ભારત અને શ્રીલંકામાં આયોજિત મેન્સ T20 વર્લ્ડ કપ 2026નો સુપર 8 નૉકઆઉટ રાઉન્ડ આજથી શરૂ થઈ રહ્યો છે. આગામી ૯ દિવસમાં સુપર 8ની ૧૨ મૅચ રમાશે. ૯ દિવસમાં માત્ર રવિવારે બે-બે મૅચ રમાશે, બાકીના દિવસમાં એક ટક્કર જોવા મળશે.
ICCએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક્નૉલૉજીની મદદથી સુપર 8ની તમામ ટીમના કૅપ્ટન્સનો ફોટો જનરેટ કર્યો હતો
ભારત અને શ્રીલંકામાં આયોજિત મેન્સ T20 વર્લ્ડ કપ 2026નો સુપર 8 નૉકઆઉટ રાઉન્ડ આજથી શરૂ થઈ રહ્યો છે. આગામી ૯ દિવસમાં સુપર 8ની ૧૨ મૅચ રમાશે. ૯ દિવસમાં માત્ર રવિવારે બે-બે મૅચ રમાશે, બાકીના દિવસમાં એક ટક્કર જોવા મળશે. ૮ ટીમ પોતાના ગ્રુપની અન્ય ૩ ટીમ સાથે એક-એક મૅચ રમશે. જે ટીમ પોતાના ગ્રુપમાં ટૉપ ટૂમાં સ્થાન મેળવશે એ ચાર અને પાંચ માર્ચે રમાનારી સેમી-ફાઇનલ મૅચમાં એન્ટ્રી મારશે.
ભારત, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વે સુપર 8ના ગ્રુપ વનમાં છે. ૨૦૧૨ના વર્લ્ડ કપ બાદ પહેલી વખત ટુર્નામેન્ટની શરૂઆતના ગ્રુપની ટૉપર ટીમ એક જ ગ્રુપમાં છે. ગ્રુપ ટૂમાં શ્રીલંકા, પાકિસ્તાન, ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડની ટીમનો સમાવેશ થયો છે. આ તમામ ટીમ પોતાના ગ્રુપ-સ્ટેજમાં એક મૅચ હારી છે. ગ્રુપ વનની ટીમો ભારતમાં અને ગ્રુપ ટૂની ટીમો શ્રીલંકામાં નૉકઆઉટ મૅચ રમશે.
૨૦૨૪ના વર્લ્ડ કપની સુપર 8 ટીમોમાંથી માત્ર ભારત, વેસ્ટ ઇન્ડીઝ, ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વર્તમાન વર્લ્ડ કપમાં પણ આ નૉકઆઉટ રાઉન્ડ રમશે. ઑસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, બંગલાદેશ અને અમેરિકા ગયા વર્ષે સુપર 8 રાઉન્ડનો ભાગ હતી. ભારતીય ટીમ ૨૨ ફેબ્રુઆરીએ અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે પોતાની પહેલી સુપર 8 મૅચ રમશે.
સુપર 8ની પહેલી મૅચ આજે ન્યુ ઝીલૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે
T20 ફૉર્મેટમાં બન્ને ટીમો વચ્ચેની આ પચાસમી ટક્કર : પાકિસ્તાન ૨૪ મૅચ જીત્યું છે અને ન્યુ ઝીલૅન્ડ ૨૩
મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના પંદરમા દિવસે સુપર 8 રાઉન્ડની પહેલી ટક્કર ન્યુ ઝીલૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં સાંજે ૭ વાગ્યે થશે. ન્યુ ઝીલૅન્ડ અને પાકિસ્તાન બન્ને ટીમ સતત ૮ વર્લ્ડ કપથી આ નૉકઆઉટ રાઉન્ડ રમી રહી હતી. જોકે છેલ્લી સીઝનમાં પહેલી વખત તેઓ ગ્રુપ-સ્ટેજથી રેસમાંથી બહાર થઈ ગયાં હતાં.
બન્ને વચ્ચે T20 ફૉર્મેટમાં આજે પચાસમી ટક્કર થશે. ૪૯ મૅચમાંથી ન્યુ ઝીલૅન્ડ ૨૩ મૅચ અને પાકિસ્તાન ૨૪ મૅચ જીત્યું છે. બે મૅચ નો-રિઝલ્ટ રહી હતી. T20 વર્લ્ડ કપમાં બન્ને ટીમ ૨૦૦૭થી ૨૦૨૨ વચ્ચે સામસામે સાત મૅચ રમી છે. એમાંથી પાકિસ્તાન પાંચ મૅચ અને ન્યુ ઝીલૅન્ડ બે મૅચ જીત્યું હતું. પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપમાં ન્યુ ઝીલૅન્ડ છેલ્લે ૨૦૧૬માં મોહાલીમાં જીત્યું હતું.
