બજેટ-સેશનની શરૂઆત કરતી વખતે મહારાષ્ટ્રના રાજ્યપાલે બન્ને ગૃહોનું મરાઠીમાં સ્વાગત કર્યું, સરકારના રોડમૅપની માહિતી આપી
ગઈ કાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને વિધાનભવનમાં આવકારતા દેવેન્દ્ર ફડણવીસ. તસવીર: સૈયદ સમીર અબેદી
મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટસત્રની શરૂઆત સોમવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સંબોધિત બન્ને ગૃહોની પરંપરાગત સંયુક્ત બેઠક સાથે થઈ હતી. રાજ્યપાલે પોતાનું ભાષણ મરાઠીમાં શરૂ કરવાનું પસંદ કર્યું હતું અને પછી હિન્દીમાં આગળ વધાર્યું હતું. રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્, રાષ્ટ્રગીત જન ગણ મન અને રાજ્યગીત જય જય મહારાષ્ટ્ર માઝા બાદ તેમનું ભાષણ શરૂ થયું હતું.
બજેટસત્રની શરૂઆતમાં સભ્યોને શુભેચ્છા આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે તેમની સરકાર રાજમાતા જિજાઉ, છત્રપતિ શિવાજી મહારાજ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, ભગવાન બિરસા મુંડા અને અન્ય અગ્રણી સમાજસુધારકોના આદર્શો અને મૂલ્યો દ્વારા માર્ગદર્શન મેળવશે. પછી તેમણે છેલ્લા એક વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની મહાયુતિ સરકારની સિદ્ધિઓ અને આગામી વર્ષ માટેની એની પ્રાથમિકતાઓનો ઉલ્લેખ કર્યો હતો.
રાજ્યપાલે પોતાના ભાષણમાં કહ્યું હતું કે મહાયુતિ સરકાર લાંબા સમયથી પડતર મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદને ઉકેલવા માટે પ્રતિબદ્ધ છે; જ્યારે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને આરોગ્યસંભાળ, શિક્ષણ અને રોજગારની તકોમાં સંપૂર્ણ સમર્થન મળે એની ખાતરી કરે છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના આર્થિક પ્રદર્શન પર પ્રકાશ પાડતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે ‘રાજ્ય વિદેશી રોકાણ માટે પસંદગીનું સ્થળ છે અને હાલમાં ભારતના GDPમાં લગભગ ૧૩.૫ ટકા યોગદાન આપે છે. મહારાષ્ટ્રને ૨૦૨૪-’૨૫માં ૧.૬૪ લાખ કરોડ રૂપિયાનું વિદેશી સીધું રોકાણ મળ્યું હતું, જે દેશના કુલ FDI પ્રવાહના ૩૯ ટકા જેટલું હતું. જાન્યુઆરી ૨૦૨૬માં દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના પરિણામે લગભગ ૩૦ લાખ કરોડ રૂપિયાના સમજૂતીકરાર થયા હતા, જેમાં રાજ્યમાં ૪૦,૦૦૦થી વધુ નોકરીઓ ઉત્પન્ન થવાની સંભાવના છે.’
વિકસિત મહારાષ્ટ્ર ૨૦૪૭ના રોડમૅપનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલે કહ્યું હતું કે ‘સરકાર ૨૦૪૭ સુધીમાં રાજ્યના અર્થતંત્રને પાંચ ટ્રિલ્યન ડૉલર સુધી વિસ્તૃત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ દૃષ્ટિકોણના ભાગરૂપે સરકાર ૨૦૩૦ સુધીમાં ૧૭ લાખ કરોડ રૂપિયાથી વધુનાં રોકાણોને આકર્ષિત કરવાની અને લગભગ ૫૦ લાખ રોજગારીની તકો ઊભી કરવાની યોજના ધરાવે છે.’
બન્ને ગૃહોમાં વિરોધ પક્ષનો કોઈ નેતા નથી
બજેટસત્ર અભૂતપૂર્વ રાજકીય પરિસ્થિતિ વચ્ચે શરૂ થયું છે. રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર વિધાનસભા કે ૭૮ સભ્યોની વિધાન પરિષદમાં વિરોધ પક્ષનો કોઈ નેતા નહીં હોય. બન્ને ગૃહોમાં ઔપચારિક રીતે આ પદનો દાવો કરવા માટે જરૂરી ન્યૂનતમ સંખ્યા મેળવવામાં વિપક્ષ નિષ્ફળ જવાને કારણે આવું બન્યું છે. મહા વિકાસ આઘાડીએ આ પરિસ્થિતિને લોકશાહી ધોરણો માટે ખતરો ગણાવી હતી. વિપક્ષી ગઠબંધનની દલીલ હતી કે સંસ્થાકીય નિયંત્રણો અને સંતુલન જાળવવા માટે વિપક્ષના નેતાની હાજરી મહત્ત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે સરકાર મજબૂત બહુમતી ધરાવે છે.
