ્રસાદના ઘટકોનું પરીક્ષણ કરવા માટે ૨૫ કરોડ રૂપિયાના ખર્ચે એક આધુનિક લૅબોરેટરી સ્થાપવામાં આવી રહી છે. આ સંદર્ભમાં આંધ્ર પ્રદેશના આરોગ્યપ્રધાન વાય. સત્યકુમાર યાદવે જણાવ્યું હતું કે ‘આ લૅબોરેટરીનું નિર્માણ ઑક્ટોબર ૨૦૨૪માં આંધ્ર પ્રદેશ સરકાર અને ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) વચ્ચે થયેલા કરાર મુજબ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે આશરે ૨૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. લૅબોરેટરીનું ૯૦ ટકા કામ પૂરું થઈ ગયું છે. આવતા મહિને કામગીરી શરૂ થવાની ધારણા છે.’
આ લૅબોરેટરીમાં વિવિધ પ્રકારના ખોરાકનું પરીક્ષણ કરવા માટે અત્યાધુનિક ઉપકરણો હશે, પરંતુ મુખ્ય ઉપકરણો ઇલેક્ટ્રૉનિક જીભ અને ઇલેક્ટ્રૉનિક નાક હશે જે ફ્રાન્સથી ૩.૫ કરોડ રૂપિયાના ખર્ચે આયાત કરવામાં આવ્યાં છે. આ ઉપકરણો ઘીની શુદ્ધતા, સ્વાદ, ગંધ અને રચનામાં સૂક્ષ્મ ફેરફારો પણ શોધી શકે છે. આ પ્રખ્યાત લાડુ અને અન્ય પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીની ઉચ્ચતમ ગુણવત્તા જાળવવાના પ્રયાસોનો એક ભાગ છે.
ADVERTISEMENT
લૅબોરેટરીમાં ડઝનબંધ અન્ય સાધનો પણ સ્થાપવામાં આવી રહ્યાં છે, જેમાં કાચા માલની તાજગી શોધવા માટે સેન્સર અને માઇક્રોબાયોલૉજી ટેસ્ટર્સનો સમાવેશ થાય છે. લૅબોરેટરી પરીક્ષણ ખાતરી કરશે કે ભક્તોને પીરસવામાં આવતા લાડુ અને પ્રસાદ ઉચ્ચ ગુણવત્તાના છે.
