૬૦ વર્ષની મમ્મીને ઘાયલ અવસ્થામાં બૅન્ગલોરની હૉસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવી હતી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કર્ણાટકમાં પાંચ વિષયમાં નાપાસ થયેલી દીકરી અને તેની મમ્મી વચ્ચે થયેલા ઝઘડા બાદ બન્નેએ એકમેકને ચાકુના ઘા માર્યા હતા, જેમાં ૧૯ વર્ષની દીકરીનું મૃત્યુ થયું હતું અને ૬૦ વર્ષની મમ્મીને ઘાયલ અવસ્થામાં બૅન્ગલોરની હૉસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં હુબલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસ વિશે પોલીસે જણાવ્યું હતું કે ‘દીકરી સાહિત્યા ભણીગણીને આગળ વધે એ માટે મમ્મી પદ્મજાએ તેના સ્વર્ગસ્થ પતિની કંપની વેચી દીધી હતી. મમ્મીને ઘણી આશા હતી કે દીકરી ભણીને સફળતા મેળવશે, પણ તે પ્રી-યુનિવર્સિટી (PU) પરીક્ષામાં એકસાથે પાંચ વિષયમાં નાપાસ થઈ હતી. સોમવારે જાહેર થયેલા રિઝલ્ટમાં સાહિત્યાના માર્ક જોઈને પદ્મજાએ તેનો ઊધડો લીધો ત્યારે બન્ને વચ્ચે જોરદાર બોલાચાલી થઈ અને એ પછી ઝઘડો વધ્યો, જેમાં બન્નેએ એકમેક પર ચાકુથી હુમલો કર્યો હતો.’ પદ્મજા ICUમાંથી બહાર આવે એ પછી પોલીસ તેમનું નિવેદન નોંધશે. તેમની સામે દીકરીની હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.