ક્રિપ્ટોમાં નફાની લાલચમાં થાણેના યુવક સાથે ૩૪.૧૦ લાખની ઠગાઈ
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં ઑનલાઇન ઠગાઈનો વધુ એક ચોંકાવનારો બનાવ બન્યો છે જેમાં મૅટ્રિમોનિયલ વેબસાઇટ પર મળેલી એક મહિલાએ થાણેના માજીવાડા વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષના એક યુવકને ક્રિપ્ટોકરન્સીમાં મોટો નફો મળવાની લાલચ આપીને તેની પાસેથી ૩૪.૧૦ લાખ રૂપિયા છેતરપિંડીથી પડાવી લીધા હતા. આ મામલે કાપુરબાવડી પોલીસે શનિવારે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ પોલીસે લોકોને અજાણી વ્યક્તિની સલાહથી ઑનલાઇન રોકાણ કરતાં પહેલાં સાવચેતી રાખવાની અપીલ કરી છે.
કાપુરબાવડીના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પીડિતે ૬ મહિના પહેલાં મૅટ્રિમોનિયલ સાઇટ પર નોંધ કરાવી હતી. ડિસેમ્બરથી તેની એક મહિલાની પ્રોફાઇલ સાથે ઓળખાણ થઈ અને બન્ને વચ્ચે નિયમિત વાતચીત શરૂ થઈ હતી. વિશ્વાસ વધતાં મહિલાએ તેને ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટ વેબસાઇટ વિશે માહિતી આપીને મોટો નફો મળવાની ખાતરી આપી હતી. હું પોતે પણ એ જ પ્લૅટફૉર્મ પર રોકાણ કરું છું એવો દાવો કરીને મહિલા નફાના સ્ક્રીનશૉટ્સ મોકલીને ફરિયાદીનો વિશ્વાસ જીતી હતી. ત્યાર બાદ ૧૦ જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરી દરમ્યાન મહિલાએ જણાવ્યા મુજબ યુવકે વિવિધ બૅન્ક-ખાતાંઓમાં કુલ ૩૪.૧૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. શરૂઆતમાં વેબસાઇટ પર નફો દર્શાવાતો હોવાથી યુવક વધુ વિશ્વાસમાં આવી ગયો હતો. જોકે જ્યારે તેણે મૂળ રકમ અને પ્રૉફિટ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ટૅક્સ અને અન્ય ચાર્જિસના બહાને વધુ રૂપિયા જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. એ પછી ૧૦ ફેબ્રુઆરીએ વેબસાઇટ સંપૂર્ણપણે બંધ મળી આવતાં યુવકને છેતરપિંડી થઈ હોવાની ખાતરી થઈ હતી. અંતે યુવકે સાઇબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી. એ પછી અમારી પાસે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’
